“ત્રિવેણી સંગમ”નો શુભ દિન રંગેચંગે ઉજવાયો રે.. લાલ-લીલો-ભૂરો-ગુલાબી રંગ છાયો રે...

-જ્યોત્સ્ના શાહ Tuesday 18th July 2023 06:41 EDT
 
 

નવનાત ભગિની સમાજે શનિવાર તા. ૧૫ જુલાઇ ૨૦૨૩ના રોજ નોર્થ - સાઉથ -ઇસ્ટ લંડન અને લેસ્ટરની બહેનોનો સામૂહિક ‘ત્રવેણી સંગમ’ના યજમાન બની ભવ્ય આયોજન કર્યું હતું. નવનાત હોલના સ્ટેજથી માંડી સમગ્ર હોલનું ડેકોરેશન આંખે ઉડીને વળગે તેવું હતું. સવારથી દૂર-દૂરથી કોચ ભરી-ભરીને બહેનોના સ્વાગતમાં ભગિનીના પ્રેસિડેન્ટ શ્રીમતી સરોજબહેન વારીયા અને કમિટી સભ્યો તેમજ વોલંટીયર્સ દોડા-દોડી કરી રહ્યાં હતાં. સૌ પ્રથમ સૌને ગરમાગરમ નાસ્તો, ચા-કોફી અને પંચફ્રૂટથી સ્વાગત કરાયું હતું. બપોરના લંચ અને સાંજના સ્વાદિષ્ટ ભોજન પીરસી મહેમાનગતિમાં ક્યાંય કચાશ રાખી ન હતી.
દરેક એરીયાનો કલર નર્ધારિત કરવામાં આવ્યો હતો. નવનાત ભગિનીનો લીલો, સાઉથ લંડનનો ભૂરો, ઇસ્ટ લંડનનો લાલ અને લેસ્ટરનો ગુલાબી... આ રંગોમાં સજ્જ થઇ આવેલ બહેનોથી હોલ કલરફુલ થઇ ગયો હતો. સૌના ચહેરા ઉત્સાહથી ખીલી ઉઠ્યાં હતા. કોવીદને કારણે લાગેલ લગામ બાદ પાંચ વર્ષે આ ‘ત્રવેણી સંગમનું આયોજન કરાયેલ જે સામાન્ય રીતે બે વર્ષે એકવાર થતું હોય છે. છેલ્લે લેસ્ટરના આંગણે ૨૦૧૮માં આવો ત્રિવેણી સંગમ યોજાયો હતો.
નવનાત ભગિનીના ઉત્સાહી આસીસ્ટન્ટ ટ્રેઝરર આશાબહેન મહેતા જેઓનું ‘ત્રવેણી સંગમ’ યોજવાનું સપનું હતું, એમના અણધાર્યા અવસાનથી એમની ખોટ ખૂબ સાલતી હોવાનું જાહેર કરી એમને અંજલિ આપ્યા બાદ કાર્યક્રમનો શુભારંભ થયો હતો.
૫૦૦ જેટલી બહેનોની હાજરીએ વાતાવરણને પ્રફુલ્લિત બનાવ્યું હતું. આમંત્રિત મહેમાનો, આયોજક કમિટીની બહેનો અને દાતા બહેનોના હસ્તે પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના બાદ સેક્રેટરી ભારતીબહેન રમેશચંદ્ર શાહે નવનાત ભગિની સમાજની પ્રવૃત્તિઓ અને ઇતિહાસ રજુ કર્યો હતો.
પ્રમુખ શ્રીમતી સરોજબહેન વારીયાએ સ્વાગત પ્રવચનમાં એમની કમિટી બહેનોની ઓળખ આપી સૌના સાથ-સહકારની સરાહના કરી. સૌને સાથે લઇને ચાલવાની એમની કળા દાદ માગી લે તેવી છે.
કાર્યક્રમના કોમ્પેરર તરીકે સ્મિતાબહેન અદાણી અને આશિની શાહે સરસ સંચાલન કર્યું. સાંસ્કૃતિક કાર્યક્રમની રજુઆત ‘વેલકમ ડાન્સ’થી થઇ. ઢોલીડાંના ઢોલ વાગ્યા ને સૌના હૈયાં નાચી ઉઠ્યાં. ‘વસુધૈવ કુટુમ્બકમ્ ‘ના થીમ પર યોજાયેલ વૈવિધ્યસભર મનોરંજનમાં બધી જ મહિલા સંસ્થાઓ તરફથી સુંદર આઇટમોનું નિદર્શન થયું હતું. હકુના મટાટા - આફ્રિકન ડાન્સ, ‘યુરોપ કે રંગ, બોલીવુડ કે સંગ’, ભારત નાટ્યમ, સહિત અમેરિકન લવ સ્ટોરી’ નાટક ..અને ગરબા વિના તો ગુજરાતીના કાર્યક્રમ અધૂરો જ લાગે ને.
