વડીલો સહિત સહુ વાચક મિત્રો, આવો... આ સપ્તાહે આપણે અતીતના ઓવારે પહોંચી જઇએ. 100 વર્ષ પૂરાણું ભારત, તેનું ગુજરાત રાજ્ય, વેપાર-ઉદ્યોગ અને રાજકીય ગતિવિધિના કારણે રાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતું તેનું અમદાવાદ શહેર, અને આ મહાનગરનો જગવિખ્યાત સાબરમતી આશ્રમ... અહીંથી ગણતરીના અંતરે આવેલું સરકારી અતિથિ ગૃહ - સર્કિટ હાઉસ.
રાજાશાહી કાળના આ સર્કિટ હાઉસે સમયના વહેવા સાથે આધુનિક રંગરૂપ જરૂર ધારણ કર્યા છે, પણ તેમાં ઇતિહાસ તો આજેય ધબકે છે. આ સર્કિટ હાઉસમાં બરાબર 101 વર્ષ પૂર્વે - સન 1922માં - ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સંકળાયેલો કાનૂની ખટલો ચાલ્યો હતો. જેમાં આરોપીના કઠેડામાં હતા મોહનદાસ કરમચંદ ગાંધી.
ગાંધીજીનો ગુનો એ હતો કે તેમણે ‘યંગ ઇંડિયા’માં બ્રિટિશ સરકાર વિરુદ્ધ ત્રણ લેખ લખ્યા હતા. બ્રિટિશ શાસકોની આકરી ઝાટકણી કાઢતાં આ લેખો બદલ તેમની સાથે સૌથી આકરી ગણાતી કલમ 124-અ હેઠળ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો.
અમદાવાદના સર્કિટ હાઉસમાં ઉભી કરાયેલી વિશેષ કોર્ટમાં ખટલો ચાલ્યો. ગાંધીજીએ સજાની પરવા કર્યા વગર પોતાના લખાણનો બેધડક સ્વીકાર કર્યો, એટલું જ નહીં બ્રિટિશ સરકારની નીતિરીતિની ફરી એક વખત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી.
ગાંધીજીના નિવેદન બાદ જજ બ્રુમફિલ્ડે ઐતિહાસિક ચુકાદો આપતાં કહ્યું હતું કે, ‘મિ ગાંધી સજા આપવી એ કામ સહેલું નથી. મને નથી લાગતું કે આ દેશમાં કોઇ જજ પર આટલું અઘરું કામ આવી ગયું હોય... તમે દેશબંધુઓની દૃષ્ટિમાં મહાન નેતા છો એ સત્ય તરફ દુર્લક્ષ કરાય એમ નથી... તમને દરેક ગુના માટે બે વર્ષની આસાન કેદ, એટલે કે કુલ છ વર્ષ કેદની સજા ફરમાવવામાં મને મારી ફરજ લાગે છે. આ સજા ફરમાવતાં હું એટલું ઉમેરવા માગું છું કે ભવિષ્યમાં હિંદુસ્તાનનું રાજદ્વારી વાતાવરણ શમે અને સરકાર તમારી સજા ઓછી કરીને તમને છોડી મૂકે તો મારા જેટલો આનંદ કોઇને નહીં થાય...’
આ એક અંગ્રેજ જજનો ગાંધીજી પ્રત્યેનો અભિગમ હતો. હવે આપણે આપણા જ દેશવાસીઓનો ગાંધીજી પ્રત્યેનો અભિગમ જોઇએ.
આ જ વર્ષ - 1922માં જ - ગાંધીજીએ સ્વાતંત્ર્ય સંગ્રામના ભાગરૂપે અસહકાર આંદોલનનું રાષ્ટ્રવ્યાપી એલાન આપ્યું હતું. આ અહિંસક આંદોલને ઉત્તર પ્રદેશના ચૌરી ચૌરામાં હિંસક વળાંક લીધો. તોફાને ચઢેલા આંદોલનકારીઓએ બ્રિટિશ સરકારની પોલીસ ચોકીને આગ ચાંપી દીધી. અહીં છૂપાયેલા તમામ 22 પોલીસ જવાનો જીવતાં ભડથું થઇ ગયા.
હિંસાથી હતપ્રભ ગાંધીજીએ ચળવળ સમેટી લીધી અને હિંસાની નૈતિક જવાબદારી સ્વીકારી. ગાંધીજી પર ચોમેરથી માછલા ધોવાયા, પણ તેઓ ડગ્યા નહીં. સવિશેષ તો ક્રાંતિકારીઓને આ નિર્ણય પસંદ ન આવ્યો અને તેમણે ગાંધીજી અને તેમની વિચારધારા સામે ખુલ્લું બંડ પોકાર્યું. ઘણાએ નોખો ચોકો માંડ્યો.
