યુક્રેન પરના આક્રમણના કારણે વિશ્વે રશિયાને અટુલો પાડી દીધા બાદ પુતિન માનવ અધિકાર ઉલ્લંઘનનો બદતર રેકોર્ડ ધરાવતા ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન અને ચીનના શિ જિનપિંગ સાથે મળીને એક નવી ધરી રચી રહ્યાં છે જે સમગ્ર વિશ્વ માટે ભયજનક છે. તાજેતરમાં જ ઉત્તર કોરિયાના ક્રુર સરમુખત્યાર કિમ જોંગ ઉન એક સપ્તાહ સુધી રશિયાની મુલાકાત લઇ આવ્યા. બીજીતરફ ચીનના ટોચના રાજદ્વારી વાંગ યી સુરક્ષા બાબતો પર મંત્રણા કરવા રશિયાની મુલાકાતે પહોંચ્યા છે. રશિયા, ઉત્તર કોરિયા અને ચીનના સરમુખત્યારોની નવી ધરી સામ્રાજ્યવાદી લક્ષ્યાંકો સાથે આગળ વધી રહી છે. રશિયા યુક્રેન પર કબજો જમાવી તેને પોતાનો હિસ્સો બનાવવા ધમપછાડા કરી રહ્યો છે. ચીન વિશ્વમાં તેનો પ્રભાવ વધારવા માટે આક્રમક આર્થિક નીતિ અપનાવી રહ્યો છે. ઉત્તર કોરિયાની અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન સાથેની દુશ્મની જગજાહેર છે. રશિયા, ચીન અને ઉત્તર કોરિયાનો આ સામ્રાજ્યવાદી ત્રિકોણ વિશ્વ સમક્ષ મોટાં જોખમ સર્જી રહ્યો છે. ચીન અને ઉત્તર કોરિયાની મદદના કારણે યુક્રેન યુદ્ધ વધુ લાંબુ ખેંચાઇ શકે છે. જેના કારણે પશ્ચિમના દેશો દ્વારા યુક્રેનને કરાતી સહાય પર પણ અસર પડી શકે છે. એવી પણ શંકા સેવાઇ રહી છે કે રશિયાને મદદ કરવા ઉત્તર કોરિયા અને ચીન તેમના સૈનિકોને પણ યુદ્ધભૂમિમાં મોકલી શકે છે. આ ત્રણ દેશોની મિલીભગત યુક્રેનને તેમના હથિયારોની પ્રયોગશાળા બનાવી શકે છે. જેના કારણે આ દેશોની લશ્કરી ક્ષમતાઓ વધુ ઘાતકી બની શકે છે. રશિયાની જેમ ચીન અને ઉત્તર કોરિયા પણ તેમની સરહદો વિસ્તારવા તલપાપડ છે. ચીન ભારતના પ્રદેશો અને તાઇવાન પર હક જમાવી રહ્યો છે. ઉત્તર કોરિયાનો ડોળો દક્ષિણ કોરિયાના વિસ્તારો પર છે. આ બંને દેશો પણ તેમની સામ્રાજ્યવાદની ભૂખ સંતોષવા માટે યુદ્ધ શરૂ કરી શકે છે. અમેરિકા એક સાથે 3 મોરચે યુદ્ધમાં સહાય કરવા માટે સક્ષમ નથી. આ પ્રકારના યુદ્ધ વિશ્વયુદ્ધને પણ નોતરૂં આપી શકે છે. સરમુખત્યારી માનસિકતા ધરાવતા પુતિન, કિમ જોંગ ઉન અને શિ જિનપિંગનો સામ્રાજ્યવાદી પ્રણય ત્રિકોણ વિશ્વ માટે અત્યંત ગંભીર જોખમ બનીને સામે આવી રહ્યો છે.
