દાઉદ ઇબ્રાહીમ સંપૂર્ણ સ્વસ્થઃ છોટા શકીલ

Wednesday 20th December 2023 06:29 EST
 
 

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં કુખ્યાત ડોન દાઉદ ઇબ્રાહીમને ઝેર આપવામાં આવ્યું હોવાના અહેવાલે સનસનાટી મચાવી દીધીે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા સમાચાર અને ટીવી અહેવાલો પ્રમાણે દાઉદ કરાચીની હોસ્પિટલમાં ચુસ્ત સલામતી બંદોબસ્ત હેઠળ સારવાર લઈ રહ્યો છે. જો કે આ અહેવાલની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ શકી નથી.
જો કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનું ઝેર આપી મોત નીપજાવવાના સમાચાર અંગે તેના સાથી છોટા શકીલને ફગાવી દેવામાં આવ્યા હતા. છોટા શકીલે જણાવ્યું હતું કે, ‘દાઉદ ઇબ્રાહીમ જીવિત છે અને સંપૂર્ણપણે સ્વસ્થ છે. આ અફવાને સાંભળી અને સોશિયલ મીડિયા પર જોઈને હું પણ આશ્ચર્યમાં પડ્યો હતો. હજુ હમણાં જ મેં તેમની મુલાકાત લીધી છે.’
સોશિયલ મીડિયામાં વહેતા થયેલા આ ખોટા સમાચારને લઈને એવી પણ અફવા ચાલી હતી કે, દાઉદના જમાઈ જાવેદ મિયાંદાદને હાઉસ એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે, અને દાઉદ ઇબ્રાહીમને ઝેર આપી મારી નખાયો છે.
એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાનમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર સહિત ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે. પાકિસ્તાન વર્ષોથી સતત રદિયો આપીને કહેતું રહ્યું છે કે, દાઉદ ઇબ્રાહીમ તેના દેશમાં નથી. એટલા માટે જ પાકિસ્તાનનું તંત્ર દાઉદ ઇબ્રાહીમને ઝેર આપ્યું હોવાની ઘટનાને પહેલેથી સમર્થન આપવાથી અને આ અંગે નિવેદન આપવાથી દૂર રહ્યું હતું.
જો કે હજુપણ પાકિસ્તાનના કેટલાક પત્રકારો દાવો કરી રહ્યા છે કે, દાઉદ ઇબ્રાહીમને ઝેર અપાયું છે અને એ કરાચીની હોસ્પિટલમાં દાખલ છે. એક પત્રકારે દાવો કર્યો હતો કે, ઝેર આપવાથી કરાચીની હોસ્પિટલમાં દાઉદનું મોત થયું છે, પરંતુ કોઈ ખૂલીને આ વાત સ્વીકારતું નથી.


comments powered by Disqus