28 મે 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીમાં નવા સંસદ ભવનનું ઉદ્દઘાટન કરાયું તેની સાથે જ ભારતવાસીઓએ સંસ્થાનવાદી પ્રતિક સમાન જૂના સંસદ ભવનથી મુક્તિ મળ્યાનો એહસાસ કર્યો હતો. મોદી સરકારે આ મુક્તિનો એહસાસ વધુ પ્રબળ બનાવતાં ગયા સપ્તાહમાં જૂના સંસદભવનને અંતિમ અલવિદા કહેતાં નવા સંસદભવનમાં વિશેષ સત્ર સાથે નવા ભારતના ભવિષ્યનો પાયો નાખ્યો હતો. ભારતના જૂના સંસદભવને છેલ્લા 75 વર્ષમાં અનેક ચડાવ ઉતાર જોયાં છે. સંખ્યાબંધ સરકારોએ લોકશાહીના આ મંદિરના ફ્લોર પર અનેક કાયદા ઘડ્યાં અને બંધારણીય સુધારા પણ કર્યાં. સંસદની આ ઇમારતમાં અવિશ્વાસ પ્રસ્તાવો, વાદવિવાદ, શક્તિ પરીક્ષણો વચ્ચે આપણે ભારતીય લોકશાહીને દિન પ્રતિદિન મજબૂત અને સક્ષમ બનતાં જોઇ શક્યાં છીએ. સાત દાયકા કરતાં વધુ લાંબી લોકતાંત્રિક સફરે વૈશ્વિક મંચ પર ભારતને અદ્વિતિય સ્થાન અપાવ્યું છે તેમ છતાં સંસદમાં આવેલી કામગીરીની ગુણવત્તા ચિંતાનો વિષય જરૂર બની રહી છે. ભારતીય સંસદમાં તર્ક આધારિત તંદુરસ્ત ચર્ચાઓનું સ્થાન નારાબાજી, હોબાળા અને ધાંધલ ધમાલે લીધું છે. સરકાર અને વિપક્ષ વચ્ચે મતભેદ ક્યારેય દૂર થવાના નથી પરંતુ પક્ષની વિચારધારા અને વ્હિપ આધારિત રાજનીતિ ભારતની લોકશાહીને લૂણો લગાડી રહ્યાં છે. સૌથી મોટી ચિંતાનો વિષય સંસદની કામગીરીમાં થઇ રહેલું સતત ધોવાણ છે. એક રિસર્ચ પ્રમાણે સંસદની બેઠકોમાં સતત ઘટાડો નોંધાયો છે. 1952થી 1960ની વચ્ચે સંસદની કામગીરી વર્ષમાં સરેરાશ 127 દિવસ ચાલતી હતી જે 1991થી 2000ના દાયકામાં ઘટીને 77 દિવસ અને 2011થી 2020ના દાયકામાં સરેરાશ 64 દિવસ પ્રતિ વર્ષ પર આવી ગઇ હતી. કામગીરીના દિવસોમાં ઘટાડા કરતાં પણ ચિંતાજનક સંસદમાં થતી કામગીરી છે. 2009થી 2014 વચ્ચેની 15મી લોકસભામાં 606 દિવસ સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું પરંતુ કામગીરી ફક્ત 357 દિવસ જ ચાલી અને બાકીના દિવસો હોબાળા અને ધાંધલધમાલમાં સ્વાહા થઇ ગયાં. આવી જ સ્થિતિ ત્યારપછીની સંસદીય સત્રોમાં પણ જોવા મળી રહી છે. હવે ભારતીય લોકશાહી નવા સંસદભવનમાં બિરાજમાન થઇ છે ત્યારે સરકાર અને વિપક્ષ સંસદના સાચા હેતૂઓને સાકાર કરે તેવી આશા સૌ કોઇ સેવી રહ્યાં છે. લોકશાહીના નવા મંદિરમાં ગુણવત્તાસભર, તર્કસભર ચર્ચાઓ સાથે સાંસદો નવા ભારતના નિર્માણની દિશામાં કામ કરે તેવી અપેક્ષા દેશનો દરેક નાગરિક સરકાર અને વિપક્ષ પાસેથી રાખી રહ્યો છે.
