બિપરજોયના કારણે રાજસ્થાનમાં ડેમ-કેનાલ તૂટ્યાંઃ 4 જિલ્લામાં પૂરથી 7નાં મોત

Wednesday 21st June 2023 06:33 EDT
 
 

જયપુરઃ ગુજરાત બાદ ચક્રવાત બિપરજોયે રાજસ્થાનને ધમરોળી નાખ્યું છે. કોઈપણ પ્રકારની પૂર્વતૈયારી ન હોવાના કારણે રાજસ્થાનના અનેક જિલ્લાઓ તેની ઝપેટમાં આવી ગયા છેે. રાજસ્થાનમાં આવેલો ચક્રવાત બિપરજોય અત્યાર સુધી 7 લોકોનો ભોગ લઈ ચૂક્યો છે. રાજસ્થાનના બાડમેર, સિરોહી, બાંસવાડા, ઉદયપુર, રાજસમંદ, પાલી, અજમેર, કોટા સહિતના જિલ્લામાં સૌથી વધુ ખાનાખરાબી સર્જાઈ છે.
જાલોરના સાંચોરમાં સુરાવા ડેમ ધ્વસ્ત
જાલોરના સાંચોર તાલુકામાં આવેલો સુરાવા ડેમ તૂટતાં અનેક વિસ્તાર જળમગ્ન બની ગયા હતા. ડેમ તૂટતાં નર્મદા લિફ્ટ કેનાલમાં પાણીની વધુ આવક થતાં તે પણ તૂટી ગઈ હતી. શનિવારે રાત્રે ડેમ તૂટતાં જ સમગ્ર સાંચોર શહેરને ખાલી કરાવવાની ગતિવિધિ શરૂ કરવામાં આવી હતી. જાલોરમાં 17મી જૂનની સવારથી 18મી જૂનની રાત દરમિયાન 456 મિ.મી. એટલે કે 18 ઇંચ વરસાદ પડ્યો છે.
રાજસ્થાનમાં 7 વ્યક્તિનાં મોત
પાલીના અલવરમાં રહેતા યુવાનનું પાણીમાં કાર તણાઈ જતાં મોત થયું હતું. તેવી જ રીતે ફાલનાના શિવાજી નગરનો યુવાન જેકારામ જોગી તેના ઘરની નજીકના નાળામાં તણાઈ ગયો હતો. રવિવારે 4 લોકોનું ડૂબી જવાથી અને શિલા નીચે દટાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું.
એનડીઆરએફએ 39ને બચાવ્યા
જાલોર જિલ્લાના ભીનમાલ ખાતે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યું હતું. નિબાલી નાળું ઓવરફ્લો થવાને કારણે શહેરના કૃષિ મંડી રોડ, હરિજન વસાહત, ખેતાવત માર્કેટ, તલબી રોડ સહિત અનેક વસાહતોમાં પાણી ઘૂસી ગયાં હતાં. NDRF અને SDRFની ટીમોએ ભીનમાલથી 39 લોકોને બચાવ્યા છે.
માઉન્ટ આબુમાં 14 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો હતો, જેના કારણે નખી લેક ઓવરફ્લો થઈ ગયું.


comments powered by Disqus