સંનિષ્ઠ સાથીદારો એવા સરદાર વલ્લભભાઇ પટેલ, મહાદેવભાઇ દેસાઇ સહિતના દિગ્ગજો જરૂર ગાંધીજીની સાથે હતા, પરંતુ સ્વાતંત્ર્ય સંગ્રામના આંદોલનકારીઓથી માંડીને સાહિત્યકારોના એક મોટા વર્ગે ભલે ગાંધીજી સાથે છેડો ફાડ્યો હતો. દેશમાં જાણે ગાંધીજીની ‘સાથે’ અને ‘સામે’ એમ બે ભાગલા પડી ગયા હતા.
તે વેળા સૌરાષ્ટ્રમાં રાણપુર ગામે પત્રકારત્વ કરતા ઝવેરચંદ કાળીદાસ મેઘાણીએ ગાંધીબાપુ અને તેમની વિચારધારા પ્રત્યેના આવા ઉપેક્ષિત અભિગમથી ભારે વ્યથા અનુભવી અને તેમની વેદનાને કલમથી વાચા આપી. સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો, સોરઠ તારા વહેતાં પાણી, યુગવંદના, તુલસીક્યારો જેવા પુસ્તકોના રચયિતાએ આ ગાળામાં સ્વાતંત્ર્ય સંગ્રામ સંદર્ભે યાદગાર કૃતિઓ રચી, આમાંથી ત્રણ કૃતિને તો અમર જ ગણવી રહી. જેમાંથી એક ‘છેલ્લો કટોરો ઝેરનો...’ 1930માં ગાંધીજી ગોળમેજી પરિષદ માટે લંડન આવ્યા હતા ત્યારે રચાઇ હતી તો બીજી અમર કૃતિ છે ‘રક્ત ટપકતી સો સો ઝોળી...’. આ કૃતિમાં તેમણે ધરાસણા સત્યાગ્રહમાં પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદોને બિરદાવ્યા હતા. જ્યારે ત્રીજી કૃતિ છે ‘વિદાય’. આ કૃતિમાં માભોમને ગુલામીની જંજીરમાંથી મુક્ત કરાવવા માટે ઘર-પરિવાર છોડીને ચાલી નીકળેલા એક સ્વાતંત્ર્ય સેનાનીની લાગણીને વાચા આપી છે.
આજે કોલમના શીર્ષકમાં ટાંકેલી પંક્તિઓ ‘વિદાય’ની જ છે. ‘યુગવંદના’ પુસ્તકમાં પ્રકાશિત આ કૃતિની પંક્તિઓ સ્વાતંત્ર્ય સેનાનીઓની ખુમારી - શૂરવીર મિજાજ દર્શાવે છે. જોકે આ જ પંક્તિઓને તમે સ્વતંત્ર રીતે વાંચશો તો તેમાં ગમે તેવી કઠિન મુશ્કેલી - પડકારો છતાં હામ હાર્યા વગર લડી જાણનારા ઝૂઝારુ વ્યક્તિત્વનો પરિચય થશે. આ પંક્તિઓ મારું પણ જીવનસૂત્ર છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી. હું ઝવેરચંદ મેઘાણીને કલમના ખોળે આયખું વીતાવી દેનાર નર્મદની હરોળમાં મૂકું છું.
વાચક મિત્રો, પડકારો ઝીલવાની - અવરોધો સામે ઝઝૂમી લેવાની વાત ચાલી રહી છે ત્યારે એક આડ વાતનો ઉલ્લેખ કરતાં હું મારી કલમને રોકી શકતો નથી. આજે 13 એપ્રિલના રોજ આ લખાઇ રહ્યું છે. ‘ગુજરાત સમાચાર’ના ઇતિહાસમાં આ તારીખ-મહિનાનું આગવું મહત્ત્વ છે. વર્ષ 1976માં બરાબર આજના દિવસે એશિયન બિઝનેસ પબ્લિકેશનના નેતૃત્વમાં ‘ગુજરાત સમાચાર’નો પહેલો અંક પ્રસિદ્ધ થયો હતો. રામનવમીનો શુભ દિવસ હતો, અને નવા પ્રકાશક (મારા) સહિત સહુના હૈયે ઉત્સાહ-ઉમંગ છલકતો હતો. હૈયે હામ હતી, પણ પ્રકાશન ક્ષેત્રે લેશમાત્ર અનુભવ નહોતો.
