વડીલો સહિત સહુ વાચક મિત્રો, ત્રણ મહાન લોકતંત્રો - ભારત, બ્રિટન અને અમેરિકામાં આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વૈશ્વિક તખતે એક યા બીજા પ્રકારે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરનારી આ ચૂંટણીઓ સંદર્ભે આપણે આ કોલમમાં વિશદ્ છણાવટ શરૂ કરી છે. વીતેલા સપ્તાહે આપણે ભારતની વાત કરી હતી, આ સપ્તાહે આપણે બ્રિટનની વાત કરીશું.
છેલ્લા દોઢસોએક વર્ષથી એક વ્યાપક અભિયાનના ભાગરૂપે બ્રિટિશ રાજપુરુષો, લેખકો, કલાકારો, વેપાર-ઉદ્યોગ જગતના સાહસિકો સહિત સહુ કોઇ દ્વારા બ્રિટનના લોકતંત્રનું મહિમામંડન થઇ રહ્યું છે. તેને સિદ્ધાંતવાદી અને આદર્શવાદી ગણાવાઇ રહ્યું છે. આ વ્યવસ્થિત (પણ વણજાહેર) ઝૂંબેશના પરિણામે એક સમયનું ઇંગ્લેન્ડ સમયના વહેવા સાથે યુનાઇટેડ કિંગ્ડમ બન્યું, પછી તે બ્રિટન બન્યું, અને આજે તે ગ્રેટ બ્રિટન તરીકે ઓળખાય છે.
બ્રિટનની આગળ ઉમેરાયેલો ‘ગ્રેટ’ શબ્દ કોઇ સફળતા-સિદ્ધિના પગલે સાંપડેલો ખિતાબ નથી, પણ એક વિશેષણ માત્ર છે. પોતે ગ્રેટ છે તેથી ગ્રેટ બ્રિટન. બ્રિટિશ સામ્રાજ્યના એ ઉજળા દિવસો યાદ હશે જ, જ્યારે દુનિયામાં ચોમેર તેની આણ પ્રવર્તતી હતી. કોમનવેલ્થ દેશોની સવિશેષ વાત કરીએ તો - કેનેડા, સાઉથ આફ્રિકા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરે ઉપરાંત દુનિયાભરમાં ફેલાયેલા નાનામોટા સંખ્યાબંધ આઇલેન્ડ નેશન્સ (ટાપુ દેશો)નો તેમાં સમાવેશ થાય છે.
કોઇ પણ રાષ્ટ્રના સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત આવે છે ત્યારે આર્થિક સદ્ધરતા, સમાનતા, સામાજિક સમરસતા, માનવતા વગેરે સહિતના અનેક પાસાંઓને ધ્યાને લેવાતા હોય છે. આ બધા માપદંડમાં બ્રિટન મુઠ્ઠીઉંચેરું હોવાનું પુરવાર કરવા માટે, ખૂબ ઉદારવાદી વલણ અપનાવવામાં આવે તે માટે બ્રિટનના માંધાતાઓ પ્રવૃત્ત હતા.
ચાલો, વાત આગળ વધારવા માટે થોડાક પાછળ જઇએ...
ઇસવી સનનો આરંભ થયો 2000 વર્ષ પૂર્વે, અને શરૂઆતના 1000 વર્ષ ઈંગ્લેન્ડ રોમન સામ્રાજ્ય હેઠળ રહ્યું. રોમન - ઇટાલિયન શાસકોએ આટલો લાંબો સમય બ્રિટન પર રાજ કર્યું હોવાથી લંડન સહિત અનેક સ્થળોએ આજે પણ અનેક સ્થળોના નામ ઇટાલિયન કે લેટિન નામ જોવા મળે છે. જેમ કે, લંડનનું મૂળ નામ હતું લોન્ડોનિયમ.
