ક્રિસમસની વધામણી એટલે પરમેશ્વર પિતાનો માનવજાત પ્રત્યેનો પ્રેમ

આર્નોલ્ડ ક્રિસ્ટી Wednesday 20th December 2023 07:49 EST
 
 

સમગ્ર વિશ્વમાં ક્રિસમસની ઉજવણીઓ ચરમસીમા પર પહોંચી છે. ક્રિસમસ ટ્રી, સાન્તાક્લોસ, ક્રિસમસ ગિફ્ટ્સ, ક્રિસમસ ગ્રિટિંગ કાર્ડ્સ, ક્રિસમસ કેકમાં ઘેરાયેલી આ ઉજવણીઓમાં ક્રિસમસનો સાચો સંદેશો હાંસિયામાં ધકેલાઇ જાય છે. આજે વિશ્વમાં સૌથી વધુ વસતી ખ્રિસ્તી ધર્મીઓની છે તેમ છતાં વિશ્વ યુદ્ધ, સંઘર્ષ, ટકરાવ, ગરીબી, અપરાધથી ઘેરાયેલું છે. તેનું સીધું કારણ એ છે કે ખ્રિસ્તીઓ જ તેમના આરાધ્યના સેવા, દયા અને કરુણાના સંદેશને અનુસરતા નથી.
વિશ્વભરના ખ્રિસ્તી ધર્મીઓ 25 ડિસેમ્બરને પ્રભુ ઇસુના જન્મદિવસ તરીકે ઉજવે છે પરંતુ ઇસુ ખ્રિસ્તના પૃથ્વી પરના આગમનના સાચા હેતુને જીવતા નથી. આજથી 2000 વર્ષ પહેલાં હાલના ઇઝરાયેલના બેથલેહેમ ખાતેની એક ગમાણમાં ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો. બાઈબલ અનુસાર માનવજાતને પાપમાંથી મુક્તિ માટે પરમેશ્વર પિતાએ તેમના પુત્રને પૃથ્વી પર મોકલી આપ્યા. બાઈબલમાં યોહાનની સુવાર્તાના 3જા અધ્યાયની 16મી કલમમાં લખાયું છે કે – કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઇ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પરંતુ અનંતજીવન પામે. 
ઇસુ ખ્રિસ્તના આગમન પહેલાં યહૂદીઓમાં પોતાના દોષોના નિવારણ માટે બલિદાન આપવાની પ્રથા ચાલી હતી. જેમાં વિવિધ અપરાધ માટે ઇશ્વર દ્વારા ઠરાવાયેલા પ્રાણીઓના બલિ ચડાવાતાં હતાં. બાઈબલ પ્રમાણે માનવજાત પાપોથી ઘેરાઇ જતાં પરમેશ્વરે નૂહના સમયમાં જળપ્રલય લાવીને માનવજાતનો નાશ કર્યો હતો. પરંતુ ત્યારબાદ પરમેશ્વરે સમ ખાધા હતા કે હું ક્યારેય જળપ્રલય દ્વારા પૃથ્વીનો નાશ કરીશ નહીં. ત્યારબાદ માનવજાતને પાપની મુક્તિમાંથી પરમેશ્વરે નવી યોજના તૈયાર કરી અને પોતાના એકના એક પુત્રને માનવજાતના પાપોના બલિ બનવા માટે પૃથ્વી પર મોકલી આપ્યાં. માનવજાતને પાપમાંથી મુક્તિ માટે એક નિષ્કલંક હલવાનની જરૂર હતી તેના કારણે જ પ્રભુ ઇસુનો જન્મ કુંવારી મરિયમને ઉદરે થયો હતો. ઇસુના જન્મ પહેલાં દેવદૂત દ્વારા મરિયમને વધામણી અપાઇ હતી કે તું પવિત્ર આત્માથી ગર્ભવતી થશે અને તું તેનું નામ ઇસુ પાડશે. માનવજાતને પાપોમાંથી મુક્તિ માટે પરમેશ્વરની યોજનાનું પ્રથમ ચરણ એટલે ક્રિસમસ (નાતાલ) અને અંતિમ ચરણ એટલે ઇસ્ટર સન્ડે જે દિવસે ઇસુ ખ્રિસ્ત મૃત્યુ પર વિજયી થઇને પુનરુત્થાન પામ્યા હતા.
પ્રભુ ઇસુના જન્મની વધામણી પ્રતિકાત્મક રીતે સમાજના છેવાડાના માનવીથી જ્ઞાની રાજાઓ સુધી પહોંચાડાતી હતી. બાઈબલમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે પૂર્વમાં વસતા માગી રાજાઓને એક તેજસ્વી તારો આકાશમાં દેખાયો અને તેઓ શાસ્ત્રોમાં અપાયેલા વર્ણન પ્રમાણે તારાના દિશા નિર્દેશ પ્રમાણે પ્રભુ ઇસુનું ભજન કરવા બેથલેહેમ પહોંચ્યા. તેની યાદમાં ખ્રિસ્તી પરિવારો દ્વારા ક્રિસમસના