સરકાર અને ડોક્ટરોની જિદ એનએચએસનું ધનોતપનોત કાઢશે

Tuesday 19th September 2023 09:27 EDT
 

કોરોના કાળથી એનએચએસની કામગીરીને જાણે કે ગ્રહણ લાગી ગયું છે. મહામારી દરમિયાન કોરોનાના દર્દીઓની સારવારને પ્રાથમિકતા અપાતાં એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ વિકરાળ બનવા લાગ્યું હતું. કેન્સર સહિતની ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ પણ નિદાન અને સારવાર માટે મહિનાઓ સુધી રાહ જોવા મજબૂર બન્યાં હતાં. મહામારીએ એનએચએસની કામગીરીને ખસ્તાહાલ બનાવી દીધી હતી. મહામારીના વળતા પાણી પછી આશા હતી કે એનએચએસની કામગીરીમાં સુધારો આવશે અને સારવારમાં થતા વિલંબમાં ઘટાડો થશે પરંતુ પડતા પર પાટુની જેમ એનએચએસની નર્સો, એમ્બ્યુલન્સ કર્મચારીઓ અને ડોક્ટરોની પગાર વધારા માટેની હડતાળોએ સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી હતી. નર્સ, એમ્બ્યુલન્સ કર્મચારી, પેરા મેડિકલ કર્મચારીઓ તો સરકાર દ્વારા અપાયેલા પ્રસ્તાવોને માન્ય રાખીને ફરી પાછા કામ પર ચડી ગયાં હતાં પરંતુ ડોક્ટરો હજુ પણ તેમની પગાર વધારાની માગણીના સંદર્ભમાં હજુ પણ અટલ છે. એનએચએસમાં દર્દીઓને સારવાર માટેનું વેઇટિંગ લિસ્ટ 7.7 મિલિયનને પાર કરી ગયું છે ત્યારે સરકાર ડોક્ટરો તેની ઇચ્છા પ્રમાણેનો પગાર વધારો સ્વીકારી લે તેવી જિદે ચડી છે. વડાપ્રધાન રિશી સુનાકે તો સ્પષ્ટ જણાવી દીધું છે કે અમે ડોક્ટરોને 6 ટકાથી વધુ પગારવધારો આપવા તૈયાર નથી. બીજીતરફ ડોક્ટરોએ ધમકી ઉચ્ચારી છે કે આ સરકાર અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી અમારી હડતાળ જારી રહેશે. ઇંગ્લેન્ડમાં પહેલીવાર જુનિયર ડોક્ટરો અને કન્સલ્ટન્ટ દ્વારા સાગમટે હડતાળ પાડવામાં આવી છે. જેના કારણે એનએચએસની હોસ્પિટલોમાં ઇલાજની કામગીરી સ્થગિત થઇ ગઇ હતી. આમ હવે સરકાર અને ડોક્ટરોની જિદ એનએચએસનું ધનોતપનોત કાઢવા બેઠી છે. બંનેમાંથી એકપણ પક્ષ નમતું જોખવા તૈયાર નથી તેના કારણે દર્દીઓનું વેઇટિંગ લિસ્ટ માઉન્ટ એવરેસ્ટને આંબી રહ્યું છે. ગયા સપ્તાહની ડોક્ટરોની સાગમટે હડતાળના કારણે 9 લાખ જેટલી એપોઇન્ટમેન્ટ રદ થઇ હતી. સરકાર અને ડોક્ટરોની જિદ એનએચએસના મુદ્રાલેખનું હનન કરી રહી છે. એનએચએસનો મુદ્રાલેખ છે કે અમારી દરેક કાર્યવાહીમાં દર્દી ટોચના સ્થાને છે. પરંતુ એનએચએસમાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી હડતાળોથી એમ લાગી રહ્યું છે કે એનએચએસના કર્મચારીઓ અને સરકારે આ મુદ્રાલેખને હાંસિયામાં ધકેલી દીધો છે.


comments powered by Disqus