આજનું એકમેવ ઈંગ્લેન્ડ તે વેળા કંઇકેટલાય રજવાડાઓમાં વહેંચાયેલું હતું. ઇસવી સન 1066માં ફ્રાન્સના નોર્મન્ડી પ્રાંતના નોર્થ-ઇસ્ટ ભાગનો હાકેમ હતો ડ્યુક ઓફ નોરમન્ડ તેણે ત્રણ-ચાર નાની હોડીમાં ગણ્યાગાંઠ્યા સૈનિકો સાથે ઈંગ્લેન્ડની છેક દક્ષિણે આવેલા હેસ્ટીંગ્સ નજીક નાના બંદર પર હુમલો કર્યો. ઇતિહાસમાં બેટલ ઓફ હેસ્ટિંગ્સ તરીકે નોંધાયેલા આ યુદ્ધમાં તેણે ઈંગ્લેન્ડનો કેટલોક પ્રદેશ કબજે કર્યો અને નોર્મન વંશ ગાદી પર આવ્યો. કાળક્રમે ઉત્તરે યોર્કશાયર સ્કોટલેન્ડ સુધી અને પશ્ચિમે બ્રિસ્ટલ તથા બાથ તેમજ આયર્લેન્ડમાં સુધી રોમન સામ્રાજ્ય સ્થપાયું
અને જામ્યું પણ ખરું. પરિણામે આયર્લેન્ડ પ્રદેશ આખો કેથલિક બની ગયો.
ઇસવી સન 1500 સુધી લગભગ સમસ્ત બ્રિટનના વહીવટમાં અને વેપાર-ધંધામાં લેટિન કે ફ્રેન્ચ ભાષાનો ઉપયોગ થતો હતો. એક બાજુ, ઈંગ્લેન્ડ એક એકમ બન્યો તો બીજી બાજુ સ્કોટલેન્ડ અને વેલ્સ અલગ આકાર લઇ રહ્યા હતા.
આગળ વધતાં પહેલાં જરા ઈંગ્લેન્ડની વાત સમજી લઇએ. ઈંગ્લેન્ડમાં નોર્મન શાસનકાળ પૂર્વે પણ રાજાશાહી હતી. રાજા - વાજા ને વાંદરા ક્યારે બગડે તે કંઇ કહેવાય નહીં, ખરુંને?! તે વેળાના શાસકો ભલે આપણી આ કહેવત નહીં જાણતા હોય, પરંતુ સન 1215થી ઈંગ્લેન્ડમાં રાજાશાહી પરનું નિયંત્રણ વધુ જડબેસલાક બન્યું. લંડન પાટનગર બન્યું તો ઉત્તરે આવેલ વિન્ડસર રાજ પરિવારનું વડું મથક બન્યું. વિન્ડસરથી ત્રણ માઇલના અંતરે આવેલ રનીમેડ ખાતે અકલ્પનીય ઘટના બની.
રાજાને નાણાંભીડ (!) વર્તાતી હોવાથી તેમને અવારનવાર શાહુકારો - જમીનદારો પાસેથી લોન લેવાની ફરજ પડતી હતી. ઇતિહાસમાં નોંધાયેલી કંઇક આવી જ ઘટના ભારતમાં પણ બન્યાનું આપણે સહુ જાણીએ છીએ. 1607માં ઇસ્ટ ઇંડિયા કંપનીના ત્રણ વહાણ સુરતના રાંદેર બંદરે લાંગર્યા હતા. વેપારવણજ માટે આવેલા વેપારીઓ સમયના વહેવા સાથે વહીવટદાર બની બેઠા હતા, માલિકો બન્યા. હિન્દી ભાડુતી સૈનિકોને કામે રાખ્યા અને શસ્ત્રોની તાલીમ અપાઇ. કંપનીના હાકેમોનું વડું મથક સુરત હતું. સુરતમાં બે શેઠિયા હતા - એક વૈષ્ણવ અને બીજા જૈન. આ ધનાઢયો નવાસવા આવેલા હાકેમોને ઉછીનાં નાણાં આપતાં હતાં. અને આ હાકેમો તે નાણાંનો ઉપયોગ કરીને હિન્દી સૈનિકોને શસ્ત્રો ચલાવવાની તાલીમ આપતા હતા તેમજ કારકુનોને વહીવટ કરવાની કુનેહ શીખવતા હતા. આપણી પાસેથી જ નાણાં ઉધાર લીધા, આપણા જ માણસોને તાલીમ આપી, અને પછી આ બધાનો ઉપયોગ કરીને આપણને જ ગુલામ બનાવ્યા, આપણા પર રાજ કર્યું!
