પાકિસ્તાન-ચીન પર નજર રાખવા ભારત 97 ડ્રોન ખરીદશે

Wednesday 19th July 2023 07:50 EDT
 
 

ભારતીય સુરક્ષાદળોએ ચીન અને પાકિસ્તાન સરહદે ચાંપતી નજ૨ રાખવા 97 ‘મેડ ઇન ઇન્ડિયા’ ડ્રોન ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ માટે કેન્દ્ર સરકાર રૂ. 10 હજાર કરોડનો ખર્ચ કરશે. સુરક્ષા દળોને સતત 30 કલાક ઉડાન ભરી શકે એવા ડ્રોન મળશે.

• જલગાંવઃ મસ્જિદમાં પ્રવેશ પર કલેક્ટરે પ્રતિબંધ મૂક્યોઃ મહારાષ્ટ્રના જલગાંવની એક મસ્જિદમાં પ્રવેશ પર કલેક્ટરે પ્રતિબંધ મૂક્યો છે. મસ્જિદ ટ્રસ્ટે હાઇકોર્ટ સમક્ષ આદેશને રદ કરવા માગ કરી હતી. મસ્જિદ અંગે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો વચ્ચે માલિકી અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

• સપા ધારાસભ્ય દારાસિંહે રાજીનામું ધર્યુંઃ વિધાનસભાની ચૂંટણી બાદ અખિલેશ યાદવને સતત ઝટકા મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલાં અખિલેશને વધુ બે ઝટકા મળ્યા છે. પહેલા હેટસ્પીચ મામલે આઝમખાનને કોર્ટે બે વર્ષની સજા કરી છે, તો બીજા ઝટકારૂપે સપાના ધારાસભ્ય દારાસિંહે રાજીનામું આપી દીધું છે.

• દિલ્હીમાં રાજઘાટ, સુપ્રીમ કોર્ટ સુધી પાણી પહોંચ્યાંઃ યમુના નદીનાં વિક્રમી જળસ્તર બાદ દિલ્હીવાસીઓની મુશ્કેલી ભારે વધી ગઈ હતી. શુકવારે રાજઘાટ વિસ્તાર જાણે સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયો હતો. નદીનું જળસ્તર અને વરસાદના પગલે સુપ્રીમ કોર્ટના દરવાજા સુધી પણ પાણી પહોંચી ગયું હતું.

• આખરે એનસીપીના અજિત પવારને નાણાં ખાતું ફાળવાયુંઃ મહારાષ્ટ્રની શિંદે સરકારમાં સામેલ થયેલા ડેપ્યુટી સીએમ અજિત પવારને નાણા મંત્રાલય અને યોજના મંત્રાલય સોંપાયું છે. છગન ભુજબળને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ સોંપવામાં આવ્યો છે. ધનંજય મુંડેને કૃષિ, દિલીપ વલસે પાટીલને સહકાર વિભાગ, જ્યારે અનિલ પાટીલને પુનઃવસન તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સોંપવામાં આવ્યા છે.

• કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મૃત્યુઃ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં 4 મહિનામાં આફ્રિકાથી લાવવામાં આવેલા આઠમા ચિત્તાનું શુક્રવારે મૃત્યુ થયું હતું. નર ચિત્તા સૂરજનો મૃતદેહ શુક્રવારે સવારે મળી આવ્યો હતો. આફ્રિકાથી ચિત્તા લાવીને તેને દેશમાં વસાવવા માટે તેમનું સંવર્ધન કરવાના પ્રોજેક્ટને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ 4 મહિનામાં આઠમા ચિત્તાનું મોત થયું હતું.

• નવાબ મલિકને જામીન આપવા બોમ્બે હાઇકોર્ટનો ઇનકારઃ નવી દિલ્હીઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અને મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ મંત્રી નવાબ મલિકને બોમ્બે હાઇકોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. બોમ્બે હાઇકોર્ટે નવાબ મલિકને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગના મામલામાં મેડિકલના આધાર પર જામીન આપવાનો ઇનકાર કર્યો છે.

• ઇયુ સંસદમાં મણિપુરની ચર્ચા, ભારતે વાંધો લીધોઃ યુરોપિયન યુનિયન સંસદે આ વખતે મણિપુર હિંસાનો મુદ્દો ઉઠાવવાની તૈયારી કરી છે. આ અંગે ભારતે સખત વાંધો ઉઠાવતાં કહ્યું છે કે, ‘આ ભારતનો આંતરિક મુદ્દો છે.’ આ પહેલાં યુરોપિયન યુનિયનના બ્રસેલ્સ હેડ ક્વાર્ટરમાં આયોજિત એક બેઠકમાં મણિપુ૨ હિંસા મુદ્દે ચર્ચા કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.

• ઇન્ડિયન મુજાહિદ્દીનના 4 આતંકવાદીને 10 વર્ષની કેદઃ વર્ષ 2012માં આતંકવાદી હુમલો કરીને સરકાર વિરુદ્ધ યુદ્ધ લડવાના કેસમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના 4 આતંકવાદીને 10 વર્ષની જેલની સજા ફટકારાઈ છે. અદાલતે આઇપીસી અને યુએપીએ હેઠળ આતંકવાદીઓને સજાનો હુકમ કર્યો છે.

• ચીનનું મેકોન્ગ નદી પર ડેમ બનાવી છ દેશોમાં વિનાશ વેરવાનું કાવતરું: ચીન તેના પડોશી દેશો પર સતત દબાણ જાળવી રાખવાની નીતિ અપનાવી રહ્યું છે. થાઇલેન્ડે આક્ષેપ કર્યો છે કે ચીન મેકોન્ગ નદી પર અનેક હાઇડ્રોપાવર પ્રોજેક્ટ શરૂ કરીને નદીનો પ્રવાહ અનિયમિત કરી રહ્યું છે, જેથી થાઇલેન્ડ, વિયેતનામ, લાઓસ જેવા પડોશી દેશોના લોકોનું જીવન જોખમમાં મુકાઈ ગયું છે.

• દક્ષિણ કોરિયામાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલનમાં 37 મોતઃ દક્ષિણ કોરિયામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી 37 લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય કેટલાક લાપતા થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર પૂરને કારણે હજારો લોકોને પોતાનાં ઘરો ખાલી કરવા પડ્યાં છે. હાલમાં સરકારી એજન્સીઓ પૂરથી થયેલા નુકસાનની સમીક્ષા કરી રહી છે.

• ઇટાલીથી ફ્રેન્કફર્ટ સુધી હજારો ભારતીય પ્રવાસી ફસાયાઃ ઉનાળાની રજાઓમાં યૂરોપ ફરવા ગયેલા દેશના હજારો લોકો ઇટાલીના વિવિધ એરપોર્ટ પર ફસાયા છે. ઇટાલીમાં એરપોર્ટ કર્મચારીઓ અને પાઇલટ્સ હડતાળ પર ઊતરી જતાં ભારત સહિત અન્ય દેશોની ફ્લાઇટ્સ રદ થઈ છે.


comments powered by Disqus