 આ સાથે જ “વીમેન એમ્પાવરમેન્ટ’ને પ્રતિબિંબિત કરતું યુરોલોજીકલ સર્જન ડો.જ્યોતિબહેન શાહની આપવીતી અને મહારાણીના પ્રતિષ્ઠિત એવોર્ડ MBE સુધીની જીવન યાત્રાની રજુઆત સૌના દિલને સ્પર્શી ગઇ. એમણે જણાવ્યું કે, આપણા સમાજમાં અંગત શારીરિક તકલીફોને છુપાવવાની આદત અને શરમ બહેનોમાં અને ભાઇઓમાં પણ અમુક અંશે હોવાથી તેઓને વધુ સહન કરવું પડે છે.
દર ત્રણમાંથી એક બહેનને પેશાબ લીકેજનો પ્રોબ્લેમ હોવા છતાં ૫૦૦માંથી આવી તકલીફ હોવાનો સ્વીકાર માત્ર ત્રણ બહેનો હાથ ઊંચો કરી કરે છે જે એનો પુરાવો છે. પેશાબના અસંયમ વિષેની માહિતી પ્રોજેક્ટર દ્વારા રજુ કરી સમજ આપી. પુરૂષોના પ્રોસ્ટેટ કેન્સરમાં એમણે નોંધપાત્ર કામ કરવા ઉપરાંત બુક પણ લખી છે. ‘Fighting Prostate Cancer ‘ A SURVIVAL GUIDE -Dr Jyoti Shah . આ પુસ્તકમાં એના ચિહ્નોથી માંડી વિવિધ સ્ટેજ, સર્જરી, અનેક થેરાપીઓ, પેલેટીવ કેર, ડાયટ, સારવાર તેમજ જે સંસ્થાઓ એમાં ઉપયોગી છે તેઓને નામાવલિ સહિતની નાનામાં નાની માહિતી આપી છે. એમના પ્રેરક જીવન અને હાડમારી-સિધ્ધિ આલેખતી વાતો મારી કોલમમાં ભવિષ્યમાં કરીશું.
મહેમાન કાઉન્સિલર અંજનાબહેન પટેલ અને ગુજરાત સમાચારના કન્સલ્ટીંગ એડીટરે સભાને સંબોધી મહિલા સશક્તિકરણ માટે પ્રોત્સાહિત કરતું વક્તવ્ય આપ્યું.
આ પ્રસંગે ઇસ્ટ લંડનના યુવા પ્રમુખ સ્મિતાબહેન મહેતા, સાઉથ લંડનના પ્રમુખ દક્ષાબહેન વિરાણી અને લેસ્ટરના પ્રમુખ આશાબહેન કોઠારીએ યજમાન સંસ્થાનો આભાર માનતા પોત-પોતાની સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી રજુ કરી. વણિક કાઉન્સિલ યુ.કે. તરફથી અવયવ દાન માટે પૂર્ણિમાબહેન મહેતાએ સૌને પ્રેરિત કર્યાં. સ્વ.તારાબહેન ભોગીલાલ મહેતા અને સ્વ.કિશોરીબહેન ગદાનીની સ્મૃતિમાં બી.સી. મહેતા પરિવાર તરફથી શ્રી દિલેશ મહેતા અને શ્રીમતી ચેતના ડી. મહેતા તરફથી ૫૦૦ પરફ્યુમ અને બેગની ભેટ સૌને આપવામાં આવી. સ્વ.રસિકાબહેન મહેતા અને સ્વ.એચ.જે.મહેતા તરફથી રેણુબહેન ભરતભાઇ મહેતા તરફથી ૧૦૦૧ પાઉન્ડ, નીતીદાબહેન જતીનભાઇ ગાંધી તરફથી ૫૦૦ પાઉન્ડ સહિતની ખુશી ભેટ માટે, ડેકોરેશન માટે હસ્મિતાબહેન દોશી-નીતાબહેન શેઠ અને ભારતીબહેન ફોફરીયાનો, ફોટોગ્રાફી અને વીડીઓ માટે મયુરભાઇ દોશી, સાઉન્ડ અને લાઇટીંગ માટે કિશોરભાઇ બાટવીઆ/પિયુષભાઇ મહેતા, હેલ્થ અને સેફ્ટી માટે ડેવિડ હોલ્ડનનો, પ્રન્ટીંગ માટે કેવીન મીઠાણીનો
તેમજ સર્વે સેવાભાવી કાર્યક્રમોનો આસીસ્ટન્ટ સેક્રેટરી જયશ્રીબહેન વોરાએ આભાર માન્યો. આ એક યાદગાર કાર્યક્રમ
બની ગયો.


comments powered by Disqus