ખેર , આપણે ઈંગ્લેન્ડના રાજ પરિવારની વાત પર પાછા ફરીએ. 1215માં શું થયું? થેમ્સ નદીના કિનારે આવેલા રનીમેડ પરગણામાં રાજા અને શાહુકારો વચ્ચે કરાર થયો, જે મેગ્નાકાર્ટા ટ્રિટી તરીકે બ્રિટનના ઇતિહાસમાં નોંધાયેલી છે. બ્રિટનમાં આજે જે લોકતંત્ર પ્રવર્તે છે તેમાં આ ઘટનાએ બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. બ્રિટનમાં અત્યારે જોવા મળતી રાજાશાહી કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી છે. મતલબ કે રાજાશાહી નામમાત્રની છે, શાસન પર સાચો અધિકાર વડા પ્રધાન અને પાર્લામેન્ટનો છે.
વાચક મિત્રો, આપ સહુને બહુ નમ્રતા સાથે અનુરોધ કરવાનો કે આપના સંતાનોને, આપના પરિવારજનોને ઈંગ્લેન્ડ - યુનાઇટેડ કિંગ્ડમ - બ્રિટન - ગ્રેટ બ્રિટનના ઇતિહાસથી - પૂર્વભૂમિકાથી વાકેફ કરવાની જરૂર છે. આ દેશ આપણી કર્મભૂમિ છે, અને જે ભૂમિ આપણને રોટલો અને ઓટલો આપતી હોય તેના ઇતિહાસથી તો સહુકોઇએ વાકેફ થવું જ જોઇએ તેવું મારું માનવું છે. તમે આ બધી માહિતી ગુગલના માધ્યમથી પણ મેળવી શકો છો, અને જો લંડનમાં જ નિવાસ કરતા હો તો એકાદ વીકેન્ડમાં પિકનિક માટે રનીમેડ પણ જઇ શકાય. રનીમેડ એગામથી ફક્ત બે માઇલના અંતરે થેમ્સ નદીના કાંઠે છે, તો M25થી ત્રણેક માઇલ દૂર છે. પરિવારજનો સાથે આવા ઐતિહાસિક સ્થળોની મુલાકાતે જવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે રજાની મજા પણ માણી શકો છો, અને સાથે સાથે જ પરિવારજનોના જ્ઞાનમાં અભિવૃદ્ધિ પણ કરી શકો છો.
સન 1215માં મેગ્નાકાર્ટા ટ્રીટી લાગુ થયા બાદ કાળક્રમે બ્રિટનમાં રાજાશાહી પર મર્યાદા કે નિયંત્રણો વધ્યા. તે સમયે રાજાશાહી પરિવાર કેથલિક ખ્રિસ્તી હતો. પણ 16મી સદીમાં જર્મનીમાં પ્રોટેસ્ટન્ટ રેફરમેશન લાગું થયું. તેના પગલે બ્રિટનમાં પ્રોટેસ્ટંટની શરૂઆત થઇ. તેમાં મેથોડિસ્ટ ચર્ચે પાયાનું કામ કર્યું હતું. ઓલિવર ક્રોમવેલના સમયમાં (1666માં) રાજાશાહી સામે બળવો થયો અને રાજાની કતલેઆમ કરવામાં આવી. બસ, તે સમયથી બ્રિટિશ શાહી પરિવાર હંમેશા પ્રોટેસ્ટન્ટ હોવાનો આગ્રહ રખાય છે. આમ કેથલીક ધર્મી આયર્લેન્ડને પ્રથમ બ્રિટિશ કોલોની ગણી શકાય. જોકે સ્કોટલેન્ડમાં અલગ રાજા - પ્રજા અને શાસન પદ્ધતિ અમલમાં હતા.
