ઇ.સ. પૂર્વે લગભગ 1000 વર્ષ પહેલાં યહૂદી અને પેલેસ્ટિનિયન વચ્ચેની એક લડાઇમાં ગોલિયાથ નામના કદાવર પેલેસ્ટિનિયન યોદ્ધા સામે યહૂદીઓ પરાજિત થઇ રહ્યાં હતાં. ગોલિયાથ યહૂદીઓને પડકારી રહ્યો હતો કે તમારામાં મારા જેવો કોઇ શૂરવીર હોય તો આવીને મારી સાથે દ્વંદ્ધ યુદ્ધ કરે. યહૂદીઓના રાજા શાઉલમાં પણ ગોલિયાથનો સામનો કરવાની હિંમત નહોતી ત્યારે 16 વર્ષના ડેવિડ નામના એક ગોવાળિયાએ આ પડકાર ઝીલી લીધો. ગોલિયાથ જેવા મહાકાય યોદ્ધાને તેની સામે મગતરા જેવા લાગતા ડેવિડે ફક્ત ગોફણના એક પથ્થર વડે પરાજિત કરી દીધો હતો. આ વાત રવિવારે વિમ્બલ્ડનના સેન્ટર કોર્ટ પર યોજાયેલી મેન્સ ટેનિસ ફાઇનલ મેચમાં 20 વર્ષીય સ્પેનિયાર્ડ કાર્લોસ આલ્કરાઝના 23 વાર ગ્રાન્ડ સ્લેમ ચેમ્પ્યિન રહી ચૂકેલા નોવાક જોકોવિકના પરાજયને જોઇ યાદ આવી ગઇ. આલ્કરાઝ સામેના પરાજય બાદ જોકોવિકે નિખાલસ કબૂલાત કરતાં જણાવ્યું હતું કે, આલ્કરાઝ જેવા સર્વગુણ સંપન્ન અને સંપુર્ણ ખેલાડીનો મેં મારી કારકિર્દીમાં આજ સુધી સામનો કર્યો નથી. 4 કલાક અને 42 મિનિટ લાંબા ટેનિસ જંગમાં આલ્કરાઝે પ્રારંભિક પીછેહઠ છતાં સાહસ ગુમાવ્યું નહીં અને ટેનિસના ગોલિયાથને નાથવામાં સફળતા હાંસલ કરી હતી. ટેનિસ જગતમાં જોકોવિક જેવા ધૂરંધર ખેલાડીને ફાઇનલ મેચમાં પરાસ્ત કરવા માટે માનસિક સ્થિરતા, દરેક પળે બદલાતી સ્થિતિમાં ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા, પોતાની રમતમાં કોઇપણ પ્રકારની ભૂલ ન કરવાની તકેદારી અને સૌથી મહત્વની વાત તો 4થી 5 કલાક સુધી મેદાન-એ-ટેનિસમાં ટકી રહેવા જરૂરી શારીરિક સૌષ્ઠવની આવશ્યકતા હોય છે અને આ તમામ મોરચે આલ્કરાઝ જોકોવિક કરતાં સબળો પૂરવાર થયો. ઘણા વર્ષો પહેલાં બોલિવૂડની એક હિન્દી ફિલ્મ જો જીતા વોહી સિકંદર આવી હતી. રમતનું મેદાન હોય કે યુદ્ધનું મેદાન, કાર્યક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર દરેક સ્થળમાં આજના આધુનિક યુગમાં ગળાકાપ સ્પર્ધા જોવા મળે છે. આ સ્પર્ધામાં વિજેતા થવા માટે મહિનાઓ અને વર્ષો સુધીની પ્રેકટિસ અથવા તો મહાવરો, તેની સાથે માનસિક અને શારીરિક ક્ષમતાનો વિકાસ અત્યંત આવશ્યક બની રહે છે. તેમાં પણ સ્પર્ધાના નિર્ણાયક તબક્કાઓમાં પોતાની ક્ષમતાથી વધુ એફર્ટ્સ (પ્રયાસ) નાનકડા ડેવિડને ભલભલા ગોલિયાથ સામે વિજેતા બનાવી શકે છે તે આલ્કરાઝની રમતે પૂરવાર કરી દીધું છે.