સમયગાળામાં ઘરની બહાર સ્ટાર લગાવાય છે. જ્ઞાની રાજાઓ ઉપરાંત સીમમાં ઘેટાં ચારી રહેલા ભરવાડોને દેવદૂતો દ્વારા ઇસુના જન્મની વધામણી અપાઇ. દેવદૂતે ભરવાડો પાસે આવીને કહ્યું કે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારુ એક તારનાર એટલે કે ખ્રિસ્ત પ્રભુ જનમ્યો છે. તમારે સારુ એ નિશાની છે કે તમે એક બાળકને લૂગડાંમાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો... આમ ભરવાડો પણ બેથલેહેમમાં ગભાણ ખાતે પહોંચ્યા અને તેમણે ઇસુનું ભજન કર્યું. આ પ્રસંગની યાદમાં ખ્રિસ્તી પરિવારો દ્વારા પોતાના ઘરમાં ક્રીપ (ગભાણ) તૈયાર કરાય છે.
ક્રિસમસનો સાચો સંદેશો પરમેશ્વર પિતાનો માનવજાત પરનો પ્રેમ છે. પ્રભુ ઇસુએ પણ પૃથ્વી પર માનવીય જીવન દરમિયાન પાપોમાંથી મુક્તિ મેળવવા અને સેવા, કરુણા અને દયાનો જ સંદેશ આપ્યો. અગાઉ ઉલ્લેખ કર્યા પ્રમાણે જે કોઇ પ્રભુ ઇસુ પર વિશ્વાસ કરે છે, તેમનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરે છે, તેમના માધ્યમથી પાપોની માફી માગે છે,  તેમને અનંતજીવનનું અભય વચન પરમેશ્વર પિતા દ્વારા અપાયું છે.
ક્રિસમસનો સાચો સંદેશ માનવજાતને પ્રેમ, શાંતિ અને સાંત્વનાનો છે. પરંતુ આજના આધુનિક વિશ્વમાં ક્રિસમસના સાચા સંદેશાને વિસરી જવાયો છે. ઇસુની દયા, કરૂણા, સેવા અને સાદગીના સ્થાને ઝાકઝમાળભરી ઉજવણી આવી ગઇ છે. આ અનોખા પર્વનું વ્યાવસાયિકરણ કરી નંખાયું છે. ક્રિસમસ ટ્રીથી માંડીને ક્રિસમસ કેક, ક્રિસમસ ગિફ્ટ, ક્રિસમસ કાર્ડની બોલબાલા વધુ છે. ક્રિસમસના સાચા સંદેશા અને વધામણીને વિસારે પાડી દેવાયાં છે. તહેવારો આનંદથી ઉજવાય તે યોગ્ય છે પરંતુ તેનો મૂળભૂત ધ્યેય ભૂલી જવો યોગ્ય નથી.
આજે વિશ્વમાં ખ્રિસ્તી ધર્મીઓ બહુમતીમાં છે. વિશ્વની મહાસત્તાઓ ખ્રિસ્તી ધર્મને અનુસરતી આવી છે. પરંતુ ઇસુ ખ્રિસ્તના પ્રેમ - દયા - કરુણાના સંદેશને કોઇ અનુસરતું નથી. રશિયા અને યુક્રેન બંને ખ્રિસ્તી ધર્મી દેશો છે તેમ છતાં બંને દેશ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં લાખો હોમાઇ ચૂક્યાં છે. વિશ્વ જમાદાર એવા અમેરિકાના શાસકો ખ્રિસ્તી ધર્મને જ અનુસરે છે પરંતુ અમેરિકાએ વિશ્વમાં સૌથી વધુ યુદ્ધ લડ્યાં છે એમ કહી શકાય. એક સમયે વિશ્વ પર શાસન કરનાર બ્રિટિશરો પણ આજ પ્રેમ અને દયાના ધર્મને અનુસરતા પરંતુ તેમણે જ સૌથી વધુ ગુલામો બનાવ્યાં હતાં.
ક્રિસમસ પર્વે કરોડો ખ્રિસ્તીઓ ચર્ચ (દેવળ)માં જઇને આરાધના કરશે. પરંતુ તારા પાડોશીને પ્રેમ કર અથવા તો કોઇ એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ ધર જેવા ઇસુના શિક્ષણને અનુસરતા નથી. ક્રિસમસની સાચી વધામણી જ માનવ પ્રત્યેનો પ્રેમ છે. જેવો પ્રેમ પરમેશ્વર પિતાએ માનવ જાત પર કર્યો અને તેના પાપોને માટે પુત્રને બલિદાન આપવા પૃથ્વી પર મોકલ્યો તેવો જ પ્રેમ આપણે એકબીજાને કરીશું ત્યારે જ ક્રિસમસની સાચી વધામણી માનવજાત સુધી પહોંચશે.


comments powered by Disqus