કદી સ્વાધીનતા આવે, વિનંતી, ભાઈ! છાની; અમોને યે સ્મરી લેજો જરી- પળ એક નાની

વિષ્ણુ પંડ્યા Wednesday 19th July 2023 06:49 EDT
 
 

શ્રાવણ અને ઓગસ્ટની જુગલબંધી જામી છે. આવું બીજે ભાગ્યે જ બને. શ્રાવણ એટ્લે ભક્તિ અને શક્તિનો મહિમા. ઓગસ્ટ એટ્લે શાનદાર ભવ્યતાનો સંકેત. આ મહિનો અને તેનો “શ્રાવણિયો સોમવાર” દરેક શિવાલયમાં ભોળાનાથની પૂજા અર્ચના થશે, મેળાઓ ભરશે. બીલીપત્રો અને શ્વેત કમળને ચરણે ધરવામાં આવશે. આ મહિને જ જન્માષ્ટમીની રાત. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી. યમુનાથી વૃંદાવન, ગોકુળથી દ્વારિકા...મહોત્સવ જ મહોત્સવ! વચ્ચે બહેન-ભાઈના સ્નેહને વ્યક્ત કરતી રક્ષા બંધનની ઘડી.
અને ઓગસ્ટ? દુનિયા આખીમાં તેની ઝાકમઝોળ છે. વીરત્વને યાદ કરવાના દિવસો. ભારતમાં પણ કેવા-કેટલા રોમાંચક દેશભક્તિના દિવસો! પંદરમી ઓગસ્ટ ...ગોલીસે બિન્ધા લાલ મેરા, કિસને પુકારા, હંસતે હુએ મુખ આજ કોઈ વીર સિધારા, સરદાર ભગતસિંહ સદા યાદ આયેગા, જલીયાનવાલા બાગ નહિ ભૂલા જાયેગા, ઇન સબકો કરો યાદ કર્તવ્ય હમારા, ઇસ વાસ્તે પ્ંદરા અગસ્ત હૈ હમે પ્યારા...
અ વર્ષ અમૃત મહોત્સવનું છે. અને આ મહિનો ઓગસ્ટનો. કેટકેટલી સ્મૃતિનું આકાશ છ્લકાય છે? સ્વરાજના સ્વપ્નદ્રષ્ટા લોકમાન્યની શ્રદ્ધાન્જલિ આ મહિને. આઠમી ઓગસ્ટ ભારત છોડોનો ગાંધી-ટંકાર , હાથમાં ગીતા અને હોઠ પર વંદેમાતરમ સાથે ફાંસી પર ચડેલો 15 વર્ષનો ખુદીરામ બોઝ પણ આ મહિનાની તિથિઓ. અરે, મારા લંડનવાસીઓ, ત્યાં પેંટોનવિલા જેલની પાસેથી પસર થશો તો 18 ઓગસ્ટ, 1907 ના આ જેલમાં ફાંસીએ ચડેલો મદનલાલ ધિંગરાનો “સ્વાતંત્ર્યલક્ષ્મીનો જય હો!” નારો સંભળાશે, અને અહી જ સરદાર ઉધમસિંહને ફાંસી મળી હતી તે પણ યાદ આવશે.
...અને ગુજરાતની સ્વાતંત્ર્ય સાધના? સત્યાગ્રહો, અસહકાર, જેલ, દાંડીકૂચ, બારડોલી અને બોરસદનો જંગ, અડાસની અણનમ આહુતિ,.. આઝાદીની આ કથામાં ઉમેરો કર્યો 1857થી 1947 સુધીનો અણથક સશસ્ત્ર સ્વાતંત્ર્યજંગ, માનગઢ અને પાલચતરિયા ના બે જલિયાનવાલા જેવા હત્યાકાંડ અને આઝાદી પછી જુનાગઢ મુક્તિ માટેની આરઝી હકૂમત અને દીવ-દમણ-દાદરા નગર હવેલી મુક્તિ સંગ્રામ. બોલો, ક્યાંય પાછળ રહયા છીએ આપણે ગુજરાતીઓ?
આ ક્રાંતિતીર્થોની સંખ્યા 101 જેટલી છે, તેનાથી વધુ પણ હશે. ઇતિહાસનો કોઈ શોધાર્થી આ ધરતીને ખૂંદે તો હજુ આઝાદી જંગના અનેક નવા પ્રકરણો ખૂલે તેમ છે. ગુજરાત ઇતિહાસ સંશોધન કેન્દ્ર આ કામ કરવા માગે છે પણ આર્થિક સુવિધા વિના કામ થાય કઈ રીતે? યુ.કે ના ગુજરાતી સંપન્નો વિચારી શકે.
આઝાદી જંગની અદ્ભુત ઘટના:
જેણે વિશ્વમાં વિક્રમ સર્જ્યો...
સૌરાષ્ટ્રનું નાનકડાં નગરની અદાલતનું આંગણું એક વિશ્વ વિક્રમની ભવ્ય યાદ સંગ્રહીને બેઠું છે. એક નહીં, પાંચ વિક્રમ સર્જ્યા હતા તેણે.
