ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો નવા શિખર સર કરશે

Wednesday 21st June 2023 05:53 EDT
 

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મી જૂનથી અમેરિકાના પ્રવાસે જઇ રહ્યાં છે ત્યારે સમગ્ર વિશ્વની નજર ભારત અને અમેરિકાના સંબંધો પર કેન્દ્રિત બની છે. એક જમાનામાં પાકિસ્તાનને કાખમાં બેસાડીને ફરનારો અમેરિકા આજે ભારતને અછોવાના કરી રહ્યો છે. અમેરિકાને ભારત પર આટલો પ્રેમ કેમ ઉભરાઇ રહ્યો છે તે પણ એક વિચાર માગી લેતો સવાલ છે. 20મી સદીમાં વિશ્વમાં અમેરિકાને પડકાર આપે તેવો એક જ દેશ સોવિયેત સંઘ હતો. બંને દેશ વચ્ચે દાયકાઓ સુધી ચાલેલા શીતયુદ્ધમાં પરમાણુ સક્ષમતા અને સર્વોપરિતા કેન્દ્ર સ્થાને રહી હતી. ભારતીય ઉપખંડમાં સોવિયેત સંઘના પ્રભુત્વને ખાળવા અમેરિકાએ પાકિસ્તાનને વર્ષો સુધી અછોવાના કર્યાં અને તેની આતંકવાદી પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કર્યાં જેના દુષ્પરિણામો ભારત આજ સુધી ભોગવતો રહ્યો છે. પરંતુ હવે 21મી સદીમાં પરમાણુ સર્વોપરિતાને કોઇ સ્થાન નથી રહ્યું. વૈશ્વિક ફલક પર આર્થિક અને ટેકનોલોજીકલ સર્વોપરિતાની જ તૂતી બોલી રહી છે. સોવિયેત સંઘના વિઘટન બાદ એશિયામાં ચીન એક આર્થિક અને લશ્કરી મહાસત્તા તરીકે ઊભરી આવ્યો છે તેથી અમેરિકાને પોતાની ચાલ બદલવાની ફરજ પડી છે. એશિયામાં ચીનને ટક્કર આપી શકે તેવી આર્થિક અને લશ્કરી તાકાત એકમાત્ર ભારત જ છે એ વાત અમેરિકી સત્તાધીશો સુપેરે જાણે છે. છેલ્લા એક દાયકામાં વડાપ્રધાન મોદીના મક્કમ નેતૃત્વમાં ભારતે સાધેલા આર્થિક વિકાસ, આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં ભારતની વધેલી વગ, અમેરિકાને ભારત સાથેના સંબંધો મજબૂત બનાવવા મજબૂર કરી રહ્યાં છે. ચીન સામે એશિયામાં મજબૂત પ્રતિસ્પર્ધી ઊભો કરવા જ ખંધો અમેરિકા અત્યારે ભારતને તમામ પ્રકારની લશ્કરી અને આર્થિક સહાય આપવા તત્પર બન્યો છે. ભારત માટે પણ અમેરિકા સાથેના સંબંધો લાભકારક છે. આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં કોઇ લાલો લાભ વગર લોટતો નથી. એશિયામાં અમેરિકાને ભારત સાથેના સંબંધોમાં લાભ જણાઇ રહ્યો છે તો ભારતને પણ ચીન જેવા આર્થિક અને લશ્કરી રીતે મજબૂત દેશ સામે ટક્કર ઝીલવા માટે અમેરિકા જેવી મહાસત્તાના સાથની જરૂર છે. પારસ્પરિક અને સામરિક હિતોએ ભારત અને અમેરિકાને અત્યંત નજીક લાવી દીધાં છે. પીએમ મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન આ સંબંધો વધુ મજબૂત બનશે અને નવા શિખરો સર કરશે.


comments powered by Disqus