અમે લોકો - એટલે કે હું, મારા ભાગીદારો, દુકાનોના અને પ્રકાશન વ્યવસ્થાના મેનેજર સહિત મુખ્ય સાથીદારો 13 એપ્રિલ 1976ના રોજ ચર્ચા કરતાં બેઠા હતા. એક નહીં, અનેક પ્રશ્નો મોં ફાડીને ઉભા હતા. ‘ગુજરાત સમાચાર’ના લવાજમી ગ્રાહકોના નામે તો કંઇ હતું જ નહીં અને શોપ્સમાં પણ કંઇ વેચાણ નહોતું.
વાચક મિત્રો, આપ સહુએ વીતેલા સપ્તાહે ‘ગુજરાત સમાચાર’માં પાન 22 પર પ્રકાશિત શ્રીમતી દેવીબહેન મહેશભાઇ પારેખનો ‘ભૂતકાળની ભૂલ અંગે મારી ક્ષમાયાચના’ લેખ વાંચ્યો જ હશે. તેમાં તેમણે લખ્યું છે તેમ ‘ગુજરાત સમાચાર’ ખરેખર માંદગીના બીછાને હતું, મૂર્છિત હતું, ઘવાયેલ હતું. ‘ગુજરાત સમાચાર’ માટે આ માંદગીમાંથી સ્વસ્થ થવાનું - સારા થવાનું ખાસ સંભવ નહોતું.’
નજર સામેના સંજોગો અને કાગળ પરના આંકડાઓ જ એવા હતા કે કોઇ પણ વ્યક્તિના મનમાં દેવીબહેન જેવો જ વિચાર આવે. અધૂરામાં પૂરું, મારા જેવા બિનઅનુભવીએ તેનું સુકાન સંભાળ્યું હતું. આ સંજોગોમાં દેવીબહેન એવું ધારી લે કે ‘મને નથી લાગતું કે આ ભાઇ છાપું ચલાવી શકે...’ તો એમાં કંઇ નવાઇ નહોતી.
(જોકે દેવીબહેનની પણ ખાનદાની કહો તો ખાનદાની અને નિખાલસતા કહો તો એમ, તેમણે આ લેખ લખી મોકલ્યા પછી મને ફોન કરીને કહ્યું કે ભાઇ, તમે આ લેખ વાંચી લેજો... મેં આ લેખમાં તમારા વિશે જે લખ્યું છે તે વાંચીને જરા પણ એવું લાગે કે આ અયોગ્ય છે તો તે કાઢી નાંખજો, અને ઇચ્છો તો લેખ પણ રદ કરી શકો છો. અને વાચક મિત્રો, આપ સહુને જણાવવાનું કે અમે તેમનો પત્ર જોડણીના મામૂલી સુધારાને બાદ કરતાં યથાતથ્ છાપ્યો છે. દેવીબહેને સાચી હકીકત લખી છે, અને તે વાત સહુએ સ્વીકારવી જ રહી.)
13 એપ્રિલ 1976ની એ બપોરે અમારી પાસે ‘ગુજરાત સમાચાર’ના ગ્રાહકોનો કોઇ જૂનો રેકોર્ડ નહોતો, શોપનું લિસ્ટ પણ નહોતું. જાહેરખબર જેવું તો કંઇ હતું જ નહીં કે જેથી તેમાંથી પણ આવકની શક્યતા નહોતી. હાલત ખરેખર બહુ જ ખરાબ હતી. ચર્ચાવિચારણાના અંતે એટલું જ સમજાયું હતું કે આગામી સમય ખરેખર પડકારજનક રહેવાનો છે. મેં દુકાનદારો - ભાગીદારોને સધિયારો આપતાં કહ્યું કે ખોટ તો અત્યારે જ દેખાઇ રહી છે અને આંકડો હજુ વધવાનો તે ય નક્કી છે, પરંતુ તમે ચિંતા નહી કરતાં ખોટ બધી મારા માથે. તમને એક પેનીનું પણ નુકસાન થવા નહિ દઉં. ખરેખર અમારા બધા માટે આ સમયગાળો અત્યંત વિચાર માગી લે તેવો હતો. આજે દેવીબહેને પત્ર લખીને તે પડકારજનક દિવસો યાદ કરાવ્યા તે બદલ અંતઃકરણપૂર્વક તેમનો આભાર માનું છું.
વાચક મિત્રો, આવા તો નાના-મોટા અનેક પડકારો - અવરોધો ઓળંગીને ‘ગુજરાત સમાચાર’ પ્રગતિના પંથે આગળ ધપતું રહ્યું છે અને સુવર્ણ જયંતી વર્ષની શાનદાર ઉજવણી કરી રહ્યું છે. જીવન છે તો સંકટ પણ છે, તેની સામે શરણાગતિ ન સ્વીકારવાની હોય. ગમેતેવું સંકટ હોય કે સમસ્યા હોય - તમે તેનો સામનો કઇ રીતે કરો છો તેના પર બધું નિર્ભર છે. પરિવારજનો અને સાથીદારોએ વાંચકોએ અને સમાજે સબળો સાથ-સહકાર આપ્યો અને જૂઓ, આજે ગાડી પૂરપાટ દોડી રહી છે.