1760 બાદ ઈંગ્લેન્ડના રાજાને સ્કોટલેન્ડના રાજાએ હરાવ્યા. જોકે ઈંગ્લેન્ડ કહો કે બ્રિટન મુત્સદ્દી તો ખરું જ. સ્કોટલેન્ડના રાજા ઈંગ્લેન્ડના શાસકો બની ગયા અને કાળક્રમે યુનાઇટેડ કિંગ્ડમ પ્રચલિત બન્યું. આ સાથે આપણે બીજી પણ એક વાત સમજીએ.
છાશવારે કહેવાય છે કે ભ્રષ્ટાચાર - લાંચરુશ્વત જેવી બદીઓ ભારતમાં પહેલેથી જ હતી. આ આરોપના તથ્યાતથ્યમાં પડ્યા વગર આપણે તેને બાજુ પર મૂકીએ, અને જરાક ભૂતકાળમાં ડોકિયું કરીએ. કંપની સરકાર નવા નવા સીમાડા સર કરતી હતી. દિલ્હીમાં 1850માં વોરન હેસ્ટીંગ્સ ગવર્નર જનરલ તરીકે કારભાર સંભાળતા હતા. સુપ્રસિદ્ધ લેખક વિલિયમ ડેલિરીમ્પલે પુરાવાઓ સાથે તેમના લેખોમાં પુરવાર કર્યું હતું કે કંપની સરકારના અધિકારીઓ રજવાડાઓ અને વેપારીઓ પાસેથી બેફામ લૂંટ ચલાવતા હતા. અને લૂંટના આ નાણાંથી ઈંગ્લેન્ડ તવંગર બની ગયું. વાચક મિત્રો, તમે આ તારણના આધારે તમે સમજી શકો છો કે વોરન હેસ્ટીંગ્સના કાર્યકાળ દરમિયાન ભારતમાં કેવી બેફામ લૂંટ ચલાવવામાં આવી હશે.
17મી સદીની વાત કરીએ તો, તે અરસામાં ભારત દુનિયામાં સૌથી સમૃદ્ધ દેશ ગણાતો હતો. જોકે 20મી સદીની શરૂઆતમાં તો ભારત સાવ નબળો, કંગાળ બની ગયો હતો, જ્યારે એક વેળાનું નબળું બ્રિટન તગડું અને સશક્ત બની ગયું હતું. કાળક્રમે યુનાઇટેડ કિંગ્ડમ વધુ સાંગોપાંગ બન્યું. બ્રિટિશ સામ્રાજ્ય વિસ્તર્યું. પણ ઉપરછલ્લું.
ફ્રાન્સ - બ્રિટન એકમેકના પડોશી રાષ્ટ્રો હોવા છતાં સૌથી વધુ વિખવાદ અને વિરોધ તેમના વચ્ચે જ રહ્યો છે એ પણ એટલી જ હકીકત છે. ફ્રાન્સ - જર્મની વચ્ચે સરહદ એક હોવા છતાં સૈકાઓથી યુદ્ધ થતા રહ્યાં છે. યુરોપમાં તે વેળાનું સૌથી મોટું યુદ્ધ 1870માં થયું, જે ઇતિહાસમાં ક્રિમિયન વોર તરીકે ઓળખાયું. એક બાજુ રશિયા હતું તો બીજી બાજુ, ઈંગ્લેન્ડ – ફ્રાન્સ. બેઉ બળિયા બાથે વળ્યા હતા એટલે ભીષણ યુદ્ધ નિશ્ચિત હતું. લોહિયાળ જંગ ખેલાયો. જાનમાલની વ્યાપક ખુવારી થઇ. રશિયા હાર્યું. ઈંગ્લેન્ડ - ફ્રાન્સની જોડી જીતી.
