મોદીના આગમન પૂર્વે અમેરિકાએ ગ્રીન કાર્ડ નિયમો હળવા કર્યા

Wednesday 21st June 2023 06:33 EDT
 
 

વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ત્રણ દિવસના પ્રવાસે ન્યૂ યોર્ક પહોંચ્યા તેની પૂર્વસંધ્યાએ અમેરિકાએ ગ્રીન કાર્ડના નિયમો હળવા કર્યા છે.
બાઇડેન વહીવટી તંત્રે સોમવારે ગ્રીન કાર્ડ માટેની યોગ્યતાના માપદંડો વિષયે નવી માર્ગદર્શક નીતિ જારી કરી હતી. અમેરિકામાં કામ કરવા અને રહેવા ગ્રીન કાર્ડની પ્રતિક્ષા કરી રહેલા લોકો માટે આ સારા સમાચાર છે. પ્રમુખ જો બાઇડેન અને પ્રથમ મહિલા જિલ બાઇડેને આપેલા નિમંત્રણને પગલે વડા પ્રધાન મોદી 21 થી 24 જૂન અમેરિકાના પ્રવાસે છે. બાઇડેન દંપતીએ 22 જૂનના રોજ વડા પ્રધાન મોદીના માનમાં ભોજન સમારંભ યોજ્યો છે. મોદી 22 જૂનના રોજ અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને પણ સંબોધશે.
વડા પ્રધાન મોદીની અમેરિકી મુલાકાતના ગણતરીના દિવસ પહેલાં અમેરિકી સિટિઝનશીપ અને ઇમિગ્રેશન સેવા સત્તાવાળાએ ગ્રીન કાર્ડ માટેની યોગ્યતા અનુસંધાનમાં નવી માર્ગદર્શક નીતિ જારી કરી છે જેથી અમેરિકામાં કાયમી વસવાટ કરીને કામ કરવા ઇચ્છતા ભારતના હજારો ટેકનોલોજી વ્યવસાયીઓને તેથી
મદદ મળશે.
અમેરિકાના ઇમિગ્રેશન કાયદા દર વર્ષે નોકરી આધારિત અંદાજે 1,40,000 ગીન કાર્ડ ઇસ્યુ કરે છે. જોકે તે ગ્રીન કાર્ડ પૈકી એક જ દેશના માત્ર સાત ટકા નાગરિકોને તે ગ્રીન કાર્ડ મળવાપાત્ર હોય છે. નવા નિયમો અધિકારીઓને ડિસ્ક્રીશન પાવર આપે છે.
ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ ફાઉન્ડેશને અમેરિકી સત્તાવાળાના આ નિર્ણયને આવકાર્યો છે. ફાઉન્ડેશનનું કહેવું છે કે ગ્રીન કાર્ડ માટેની યોગ્યતાના નિયમો હળવા થતાં ભારતના આઇટી વ્યવસાયીઓને મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી બીજા ભારતીય પ્રધાનમંત્રી અને ત્રીજા મોટા નેતા છે, જેમને અમેરિકા દ્વારા આ પ્રકારે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અગાઉ 1963માં રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અને 2009માં મનમોહનસિંહ સત્તાવાર મુલાકાતે અમેરિકા ગયા હતા. આ જ કારણ છે કે વડા પ્રધાન મોદીની અગાઉની 7 યુએસ મુલાકાતોની સરખામણીમાં આ મુલાકાત ઘણી ખાસ છે.
21 જૂને સવારે ન્યૂ યોર્કના એન્ડ્ર્યુ એરબેઝ પર પહોંચ્યા બાદ અમેરિકામાં વસતા મૂળ ભારતીય અને ભાજપના સમર્થકો દ્વારા ફ્રીડમ પ્લાઝામાં વિશેષ સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં 160 કલાકાર દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધીની વેશભૂષામાં નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું. તો ન્યૂ યોર્કમાં યુએન કોમ્પ્લેક્સની નોર્થ લોનમાં ભારતીયો અને અમેરિકન નાગરિકો વચ્ચે ઇન્ટરનેશનલ યોગા ડેની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમો બાદ ન્યૂ યોર્કથી વોશિંગ્ટન જવા રવાના થયા હતા.
વડાપ્રધાન મોદી 22 જૂને સવારે વ્હાઇટ હાઉસ જશે, જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ ડો બાઇડન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડન દ્વારા મોદીનું વ્હાઇટ હાઉસમાં સ્વાગત કરાશે. વ્હાઇટ હાઉસમાં બાઇડેન અને મોદી વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થશે.
23 જૂને વડાપ્રધાન મોદી સવારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન સાથે મુલાકાત કરશે અને બંને દેશની વિદેશનીતિ અંગે ચર્ચા થશે. બપોરે લંચ પછી 4થી 6 દરમિયાન વોશિંગ્ટન ડીસીમાં કેનેડી સેન્ટરમાં અમેરિકન-ઇન્ડિયન બિઝનેસ કાઉન્સિલની મિટિંગમાં ભાગ લેશે અને અમેરિકાની કંપનીના CEO અને ઉદ્યોગપતિઓને મળશે.
5 હજાર ડોલરની ટિકિટના 25 હજાર ડોલર
વડા પ્રધાન મોદી રોનાલ્ડ રેગન સેન્ટરમાં સંબોધન કરવાના છે. આ સેન્ટરમાં 838 વ્યક્તિ બેસી શકે એટલી કેપેસિટી છે. એનાથી એક વ્યક્તિ પણ વધારે એન્ટ્રી ન લઈ શકે. આ કાર્યક્રમની જાહેરાત થતાં બે દિવસમાં જ 5 હજાર ડોલરની એક એવી 838 સીટનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું હતું.


comments powered by Disqus