હું પણ ગઝનવીની જેમ સોમનાથ મંદિર તોડવા નીકળ્યો છુંઃ પાક. નેતા

Wednesday 19th April 2023 06:54 EDT
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સાથી અને પીટીઆઇ પક્ષના નેતા શાહ મહમૂદ કુરેશીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ભારતવિરોધી ઝેર ઓકી રહ્યા છે. આ વીડિયો ઇમરાન ખાનના પક્ષની એક રેલીનો છે, જેમાં પાક.ના વિદેશમંત્રી રહી ચૂકેલા શાહ મહમૂદ કુરેશીએ ભારતમાં હિન્દુ મંદિરો પર હુમલાની ચીમકી આપી હતી અને મુસ્લિમોને હિન્દુઓ વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
જ્યારે કુરેશી હિન્દુવિરોધી નિવેદન આપી રહ્યા હતા ત્યારે ત્યાં પાક.ના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાન પણ હાજર હતા. ઇમરાન ખાને કુરેશીના ભારત વિરોધી નિવેદન પર તાળીઓ પાડી હતી.
કુરેશી કહી રહ્યા છે કે હું પણ ગઝનવીની જેમ જ સોમનાથ મંદિરને તોડી પાડવા નીકળ્યો છું. આટલું સાંભળતાં જ લોકોએ તાળીઓ પાડી હતી. પાકિસ્તાન હાલ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે, લોકોને ભોજન અને જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવાનાં પણ ફાંફાં છે એટલી મોંઘવારી વધી ગઈ છે.
પાકિસ્તાનમાં બેરોજગારીનું પ્રમાણ પણ વધી ગયું છે અને ભૂખમરામાં અનેક લોકો માર્યા ગયા. આવી અનેક મૂળભૂત સમસ્યાઓ મુદ્દે સરકારને ઘેરવાના બદલે પાકિસ્તાનના વિપક્ષ પીટીઆઇના નેતાઓ ભારતવિરોધી ઝેર ઓકીને પાકિસ્તાનની જનતાને મૂર્ખ બનાવી રહ્યા હોવાની પણ સોશિયલ મીડિયા પર ચર્ચા છે. ત્યારે પાકિસ્તાનના વિપક્ષના નેતા કુરેશી દ્વારા ફરી ભારતવિરોધી નિવેદન આપવામાં આવ્યું છે અને ગુજરાતના સોમનાથ મંદિર પર હુમલાની ધમકી પણ આપી છે.


comments powered by Disqus