સન 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ ખેલાયું. ચાર વર્ષ ચાલ્યું. ઈંગ્લેન્ડ અને સવિશેષ તો ફ્રાન્સ - જર્મનીને ભારે નુકસાન થયું. હજારો નહીં, લાખોની જાનહાનિ થઇ. બહુ જ અફસોસની વાત છે કે બ્રિટિશ ઇતિહાસમાં આ વાતનો પૂરતો ઉલ્લેખ પણ નથી કે પ્રથમ વિશ્વ યુદ્ધમાં બ્રિટિશ ઇંડિયાના 21 લાખ સૈનિકો અને અન્ય માનવધનને અનુદાન આપ્યું હતું. રાજા-મહારાજાઓ, નાનામોટાં રજવાડાંઓએ ઈંગ્લેન્ડના ઇમરજન્સી ફંડમાં લાખો-કરોડો પાઉન્ડનું આર્થિક યોગદાન આપ્યું હતું. હિન્દુસ્તાનના કાઠિયાવાડ પ્રાંતમાં 222 રજવાડાં હતાં. આમાં પણ 70 રજવાડાંઓ જેવા કે, મોરબી, વાંકાનેર, ભાવનગર, જામનગર, ધાંગ્રધા વગેરેએ સેવા - સુશ્રુષા માટે ઈંગ્લેન્ડને ખોબલા ભરીને સહાય કરી હતી.
યુદ્ધ પૂરું થયાના થોડાક જ સમય બાદ બ્રાઇટન અને તેની આસપાસના વિસ્તારોમાં યુરોપમાં ઘવાયેલા હિન્દી સૈનિકોને હજારોની સંખ્યામાં રખાયા હતા. હિન્દુસ્તાનના રાજા-મહારાજાઓ, નવાબો - ખાનસાહેબોના આલિશાન નિવાસસ્થાન તે વિસ્તારમાં નજરે પડવા લાગ્યા હતા તે બ્રિટનને યુદ્ધ વેળા કરવામાં આવેલી અઢળક આર્થિક મદદનું જ પરિણામ હતું. હિન્દુસ્તાની રાજા-મહારાજાઓની સુવિધા માટે બ્રાઇટન અને લંડન વચ્ચે ટ્રેન દોડતી થઇ હતી. આજે મિડલ ઇસ્ટના અમીરોના ઠાઠમાઠ નિહાળીને બ્રિટનવાસીઓની આંખો પહોળી થઇ જાય છે, તે વેળાના લોકો હિન્દુસ્તાની રાજા-મહારાજાઓના ઠાઠમાઠ જોઇને અભિભૂત થઇ જતા હતા.
રાજકારણ તરફ પાછા ફરીએ તો, 1777માં યુનાઈટેડ કિંગ્ડમ બન્યું, તેમાં સ્કોટલેન્ડ, આયર્લેન્ડ અને વેલ્સનો પણ સમાવેશ થતો હતો. ત્યારબાદ આયર્લેન્ડ ટાપુમાં આઝાદીની માગ પ્રબળ બની. પ્રચંડ વિરોધ પ્રદર્શન થયા, હિંસક તોફાનો થયા. છેવટે ઈંગ્લેન્ડે 1921 માં આયર્લેન્ડના બે ટુકડા કર્યા - નોર્ધર્ન આયર્લેન્ડ અને સધર્ન આયર્લેન્ડ. નોર્ધર્ન આયર્લેન્ડમાં પાંચ પરગણાને સમાવાયા, તેમાં પ્રોટેસ્ટન્ટની બહુમતી છે. સર્ધર્ન આયર્લેન્ડમાં કેથલીકની જંગી બહુમતી છે તો નોર્ધર્ન આયર્લેન્ડમાં બે તૃતિયાંશ વસ્તી પ્રોટેસ્ટન્ટની છે. ઈંગ્લેન્ડના શાસકો દ્વારા ધર્મના ધોરણે ભાગલા દેશના ભાગલા કરવામાં હોંશિયાર છે એ હિન્દુસ્તાનીઓથી વધુ સારી રીતે કોણ સમજી શકવાનું? હિંદુસ્તાન સાથે પણ તેમણે આવું જ કર્યું છેને?!
