ચોથી મે 2023ના રોજ યુકેમાં વિવિધ કાઉન્સિલ અને મેયરપદની ચૂંટણીઓ યોજાઇ રહી છે. આ ચૂંટણીને 2024માં યોજાનારી સંસદિય ચૂંટણીની સેમી ફાઇનલ સમાન માનવામાં આવી રહી છે. ટોરી, લેબર અને અન્ય પાર્ટીના નેતાઓ ચૂંટણી પ્રચારમાં જોતરાઇ ગયાં છે પરંતુ લેબર પાર્ટી દ્વારા રિશી સુનાક અને તેમના પત્ની વિરુદ્ધ ચલાવવામાં આવેલું જાહેરાત અભિયાન બૂમરેંગ સાબિત થઇ રહ્યું છે. લેબર પાર્ટીના વિવાદાસ્પદ એડ કેમ્પેનને પગલે વધુ મતદારો કિર સ્ટાર્મેરની પાર્ટી અંગે નકારાત્મક અભિગમ અપનાવવા લાગ્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા લેબર પાર્ટી પર મુદ્દા આધારિત હુમલા કરવામાં આવી રહ્યાં છે જ્યારે લેબર પાર્ટી સીધા વડાપ્રધાનને નિશાન બનાવી રહ્યાં છે. જેના પરિણામે લેબર પાર્ટીમાં પણ સ્ટાર્રમેર સામે ગણગણાટ શરૂ થઇ ગયો છે. લેબર પાર્ટીની જાહેરાતો તેના પોતાના જ હિતમાં નથી તેવું માનનારા મતદારોની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ક્રાઇમના મુદ્દા પર લેબર પાર્ટી હવે ટોરીઝ પર ફક્ત 6 પોઇન્ટની જ લીડ ધરાવે છે. ક્રાઇમ અંગેની લેબરની જાહેરાતોએ લેબર પાર્ટીના વિશ્વાસમાં જ સેંધ મારી છે. પાર્ટીના સીનિયર નેતાઓ પાર્ટી દ્વારા અપનાવાયેલી કેમ્પેનની સ્ટાઇલ સામે ઘણા નારાજ જોવા મળી રહ્યાં છે. તેઓ માની રહ્યાં છે કે સ્ટાર્મેરના નેતૃત્વમાં પાર્ટી સોબર અભિગમ અપનાવવાના બદલે ડર્ટી પોલિટિક્સ તરફ આગળ વધી રહી છે. રિશી સુનાક તેમના પુરોગામીઓ બોરિસ જોનસન અને લિઝ ટ્રસ કરતાં ઘણી સારી કામગીરી કરી રહ્યાં છે તેનો સ્વીકાર લેબર નેતાઓ પણ કરી રહ્યાં છે. તેઓ જોનસન અને ટ્રસની જેમ આંધળુકિયાં કરી રહ્યાં નથી. જોનસન અને ટ્રસના સમયમાં લેબર પાર્ટીની લોકપ્રિયતા આપોઆપ વધી રહી હતી. રિશી સુનાકની નીતિઓ પરિણામ આપી રહી છે ત્યારે તેમની વિરુદ્ધનું એડ કેમ્પેન લેબર પાર્ટીની નીતિઓ પર જ સવાલો સર્જી રહ્યું છે. લેબર પાર્ટીના આંતરિક સૂત્રો કહે છે કે અમારા સમર્થકો દ્વારા અમને ઢગલાબંધ ઇમેલ સંદેશ મળી રહ્યાં છે અને તેઓ આ પ્રકારના ગટર પોલિટિક્સ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. કેટલાંક એમ માને છે કે પાર્ટીએ લક્ષ્મણ રેખા ઓળંગી છે. કેટલાક એમ પણ માને છે કે સુનાક વિરોધી જાહેરાતોમાંથી રેસિસ્ટ ટોન સામે આવી રહ્યો છે. લેબરનું આ એડ કેમ્પેન કેવા પરિણામો આપે છે તે તો મતપેટીઓ જ પૂરવાર કરશે પરંતુ હાલ તો સુનાક વિરોધી એડ કેમ્પેલ સ્ટાર્મેર માટે બૂમરેંગ પૂરવાર થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