નગર ધંધુકા. અમદાવાદથી ભાવનગર કે અમરેલી જતાં આવે. અહીની અદાલતમા એક કેસ આવ્યો. આરોપી ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. રાણપુરથી પ્રકાશિત “સૌરાષ્ટ્ર” અખબારના તંત્રી. તેમના ગીતોનો સંગ્રહ “સિંધુડો” સરકારે જપ્ત કર્યો હતો. આરોપ બરવાળા ગામની સભામાં તેમણે “બ્રિટિશ રાજ્ય વિરુદ્ધ ઉશ્કેરણી કરતું ભાષણ” કર્યું હતું!
28-29 એપ્રિલ. 1930 અદાલત ચાલી. અદાલત કેએચએનડી ભરચક હતો. લોકો પોતાના લાડકા કવિ-પત્રકારને નિહાળવા આવી હતી. આરોપનામું મુકાયું, ન્યાયાધીશ શ્રી ઇસાણીએ પુછ્યુછયું : આ આરોપ તમને મંજૂર છે? મેઘાણીએ કહ્યું:sઆછું પુછો તો જે દિવસે અને જે જગ્યાએ મે ભાષણ કર્યું એવો આરોપ છે ત્યારે હું તો બોટાદના મારા ઘરે ઘસઘસાટ ઊંઘતો હતો છ્તાં તમે અને તમારી પોલીસ જેટલા કાળને માટે મને જંજીરોની ભેટ આપશો તેટલો કાળ જંજીરોની સાથે ગેલ કરવામાં ખૂબ આનંદપૂર્વક વિતાવીશ.
અદાલતે બે વર્ષની સજા ફટકારી.લોકો નિસ્તબ્ધ હતા. તેમણે ન્યાયમૂર્તિને કહ્યું ,આ અમારો લાડકો કવિ છે. તેણે ગીત ગાવાની રાજા આપો. ન્યાયાધીશે મંજૂરી આપી. મેઘાણીએ પિંજરમાં ઉભાઉભા ગીત ગાયું.એ ગીત આજે પણ એવું જ ઐતિહાસિક બની ગયું છે:
છેલ્લી પ્રાર્થના
 હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ,
મરેલાંના રુધિર ને જીવતાંના આંસુડાઑ,
સમર્પણ એ સહુ, તારે કદમ પ્યારા પ્રભુ ઓ!
અમારા યગ્નનો છેલ્લો બલિ: આમીન કહેજે!
ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફેર દેજે!
વધારે મૂળ લેવાં હોય તો યે માગી લેજે!
અમારા આખરી સંગ્રામમાં તું સાથેજ રેજે!
નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે ,
ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.
જીવે માં માવડી એ કાજ મારવાની ઘડી છે,
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે.
જુઓ આ તાત! ખુલ્લાં મૂકિયા અંતર અમારા,
જુઓ, હર ઝખ્મથી ઝરતી હજારો રક્ત ધારા,
સમર્પણહો, સમર્પણ હો, તને એ સર્વ પ્યારા.
ભલે હો રાત કાળી, આપ દીવો લઈ ઊભા જો,
ભલે રણમાં પથારી આપ છેલ્લા નીર પાજો,
લડન્તાને મહા રણખંજરીના ઘોષ ગાજો,
મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો !
તૂટે છે આભઊંચા આપણાં આશમિનારા,
હજારો ભય તણી ભૂતાવળો કરતી હૂંકારા,
સમર્પણની છ્તાં વહેશે સદા અણખૂટ ધારા,
મળે નવ માવડીને જ્યાં સુધી મુક્તિકિનારા !
આ ગીત ગવાયુ ને લોક ધ્રુસકે ચડ્યું. ખુદ ન્યાયાધીશની આંખમાં આંસુ! વિશ્વની અદાલતમા ક્યાંય પિંજરે ઉભેલા કવિએ સજા સાંભળ્યા પછી ગીત ગાવાની માગણી કરી હોય, ન્યાધીશે હા પાડી હોય, પિંજરમાં ઉભેલા કવિએ ગયું હોય અને લોકો રડ્યા હોય, ન્યાયાધીશ પણ રડ્યા હોય, દુનિયાની કોઈ અદાલતમા આવી પાંચ ઘટનાઓ એકસાથે સરજાઈ હશે? ના. આ આપણાં ગુજરાતમાં બની છે. સરકાર અને પ્રવાસન ખાતું ધારે તો અહી “કવિ અને સ્વાતંત્ર્ય જંગનું “ ભવ્ય સ્મારક સ્થાપિત કરી શકે.
પણ આવું ધારવું એ ય કેવો મોટો ઇતિહાસબોધ છે?


comments powered by Disqus