બર્લિનઃ જર્મનીના બર્લિનની પેન્કોની એક કોર્ટે ગુજરાતી મૂળની 27 મહિનાની બાળકી અરિહા શાહની કસ્ટડી તેનાં માતા-પિતાને સોંપવાનો ઇનકાર કર્યો છે અને બાળકીની કસ્ટડી જર્મનીના યૂથ વેલફેર ઓફિસને સોંપી છે. અરિહાની કસ્ટડી સપ્ટેમ્બર 2021થી જ વિભાગ પાસે છે. કોર્ટે શુક્રવારે બાળકીની કસ્ટડી જર્મન સરકારને સોંપવાની સાથે જ બાળકીનાં માતા-પિતાનો દાવો ફગાવી દીધો હતો. અહેવાલો અનુસાર અરિહાનાં માતા-પિતાએ ભારત સરકારમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તેઓને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ.જયશંકર તેમના સંતાનને ભારત પરત લાવવાની દિશામાં કામ કરશે. તેમને ટાંકીને રિપોર્ટમાં કહેવાયું હતું કે, આજથી અમે અરિહાને 140 કરોડ ભારતીયોને સોંપીએ છીએ. અહેવાલો અનુસાર અરિહાનાં માતા-પિતાએ પહેલા પોતાના સંતાનની કસ્ટડી નહોતી માગી અને તેમણે વિનંતી કરી હતી કે તેમની પુત્રીની કસ્ટડી ભારતીય વેલફેર સર્વિસને સોંપવામાં આવે.

