ખાલિસ્તાની આતંકી નિઝ્ઝરની હત્યા અંગે કેનેડા અને ભારતના સંબંધોમાં તણાવ

Wednesday 20th September 2023 07:54 EDT
 
 

નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિઝ્ઝરની હત્યા મુદ્દે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો દ્વારા ભારત સરકાર પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે, જેને લઈને કેનેડા અને ભારતના સંબંધોમાં તણાવ ઊભો થયો છે. જસ્ટિન ટ્રુડોએ આરોપ કરતાં કહ્યું છે કે, હરદીપસિંહ નિઝ્ઝર એક કેનેડિયન નાગરિક હતો, જેની હત્યા માટે ભારત સરકારનો હાથ છે. જસ્ટિન ટ્રુડોના આ નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં મોટી તિરાડ પડી છે. કેનેડાએ ભારત પર કાર્યવાહી કરતાં આ અંગે કેનેડાસ્થિત ભારતીય ડિપ્લોમેટ બરતરફ કરી દીધા છે. ભારતે પણ જવાબી કાર્યવાહીમાં કેનેડાના એક સિનિયર ડિપ્લોમેટને પાંચ દિવસમાં ભારત છોડવા માટે કહી દીધું છે.
કેનેડા દ્વારા ભારત પર કરવામાં આવેલા ગંભીર આરોપોને ભારત દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા અને કેનેડા સામે જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. કેનેડાના આરોપ અંગે ભારતના વલણને જોતાં મંગળવાર સાંજ સુધીમાં કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોનું વલણ બદલાયેલું જોવા મળ્યું. ટ્રુડોએ કહ્યું કે, કેનેડા ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ નથી કરી રહ્યું, પરંતુ જવાબ માગે છે.
જસ્ટિન ટ્રુડોએ શું આરોપ લગાવ્યો?
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સોમવારે કેનેડાની સંસદમાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિઝ્ઝર હત્યાકાંડમાં ભારત સરકારનો હાથ હોવા અંગે સવાલ કરતાં કહ્યું કે, ‘કેનેડાની સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને કેનેડિયન નાગરિક હરદીપસિંહ નિઝ્ઝરની હત્યા વચ્ચેની કડીને ચકાસી રહી છે. કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં કોઈ અન્ય દેશ અથવા વિદેશી સરકારની દરમિયાનગીરી સહન કરવામાં નહીં આવે. આ અમારી સંપ્રભુતાનું ઉલ્લંઘન છે અને અસ્વીકાર્ય છે.’
કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે કાર્યવાહીના ભાગરૂપે ભારતના એક સિનિયર ડિપ્લોમેટ પવનકુમાર રાયને બરતરફ કરી રહ્યા છીએ, જેઓ ભારતની વિદેશી ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ (રો)ના પ્રમુખના રૂપમાં કાર્યરત્ હતા.
અમે આ ઘટનાના મૂળ સુધી જઈશું. જો આ હત્યામાં ભારત સરકારનો હાથ હશે તો અમારી સંપ્રભુતા અને એકબીજા સાથેના નિયમોનું મોટું ઉલ્લંઘન ગણવામાં આવશે. અમે ભારત સરકારને અનુરોધ કર્યો છે કે આ ઘટનાની તપાસમાં કેનેડાને સહયોગ કરે.
કેનેડા સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે હરદીપસિંહ નિઝ્ઝરના 21 વર્ષના મોટા પુત્ર બલરાજસિંહે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે, ‘પરિવાર અને મિત્રોને હંમેશાં પિતાની હત્યામાં ભારત સરકારના હાથ અંગે શંકા હતી. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સોમવારે પિતાની હત્યામાં ભારતનો હાથ હોવાની વાત કરી, જે બાદ રાહત થઈ છે.’ બલરાજે ટ્રુડોની સાથે સંઘીય કન્ઝર્વેટિવ નેતા પિયરે પોલિવરે અને એનડીપી નેતા જગમિતસિંહને પણ આ મુદ્દો ઉઠાવવા અંગે ધન્યવાદ આપ્યા હતા.
બલરાજ નિઝ્ઝરે વધુમાં કહ્યું કે, ‘અમને આશા છે કે સરકાર એક પગલું વધારે ભરીને હત્યારાને કોર્ટમાં ખેંચી લાવશે. કેનેડાની સરકારનાં આગામી પગલાં અંગે અમારો પરિવાર રાહ જોઈ રહ્યો છે.’
પોલીસ રિપોર્ટ અનુસાર હરદીપસિંહ નિઝ્ઝર પર ફાયરિંગ સમયે તેમનો પુત્ર બલરાજસિંહ થોડે દૂર જ ઊભો હતો. બલરાજે આ અંગે કહ્યું કે, ‘મારા પિતાની હત્યા માત્ર એક શીખની હત્યા નથી, પરંતુ એક ધાર્મિક સ્થળના અધ્યક્ષની હત્યા છે. જેને તેમના જ ધાર્મિક સ્થળ પર મારી નાખવામાં આવ્યા.’
નિઝ્ઝરની હત્યા મુદ્દે ભારત પરના આરોપો ગંભીરઃ બ્રિટન
કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપસિંહ નિઝ્ઝરની હત્યાના મામલામાં કેનેડાની સરકાર દ્વારા ભારત પર મુકાયેલા આરોપના વૈશ્વિકસ્તરે ગંભીર પડઘા પડ્યા છે. બ્રિટને જણાવ્યું હતું કે, નિઝ્ઝરની હત્યામાં ભારત સરકારની સંડોવણીના કેનેડાના આરોપો અંગે અમે કેનેડા સરકાર સાથે સંપર્કમાં છીએ. બ્રિટન સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગંભીર પ્રકારના આરોપો મુદ્દે અમે કેનેડાની સરકાર સાથે સંપર્કમાં છીએ. કેનેડાની સરકાર દ્વારા હાલ આ મામલામાં તપાસ ચાલી રહી છે ત્યારે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવી અયોગ્ય ગણાશે.
ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ ચિંતાજનકઃ અમેરિકા
ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ અંગે અમેરિકાએ ચિંતા દર્શાવી છે. અમેરિકાએ આ અંગે કહ્યું કે, કેનેડાના સરી શહેરમાં હરદીપસિંહ નિઝ્ઝરની હત્યા અંગે કેનેડા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપ અંગે તેઓ ખૂબ ચિંતિત છે. વ્હાઇટ હાઉસ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા એડ્રિયન વોટ્સને કહ્યું છે કે, અમે કેનેડાના અમારા સહયોગીઓ સાથે નિયમિત સંપર્કમાં છીએ. જરૂરી છે કે કેનેડા આ અંગે તપાસ કરીને અપરાધીઓને ન્યાયના કઠેડામાં ઊભા કરે.
તમામ દેશોએ કાયદાનું સન્માન કરવું જોઇએઃ ઓસ્ટ્રેલિયા
ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ ચરમ પર છે, ત્યારે ઓસ્ટ્રેલિયાએ પણ કેનેડાના આરોપો અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઓસ્ટ્રેલિયન વિદેશમંત્રી પેની વાંગના પ્રવક્તાએ કહ્યું કે, ‘ઓસ્ટ્રેલિયાનું માનવું છે કે તમામ દેશોએ એકબીજાની સંપ્રભુતા અને કાયદાનું સન્માન કરવું જોઈએ. ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય ઘણો મૂલ્યવાન છે અને તે અમારા બહુરંગી, બહુ સાંસ્કૃતિક સમાજમાં મહત્ત્વનું યોગદાન આપે છે.’


comments powered by Disqus