આંતરરાષ્ટ્રીય વેપારમાં રૂપિયાએ કાઠું કાઢવું જ પડશે

Wednesday 19th July 2023 06:01 EDT
 

તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએઇની મુલાકાતમાં બંને દેશ વચ્ચે રૂપિયા અને દિરહામમાં વેપાર કરવા અંગે કરાર કરાયો. ભારતની ઇચ્છા છે કે રૂપિયો ગ્લોબલ કરન્સી તરીકે સ્વીકૃત બને. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ અમેરિકા અને તેના સાથી દેશો દ્વારા રશિયા પર લદાયેલા પ્રતિબંધોના કારણે ભારતને રશિયા સાથે વેપાર કરવો મુશ્કેલ બન્યો છે. આવી જ સ્થિતિ ઇરાન પર પશ્ચિમી દેશોના પ્રતિબંધ લદાયા ત્યારે સર્જાઇ હતી. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની સ્થિતિમાં તટસ્થ એવા ભારત માટે આંતરરાષ્ટ્રીય વેપારમાં અમેરિકી ડોલરનો વિકલ્પ શોધવો આવશ્યક બની ગયો છે. હાલમાં અમેરિકન ડોલર, યુરોપિયન સંઘનો યુરો, જાપાનનો યેન અને યુકેનો પાઉન્ડ સ્ટર્લિંગ વિશ્વના અગ્રણી અનામત ચલણો છે. ચીન પણ તેના રેનમિન્બીને રિઝર્વ કરન્સી બનાવવાના પ્રયાસો કરી ચૂક્યો છે પરંતુ તેને હજુ મર્યાદિત સફળતા જ હાંસલ થઇ છે. કોઇપણ કરન્સીને આંતરરાષ્ટ્રીય ચલણ બનવા માટે તે દેશના અર્થતંત્રની મજબૂતાઇ પર આધાર રાખવો પડે છે. અમેરિકાનું અર્થતંત્ર, તેના ટ્રેડ અને ફાઇનાન્સિયલ નેટવર્કોની પહોંચ, યુએસ ફાઇનાન્સિયલ માર્કેટોની લિક્વિડિટી ડોલરને વૈશ્વિક ચલણ તરીકે પ્રસ્થાપિત કરી ચૂક્યાં છે. આ માટે ભારતે પણ પોતાની નીતિઓમાં સુધારા કરીને આ માપદંડો પર ખરા ઉતરવું પડશે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર હવે આ દિશામાં પ્રયાસો કરી રહી છે. રશિયા પાસેથી ક્રુડ ઓઇલની ખરીદીમાં ભારતે રૂપિયામાં ચૂકવણીનો આગ્રહ રાખ્યો અને મહદ્દ અંશે તે સફળ તો થયો પરંતુ રશિયાને ડોલરની વધુ જરૂર હોવાથી હવે તેણે રૂપિયામાં પેમેન્ટ લેવાનો ઇનકાર કરી દીધો છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓમાં દેશના વિદેશી હુંડિયામણ પર બોજો સર્જાતો હોય છે. વિકાસશીલ દેશોને બાહ્ય અને આંતરિક પડકારોની આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે ડોલરનો જથ્થો અનામત રાખવો પડે છે. આવી સ્થિતિમાંથી બહાર આવવા માટે ભારતે હવે પ્રયાસો શરૂ કરી દીધાં છેે. આજ કડીમાં યુએઇ સાથે ભારતે રૂપિયા અને દિરહામમાં વેપાર વ્યવહારો સ્થાપિત કરવામાં સફળતા હાંસલ કરી છે. જોકે ભારતીય રૂપિયાએ હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે.


comments powered by Disqus