2023 ભારત માટે અનેક સિદ્ધીઓનું વર્ષ રહ્યું

Wednesday 20th December 2023 05:07 EST
 

સમય સતત સરી રહ્યો છે. 2023નું વર્ષ વિદાય લેવાની તૈયારીમાં છે અને 2024નો ઉદય ક્ષિતિજ પર દેખાઇ રહ્યો છે. અત્યારે સમગ્ર વિશ્વ ક્રિસમસની ઉજવણી સાથે નવા વર્ષને આવકારવા પણ થનગની રહ્યું છે. કોરોના મહામારીના 3 આકરા વર્ષ પછી 2023માં વૈશ્વિક આરોગ્યની સુખાકારી પરત આવી તેની સાથે વિશ્વએ ભૂતકાળને પડતો મૂકીને પ્રગતિના પંથે આગળ વધવાનું શરૂ કરી દીધું હતું. જનજીવનની સાથે આર્થિક, રાજકીય, કૂટનીતિક ગતિવિધિઓએ વેગ પકડ્યો. ભારત પણ તેમાં પાછળ રહ્યો નથી. 2023નું વર્ષ ભારત માટે એકંદરે ઘણી સિદ્ધીઓનું વર્ષ રહ્યું. આજે 76 વર્ષ પછી પણ ભારતમાં ધબકતી લોકશાહી સતત મજબૂત બની રહી છે. હવે તો ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહીની સાથે સાથે સૌથી વધુ વસતી ધરાવતો દેશ પણ બની ગયો છે. એપ્રિલ 2023માં ભારત ચીનને પછડાટ આપીને 142.86 કરોડ સાથે સૌથી વધુ વસતી ધરાવતો દેશ બન્યો. તે સમયે ચીનની વસતી 142.57 કરોડ આંકવામાં આવી હતી. ભારતનું આ માનવબળ તેને વિકાસના પંથે આગળ ધપાવવામાં એન્જિન તરીકે કામ કરી રહ્યું છે. વિશ્વની મહાકાય લોકશાહીને મે 2023માં નવું લોકશાહીનું મંદિર પણ પ્રાપ્ત થયું. 28 મે 2023ના રોજ ભારતની લોકશાહી સંસ્થાનવાદી પ્રતીક સમાન જૂના સંસદ ભવનમાંથી રૂપિયા 971 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા સંસદ ભવનમાં બિરાજમાન થઇ હતી. નવા સંસદ ભવનમાં 888 સાંસદોને સમાવવાની ક્ષમતા છે. ભારતની મજબૂત લોકશાહીનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે. અમેરિકા, યુકે, રશિયા, ફ્રાન્સ, જર્મની સહિતની મહાસત્તાઓ પણ ભારતની શક્તિ અને ક્ષમતાની આણ સ્વીકારીને મૈત્રી માટે તલપાપડ બની રહી છે. વૈશ્વિક કૂટનીતિમાં ભારતનું સ્થાન મજબૂત બન્યું છે. 2023માં ભારતને જી-20 દેશોનું અધ્યક્ષપદ મળ્યું અને સપ્ટેમ્બર 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જી-20 શિખર સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું. એક સફળ અધ્યક્ષ તરીકે ભારતે આફ્રિકન યુનિયનનો જી-20માં સમાવેશ કરાવ્યો, ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સની રચના કરાવી અને સૌથી મોટી સિદ્ધી કરીકે ભારત-મિડલઇસ્ટ-યુરોપના ઇકોનોમિક કોરિડોર માટે કરાર કરાવવામાં સફળતા હાંસલ કરી. ભારતની આ સિદ્ધી પરંપરાગત દુશ્મન એવા ચીનના ઇકોનોમિક કોરિડોર માટે મોટા ફટકા સમાન પૂરવાર થઇ રહી છે. જી-20ના અધ્યક્ષ તરીકે સફળતા હાંસલ કરતાં પહેલાં ભારતે ઓગસ્ટ 2023માં અંતરિક્ષ ક્ષેત્રે એટલી મોટી સિદ્ધી હાંસલ કરી કે વિશ્વભરની અંતરિક્ષ સંશોધન સંસ્થાઓ આશ્ચર્યચકિત રહી ગઇ હતી. 23 ઓગસ્ટ 2023ના રોજ ઇસરોના ચંદ્રયાન-3એ ચંદ્રની ધરતી પર સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું. આ સાથે જ ભારત ચંદ્ર પર યાન મોકલવામાં સફળ એવા ચાર દેશોની એલિટ ક્લબમાં સામેલ થઇ ગયો હતો. ભારતની આ સિદ્ધી એટલા માટે મહાન ગણી શકાય કારણ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાથી યાન મોકલનારો પ્રથમ દેશ બન્યો હતો. 2023માં ભારત દ્વારા વન ડે ક્રિકેટ વર્લ્ડ કપનું સફળ આયોજન કરાયું. આ ટુર્નામેન્ટની તમામ 11 લીગ મેચમાં ટીમ ઇન્ડિયાએ વિજય પ્રાપ્ત કરીને અદ્દભૂત પ્રદર્શન કર્યું પરંતુ અમદાવાદ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ મેચમાં પરાજયનો વસવસો રહી ગયો. ફાઇનલમાં પરાજય છતાં ટીમ ઇન્ડિયાની સિદ્ધીઓ સુવર્ણ અક્ષરે લખાઇ જેમાં વિરાટ કોહલી દ્વારા સૌથી વધુ વન-ડે સદી ફટકારવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડાયો હતો.
