1998માં ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડામાં 1000 કરતાં વધુ માનવીનાં મોત થયાં હતાં. તાજેતરમાં આવી જ કુદરતી આફત ગુજરાત પર ત્રાટકી પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉત્તમ ડિઝાસ્ટર મેનેજમેન્ટના કારણે કોઇપણ પ્રકારની જાનહાનિ વિના આફત પસાર થઇ ગઇ તે ઉત્તમ સિદ્ધી ગણી શકાય. કેન્દ્ર અને રાજ્ય સરકારના યોગ્ય અને સમયસર આયોજન તથા પૂર્વ તૈયારીઓના કારણે ગુજરાતે બિપોરજોય વાવાઝોડાનો ન્યૂનત્તમ નુકસાન સાથે સફળતાપુર્વક સામનો કર્યો છે. વાવાઝોડાની આગાહીની સાથે જ સરકારે વહીવટીતંત્રને એડવાન્સ પ્લાનિંગ માટે સજ્જ કરી દીધું હતું. સૌથી પહેલાં વાવાઝોડાની જદમાં આવનારા તમામ વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી આરંભાઇ અને 1 લાખ 8 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડીને જાનહાનિની સંભાવનાઓ નિર્મૂળ કરાઇ હતી. ઇમર્જન્સીની સ્થિતિમાં એરફોર્સ, નેવી અને આર્મીને સ્ટેન્ડબાય રખાઇ હતી. દરિયો ખેડવા ગયેલા તમામ માછીમારોને દરિયામાંથી પાછા બોલાવી લેવાં આવ્યા અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારા પર 21 હજારથી વધુ હોડીઓના લંગર નાંખી દેવાયાં હતાં. સૌથી વધુ અસરગ્રસ્ત થનારા સાત જિલ્લા કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીરસોમનાથ, જૂનાગઢ, પાટણ અને બનાસકાંઠામાં એનડીઆરએફની 12 ટુકડી અને ગાંધીનગરમાં એક ટુકડી સ્ટેન્ડબાય રખાઇ હતી. રાજ્યના 65 લાખ મોબાઇલફોન ધારકોને ચેતવણીના એસએમએસ, દરેક જિલ્લામાં શરૂ કરાયેલા કન્ટ્રોલ રૂમ દ્વારા પ્રજાને સાવચેત અને ભયમુક્ત પણ કરાઇ હતી. આરોગ્ય વિભાગ દ્વારા 1005 મેડિકલ ટીમ, 504 એમ્બ્યુલન્સની વ્યવસ્થા સાથે 3851 ક્રિટિકલ બેડની વ્યવસ્થા કરાઇ હતી. આ કુદરતી આફત દરમિયાન 900 કરતાં વધુ મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી જે એક પ્રશંસનીય સફળતા છે. વીજળી વિભાગ દ્વારાસૌરાષ્ટ્રના 8 જિલ્લામાં 3751 ગામોમાં 1127 ટીમ તહેનાત કરાઇ અને 889 ટીમને સ્ટેન્ડ બાય રખાઇ હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી સાધન સામગ્રી સાથે 132 ટીમ, 328 જેસીબી મશીન, 276 ડમ્પર, 204 ટ્રેક્ટર, 60 લોડરને ખડે પગે રખાયાં હતાં જેમણે વાવાઝોડું પસાર થતાં જઅસરગ્રસ્ત રસ્તાઓની મરામતની કામગીરી આરંભી દીધી હતી. સચોટ મેનેજમેન્ટની મદદથી ભયાનક કુદરતી આફતનો કોઇપણ પ્રકારની જાનહાનિ વિના સામનો કરી શકાય તેનું સચોટ ઉદાહરણ ગુજરાત સરકારે પુરું પાડ્યું છે. ભારત હવે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં નિપુણતા હાંસલ કરી ચૂક્યો છે તે પૂરવાર થયું છે.
