માનવસેવાની દિશામાં AAHOAનું પ્રેરણાદાયી અને પ્રશંસનીય કદમ

Wednesday 19th April 2023 06:06 EDT
 

દુનિયાના દરેક ધર્મમાં સખાવત અથવા તો દાન-પુણ્યનું અનેરૂં મહત્વ છે. માનવની માનવ પ્રત્યેની કરૂણાને જ માનવતાનો સૌથી મોટો ગુણ કહેવાય છે. વિશ્વમાં પૌરાણિક કાળથી આધુનિક યુગ સુધી ઘણા ધનિકો પોતાની સંપત્તિ સખાવતી કાર્યો માટે દાનમાં આપી ચૂક્યાં છે. 21મી સદીમાં અબજો ડોલરની કમાણી કરતા બિલ ગેટ્સથી માંડીને અઝિમ પ્રેમજી સુધીના બિઝનેસમેન તેમની મોટાભાગની સંપત્તિ દાનમાં આપી રહ્યાં છે. એવી જ રીતે ઘણા સમુદાયના અગ્રણી બિઝનેસમેન એકજૂથ થઇને સખાવતી કાર્યોમાં ભાગ લેતાં આવ્યાં છે. આવો જ એક પ્રશંસનીય પ્રયાસ એશિયન અમેરિકન હોટેલ્સ ઓનર્સ એસોસિએશન (AAHOA) દ્વારા કરાયો છે. અમેરિકામાં સૌથી મોટા એવા હોટેલ ઓનર્સ એસોસિએશન AAHOAના કુલ 20,000 સભ્યો છે અને અમેરિકાની 60 ટકા હોટલોની માલિકી તેમની પાસે છે. સંગઠનના કુલ સભ્યોમાં 90 ટકા ભારતીયો અને વિશેષ ગુજરાતી અમેરિકનોનો સમાવેશ થાય છે. એશિયન અમેરિકનોની આ હોટલો અમેરિકના જીડીપીમાં 1.7 ટકાનું યોગદાન આપે છે, તેમની માલિકીની હોટલોમાં 10 લાખથી વધુ કર્મચારીઓ કામ કરીને વાર્ષિક 47 બિલિયન ડોલરની આવક પ્રાપ્ત કરે છે. આ સંગઠનના સભ્યોની માલિકીની હોટલો દ્વારા હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના તમામ સેક્ટરમાં 42 લાખ નોકરીઓને સપોર્ટ મળે છે. આવા મહાકાય સંગઠને હવે ચેરિટીમાં પદાર્પણ કરવાનું એલાન કર્યું છે. તાજેતરમાં અમેરિકામાં યોજાયેલા કન્વેન્શન એન્ડ ટ્રેડ શોમાં AAHOA ચેરિટેબલ ફાઉન્ડેશનના પ્રારંભની જાહેરાત કરાઇ હતી. આ ફાઉન્ડેશન દ્વારા કુદરતી હોનારતોમાં રાહત સહાય, શૈક્ષણિક સ્કોલરશિપ, ગ્રાન્ટ અને અન્ય સખાવતી કાર્યો માટે મદદ કરાશે. ગુજરાતીમાં કહેવત છે કે ઝાઝા હાથ રળિયામણા... એક વ્યક્તિ તેની ક્ષમતામાં સખાવત કરે અને એક આખું સંગઠન એકજૂથ થઇને સખાવત કરે તો આખું દ્રશ્ય જ બદલાઇ જાય છે. એકજૂથ થઇને કરાતી સહાય ઘણી મોટી હોય છે અને તેના દ્વારા સમાજના ઘણા લોકોને લાભ મળી શકે છે. આ રીતે બિઝનેસ સંગઠનો દ્વારા કરાતી ચેરિટી સમાજના મોટા જરૂરિયાતમંદ વર્ગની જરૂરિયાત સંતોષી શકે છે. AAHOA દ્વારા હાથ ધરાયેલો માનવ સેવાનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનિય અને આવકારદાયક છે. અલગ અલગ સેક્ટરમાં અગ્રણી બિઝનેસ આ રીતે એકજૂથ થઇ સખાવત કરે તો મોટી માનવસેવા થઇ શકે છે. AAHOAના પ્રયાસને શત શત નમન..... 


comments powered by Disqus