શાંતિકરાર થયા અને પ્રથમ વિશ્વ યુદ્ધના પડઘમ શાંત પડ્યા. જોકે આ શાંતિ ઉપરછલ્લી હતી. વિશ્વ યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો જર્મની - ઇટલીમાં વિપ્લવની ભાવના સળવળતી હતી. શાંતિ કરાર પર હસ્તાક્ષર થવાની સાથે જ અશાંતિના બીજ રોપાઇ ગયા એમ કહીએ તો પણ તેમાં કશું ખોટું નથી.
1919માં પહેલું વિશ્વ યુદ્ધ પૂરું થયું, પરંતુ 1939માં બીજું વિશ્વ યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધ વધુ ભયાનક, વધુ વિનાશક પુરવાર થયું. જાનમાલની ભારે ખુવારી થઇ. વિશ્વ યુદ્ધમાં શરૂમાં બ્રિટન - ફ્રાન્સ અને મિત્રો દેશો સામેલ હતા તો બીજી બાજુ જર્મની - રશિયા અને મિત્ર રાષ્ટ્રો હતા. બીજા વિશ્વ યુદ્ધમાં શરૂઆતમાં અમેરિકા જોડાયું નહોતું. પણ વિન્સન્ટન ચર્ચિલની બાહોશી - દૂરંદેશી - મુત્સદ્દીગીરીના પરિણામે ૧૯૪૧ સુધીમાં અમેરિકા મિત્ર રાષ્ટ્રોની સાથે જોડાયું. વિપુલ સંપત્તિ - આધુનિક શસ્ત્રસરંજામ અને સૈનિકો આપ્યા.
1942માં જોતજોતામાં આ યુદ્ધમાં પૂર્વ ગોળાર્ધ જોડાયું. જાપાન સામ્રાજ્યવાદ સામે યુદ્ધે ચઢ્યું. આ જંગની જાપાનને બહુ ભારે કિંમત ચૂકવવી પડી. અમેરિકાએ હિરોશીમા - નાગાસાકી પર પરમાણુ બોમ્બ ઝીંક્યા. દુનિયામાં પહેલી વાર કોઇ દેશ સામે અણુબોમ્બનો ઉપયોગ થયો હતો, તેના ભયાવહ પરિણામો નિહાળીને સહુ કોઇ ધ્રુજી ગયા. અને બીજા વિશ્વ યુદ્ધનો અંત આવ્યો.
વાચક મિત્રો, આ સપ્તાહે કલમને વિરામ આપતાં પહેલાં આપ સહુને ખાસ યાદ અપાવવું રહ્યું કે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એક ગુલામ દેશ - બ્રિટિશ ઇંડિયાના હજારો લોકોએ પોતાના પર રાજ કરનારા દેશ કાજે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. અને આ આંકડો નાનોસૂનો નહોતો. 42 લાખ યુદ્ધમાં સામેલ થયા હતા. ગુલામ હિન્દુસ્તાનની તિજોરીએ બ્રિટિશ તિજોરીને 700 મિલિયન પાઉન્ડની લોન આપી હતી. સૈનિકોની સંખ્યા 25 લાખ જેટલી થઈ હતી. 72,000થી વધુ હિન્દીઓએ બ્રિટન માટે પ્રાણની આહૂતિ આપી હતી. બીજા શબ્દોમાં કહું તો, આ દેશની ‘આઝાદી ’કાજે ‘આપણે’ પણ લોહી વહાવેલું છે તે કદી નહીં ભૂલશો નહીં. (ક્રમશઃ)

