આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આશીર્વાદ કે અભિશાપ તે તો સમય બતાવશે

Wednesday 19th July 2023 05:59 EDT
 

21મી સદી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રહેશે. આજકાલ ચારેતરફ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચર્ચા ચાલી રહી છે તે શબ્દનો 1950માં જ્હોન મેકકાર્થીએ આવિષ્કાર કર્યો હતો. કોમ્પ્યુટર પ્રોગ્રામની જાતે શીખવા અને વિચારવાની ક્ષમતાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આવિષ્કારની સાથે તેની તરફેણ અને વિરુદ્ધમાં એટલે કે તેના લાભ અને ગેરલાભ મુદ્દે પણ વિશ્વ વિભાજિત થઇ ગયું છે. ગુજરાતીમાં એક કહેવત છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. માનવી અવારનવાર ભૂલ કરતો રહે છે અને ઘણીવાર તો ભૂલનું પુનરાવર્તન પણ કરે છે પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સામેલ કોમ્પ્યુટર પ્રોગ્રામમાં ભૂલની સંભાવના નહીંવત હોવાનો દાવો તેના સમર્થકો કરી રહ્યાં છે.  બીજી દલીલ એવી છે કે એઆઇ રોબોટ માનવી કરતાં અનેકગણા જોખમો લેવામાં સક્ષમ નીવડશે. જેના પગલે અમાપ અંતરિક્ષમાં કે મહાસાગરોના પેટાળ સુધી માનવીની પહોંચ સરળ બનશે. કોઇપણ પ્રકારની ભયાનક હોનારતોમાં એઆઇ રોબોટ નુકસાનને ઘટાડવામાં મદદરૂપ બની રહેશે. સામાન્ય રીતે માનવી મહત્તમ 8 કલાક કામ કરી શકે છે ત્યારબાદ તેને વિરામની આવશ્યકતા પડે છે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથાક પણે 24 કલાક તેની કામગીરી કર્યા કરશે. આ ડિજિટલ યુગ છે ત્યારે એઆઇ દ્વારા સતત ડિજિટલ આસિસ્ટન્સ મળતું રહેશે. એઆઇ દ્વારા માનવી કરતાં વધુ ઝડપથી સચોટ નિર્ણયો  લેનારી ટેકનોલોજી તૈયાર કરી શકાશે. જોકે એઆઇના વિરોધી પણ દલીલો કરી રહ્યાં છે. તેમની દલીલ છે કે એઆઇ દરરોજ અપડેટ થતું રહે છે તેથી તેને સતત અપડેટ કરવા મોટાપાયે મૂડીરોકાણની જરૂર પડશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોટાભાગના કામ ઓટોમેટિક કરી નાખશે તેથી માનવી આળસુ બની જશે. એઆઇના સંશોધનોની માનવીને આદત પડી જશે જે ભાવિ પેઢીઓ માટે સમસ્યાઓ સર્જશે. એઆઇના કારણે મોટાભાગના કામ રોબોટ કરવા લાગતાં વિશ્વમાં બેરોજગારીની મોટી સમસ્યા સર્જાશે. એક અંદાજ પ્રમાણે એઆઇના આગમનથી વિશ્વમાં 300 મિલિયન લોકો બેરોજગાર બની જશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લાભ અને ગેરલાભ છે. પરંતુ આપણે માનવી તરીકે એઆઇના હકારાત્મક પાસાઓનો ઉપયોગ કરવો જોઇએ. માનવીએ ફક્ત એટલું ધ્યાન રાખવું પડશે કે રોબોટ અને મશીનો તેના પર હાવી થઇ જાય નહીં કે આ નવી ટેકનોલોજી કોઇ માથાફરેલ ખલનાયકના હાથમાં જાય નહીં. જો આમ થશે તો વિશ્વનું ધનોતપનોત નીકળી જશે.


comments powered by Disqus