ખેર, મૂળ વાતનો તંતુ સાધીએ તો, ગાંધીજી અને તેમના અહિંસાના સિદ્ધાંતની અગ્નિપરીક્ષા જેવા દિવસોમાં કેટલાકે તેમનો સાથ છોડ્યો, કેટલાકે અલગ ચોકો માંડ્યો તો કેટલાકે નવો પક્ષ પણ સ્થાપ્યો. આ જ સમયગાળામાં એક સમયે અખંડ ભારતના સમર્થક એવા મોહમ્મદ અલી ઝીણાએ મુસ્લીમ લીગને વધુ બળવતર બનાવવાનું શરૂ કર્યું હતું. આવા બધા માહોલથી વ્યથિત મેઘાણી સાહેબે બિરાદર નૌજવાં ! અમ રાહથી દૂર રેજે, અમોને પંથભૂલેલા ભલે તું માની લેજે પંક્તિઓ લખીને જાણે ગાંધીજીના અંતરમનના અવાજને વાચા આપી હતી.
વાચક મિત્રો, આપણે ચોતરફ જોઇએ છીએ તેમ નબળા - સબળા વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલતો જ રહે છે. આ સંઘર્ષ માત્ર બાહ્ય નથી હોતો, આંતરિક સંઘર્ષ પણ એટલો જ તીવ્ર હોય છે. નબળું મન હોય તો અલગ સૃષ્ટિ હોય છે, અને સબળું મન હોય તો પણ અલગ સૃષ્ટિ સર્જાતી હોય છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં માનવ મગજની એક તસવીર બહુ જ વાઇરલ થઇ હતી. જેમાં દર્શાવાયું હતું કે આપણા મગજમાં આશરે સાત બિલિયન (હા, સાત અબજ) કોષિકા હોય છે. મારી - તમારી મેમરી - સ્મરણો આ સુપર કોમ્પ્યુટરમાં સેવ અને ડિલીટ થતા રહે છે. અહીં સારા-નરસા, સકારાત્મક-નકારાત્મક વિચારોનું દ્વંદ ખેલાય છે તેના આધારે આપણી મનોસ્થિતિ આકાર લેતી હોય છે. અને આ મનોસ્થિતિના આધારે આપણા તન-મનનું સ્વાસ્થ્ય ઘડાતું હોય છે. સકારાત્મક અભિગમ કેન્સર જેવા જીવલેણ રોગને પણ મારી હટાવે છે અને નકારાત્મક અભિગમ સારા-નરસા માણસને પણ નબળો પાડી દે છે.
એક સમય હતો જ્યારે ટીવી ‘ઇડિયટ બોક્સ’ ગણાતું હતું, આજે આ જ બિરુદ સોશિયલ મીડિયાને આપી શકાય. સહુ કોઇ માટે સરળતાથી સુલભ આ માધ્યમ જેટલું ઉપયોગી છે, તેથી વધુ દુરુપયોગી સાબિત થઇ રહ્યું છે. ક્યારેક એમ થાય છે કે સોશિયલ મીડિયા લોકોની મનોદશાને સબળી બનાવવાના બદલે પાંગળી બનાવી રહ્યું છે. આ જૂઓને આજકાલ ગાંધીજીને, તેમના વિચારોને, તેમણે આદરેલી સ્વાતંત્ર્ય ચળવળને વગોવવાનું જાણે (બહુ આયોજનપૂર્વક) આંદોલન ચાલી રહ્યું છે. આજથી એકસો વર્ષ પહેલાનાં દેશનો ઇતિહાસ - ભૂગોળ - સમાજ - શાસકો કે તે સમયની નીતિરીતિ નહીં જાણનારા લોકો ગાંધીજીના સિદ્ધાંતો વિશે ‘ચુકાદો’ આપી રહ્યા છે! ગાંધીજી વિશે ઘસાતું બોલી રહ્યા છે, તેમની બદબોઇ કરી રહ્યા છે. આવા લોકોના પાંગળા વિચારો, બકવાસ વાંચીને હસવું નહીં, દયા આવે છે.
વાચક મિત્રો, આપ સહુ પણ કદાચ મારા જેવી જ લાગણી અનુભવતા હશો. આપને પણ આપના વિચારો મુક્તમને લખી જણાવવા હાર્દિક નિમંત્રણ છે. આપના પ્રકાશનયોગ્ય વિચારોને અમે અવશ્ય સ્થાન આપશું. તો ઉઠાવો કલમ... (ક્રમશઃ)
