યોગ સાધના જીવન જીવવાની એક કળા અને વિજ્ઞાન

Wednesday 21st June 2023 05:55 EDT
 

પૌરાણિક સમયથી ભારતમાં યોગ સાધના મહત્ત્વ રહ્યું છે. દેશ-વિદેશમાં યોગની સાધનાનું પ્રચલન દાયકાઓથી ચાલ્યું આવતું હતું પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા અપાવી. 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરાયા બાદ વર્ષ 2015થી દર 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે માનવીને સુદ્રઢ બનાવતા યોગનો પ્રારંભ પ્રાચીન ભારતમાં થયો હતો. યોગ સરળ અને પ્રાયોગિક વિજ્ઞાન હોવાની સાથે જીવન જીવવાની કળા પણ છે. હવે તો મેડિકલ સાયન્સ પણ પૂરવાર કરી ચૂક્યું છે કે નિયમિત યોગ સાધનાથી શારીરિક અને માનસિક તંદુરસ્તી પ્રાપ્ત થાય છે. સ્નાયુની મજબૂતી, હૃદયની તંદુરસ્તી, ડાયાબિટિસ નિયંત્રણ, બ્લડ પ્રેશર પર નિયંત્રણમાં યોગ દ્વારા ઘણા લાભ થાય છે. હાલની તણાવયુક્ત જીવનશૈલીમાં થાક, ચિંતા, તણાવ દૂર કરવામાં પણ યોગ સાધના સફળ પૂરવાર થઇ છે. યોગ સાધના માનવીને હકારાત્મક જીવનશૈલી તરફ દોરી જાય છે. યોગ દ્વારા શરીર અને મગજનું તબક્કાવાર ઘડતર થાય છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થતાં માનવ શરીર સંખ્યાબંધ રોગોનો સામનો કરવામાં સશક્ત બને છે. શરીર સુદ્રઢ બનતાં વ્યક્તિત્વ નીખરે છે. યોગના ગણ્યા ગણાય નહીં એટલા લાભ છે. મેડિકલ સાયન્સ પણ ચોક્કસ સ્થિતિમાં યોગ કરવાની દર્દીને સલાહ આપે છે. આપણા પૌરાણિક વિજ્ઞાન દ્વારા અપાયેલા ભવ્ય વારસાને હવે તો આંતરરાષ્ટ્રીય માન્યતા હાંસલ થઇ છે. સંયુક્ત રાષ્ટ્રથી માંડીને સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરી યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ મળી રહી છે. આ માટેનો શ્રેય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવો જ પડે. આચાર્ય રજનીશ (ઓશો) કહેતાં કે “ધર્મ એક એવું બંધન છે જે બધાને ખૂંટીએ બાંધે છે પરંતુ યોગ તમામ પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે.” યોગ એવું શસ્ત્ર છે જે માનવીને તંદુરસ્તીની સાથે દીર્ધાયુષ્ય આપવાની ક્ષમતા ધરાવતું વિજ્ઞાન છે. તેથી જ આજે સમગ્ર વિશ્વમાં યોગ સાધનાની બોલબાલા છે.


comments powered by Disqus