બેઇજિંગઃ ચીનની મુલાકાતે ગયેલા અમેરિકન વિદેશમંત્રી એન્ટોની બ્લિન્કન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે બંને દેશોના સંબંધો સુધારવા માટે સહમતી થઈ હતી. તાઇવાન મુદ્દે ચીન કોઈ બાંધછોડ નહીં કરે એવું પણ ચીનના પ્રમુખે અમેરિકન વિદેશમંત્રીને સ્પષ્ટ કહ્યું હતું. બંને દેશોના નેતાઓ વચ્ચે કરારો થયા હતા.
છેલ્લાં પાંચ વર્ષમાં ચીનની મુલાકાતે જનારા બ્લિન્કન પ્રથમ નેતા છે. અગાઉ તેમની ચીન મુલાકાત યોજાવાની હતી, પરંતુ ફેબ્રુઆરીમાં ચીનનું સ્પાય બલૂન અમેરિકામાં તોડી પડાયા બાદ યાત્રા રદ્દ થઈ હતી. ચીનની મુલાકાત દરમિયાન બ્લિન્કને ચીનનાં વિદેશમંત્રી કિન ગોંગ સાથે સાડા સાત કલાક લાંબી ચર્ચા કરી હતી. તાઇવાન, દ્વિપક્ષીય વેપાર, માનવ અધિકાર અને સાઇબર સુરક્ષા સહિતના વિવિધ મુદ્દે થયેલી ચર્ચા બાદ અમેરિકન વિદેશમંત્રીની મુલાકાત ચીનના પ્રમુખ શિ જિનપિંગ સાથે થઈ હતી.
જિનપિંગે કહ્યું હતું કે, બાલીમાં બાઇડેન સાથે જે મુલાકાત થઈ હતી અને એમાં બંને પક્ષે જે સમજૂતી થઈ હતી એ પ્રમાણે જ ચીન આગળ વધી રહ્યું છે. કેટલાક મુદ્દે બંને દેશો વચ્ચે તંગદિલી અને ગૂંચ છે તે ઉકેલવાના પ્રયાસો શરૂ થયા છે.