જી-20 અને ચંદ્રમિશનની સફળતાની સાથે 2023માં ભારતીય અર્થતંત્રે પણ નવી સ્થિરતા અને વિકાસ માટેના આશાવાદને જીવંત રાખ્યો હતો. ભારત વિશ્વમાં મૂડીરોકાણ માટે સુરક્ષિત અને આકર્ષક વળતર આપનારો દેશ બની રહ્યો. ભારતે સિદ્ધ કરી દીધું કે તેની પાસે વૈશ્વિક કંપનીઓને ટેલેન્ટેડ માનવબળ આપવાની સાથે સાથે ટેકનોલોજીના સંશોધનોની પણ ક્ષમતા છે. એક સમયે ચીનમાં બનતા એપલના મોબાઇલ ફોન ભારતમાં બનવા લાગ્યાં છે. હાલ ભારતનું અર્થતંત્ર 3.75 ટ્રિલિયન અમેરિકન ડોલરને આંબી ગયું છે તે નાની સૂની સિદ્ધી નથી. 2027ના અંત સુધીમાં પાંચ ટ્રિલિયન અને 2047 સુધીમાં વિશ્વની સૌથી મોટી આર્થિક સત્તા બનવાની દિશામાં ભારત આગળ વધી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહ્યો છે. 2023માં ભારતની વિકાસયાત્રાએ વિદેશી રોકાણકારોમાં આત્મવિશ્વાસ વધાર્યો છે. સરકારના આંકડા પ્રમાણે ભારતની માથાદીઠ આવક 2022-23માં વધીને 1,183 ડોલર પર પહોંચી છે. ભારતનો જીડીપી વૃદ્ધિદર જુલાઇ સપ્ટેમ્બર 2023ના ક્વાર્ટરમાં 7.6 ટકા રહ્યો અને 2023નો જીડીપી વૃદ્ધિદર 7 ટકાની ઉપર રહેવાનો વૈશ્વિક નાણા સંસ્થાઓનો અંદાજ છે. આર્થિક ક્ષેત્રે ભારતની આ સિદ્ધીની સમગ્ર વિશ્વ નોંધ લઇ રહ્યું છે. આઇએમએફના જણાવ્યા અનુસાર 2023 અને 2024માં ભારતનો જીડીપી ગ્રોથરેટ 6 ટકાની ઉપર રહેશે જેની સામે વૈશ્વિક જીડીપી ગ્રોથ રેટ 3 ટકાની આસપાસ રહેશે. 2023માં ભારતીય શેરબજારોએ પણ વૈશ્વિક રોકાણકારોમાં ઘણું આકર્ષણ જમાવ્યું છે. ભારતીય શેર બજાર 3.989 ટ્રિલિયન અમેરિકન ડોલરના માર્કેટ કેપ સાથે હવે વિશ્વનું સાતમા ક્રમનું શેરબજાર બની રહ્યું છે.
રમતગમતના ક્ષેત્રે ભારતે 2023માં ઘણી સિદ્ધીઓ હાંસલ કરી. ક્રિકેટમાં બે મોટી ટુર્નામેન્ટની ફાઇનલમાં પરાજય છતાં ટીમ ઇન્ડિયા દરેક ફોર્મટમાં નંબર વન પર રહી. ઇન્ડોનેશિયન ઓપનમાં સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ મેન્સ ડબલ્સ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો, ભારતીય મેન્સ ફટબોલ ટીમે એસએએફએફ ચેમ્પિયન ટાઇટલ પ્રાપ્ત કર્યું. તો ભારતીય મેન્સ હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી. ગ્રાન્ડ માસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનનંધાએ ચેસમાં ફાઇડ વર્લ્ડ કપમાં ફાઇનલમાં સ્થાન મેળવ્યું. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાએ ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો. એશિયન ગેમ્સમાં પહેલીવાર ભારતીય ખેલાડીઓએ મેડલ્સની સદી વટાવી 107 મેડલ જીત્યાં. આમ ભારત સ્પોર્ટ્સમાં પણ આગળ વધી રહ્યો છે.
આમ 2023માં આર્થિક મોરચે, સ્પોર્ટ્સ, વૈશ્વિક કૂટનીતિ, અંતરિક્ષ, સંરક્ષણ સહિતના મોટાભાગના સેક્ટરોમાં ભારતીયોનો દબદબો રહ્યો. ઘર આંગણે જ નહીં પરંતુ વિદેશોમાં વસતા ભારતીય ડાયસ્પોરાએ પણ અનેક સિદ્ધીઓ હાંસલ કરીને ભારતના તિરંગાનું શિર ઊંચુ કર્યું છે. અમેરિકા, યુકે, કેનેડા, યુરોપ, આફ્રિકા અને એશિયામાં ભારતીય ડાયસ્પોરા વિવિધ સેક્ટરમાં દેશને સન્માન અપાવવામાં સફળ રહ્યો છે.


comments powered by Disqus