સત્તાવીશ સેન્ટરમાં યોજાયેલ ‘મીટ એન્ડ ગ્રીટ’ કાર્યક્રમમાં તમામ ગુજરાતી સમાજના નિવૃત્તોએ ભાગ લીધો

- કોકિલા પટેલ Wednesday 21st June 2023 06:31 EDT
 
 

શ્રી સત્તાવીશ પાટીદાર સમાજ દ્દારા દર મહિનામાં એકવાર સમાજના સિનિયર સિટીઝન્સ માટે "મીટ એન્ડ ગ્રીટ"નું આયોજન કરવામાં આવે છે. ગત બુધવારે બપોરે ૧૨ થી ૪ દરમિયાન સત્તાવીશ સેન્ટરમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ૬૦૦થી વધુ ૬૦થી ૯૫ વયના સિનિયર સિટીઝન્સ આવ્યા હતા. સમાજના ટ્રસ્ટી દશરથભાઇ પટેલ અને ચેરમેન જયેન્દ્રભાઇ પટેલ તેમજ ટ્રસ્ટી મંડળના સહકાર સાથે આયોજિત આ કાર્યક્રમમાં તમામ ગુજરાતી સમાજના નિવૃત્ત ભાઇ-બહેનો જોડાયા હતા. વર્ષોથી સમાજની સાથે સતત પ્રવૃત્ત રહી નવરાત્રિ તથા અન્ય પ્રસંગોએ તાજા પુષ્પોના હાર, બુકે, ગજરા કે વેણીઓ વિના મૂલ્યે ભેટ આપનાર રેનર્સલેન સ્થિત પ્રફુલાબહેન નરહરિભાઇ પટેલનું તાજેતરમાં નિધન થતાં એમની ત્રણેય દિકરીઓએ એમનાં સ્વર્ગસ્થ માતુશ્રીના પૂણ્યાર્થે નિવૃત્ત વડીલોને દર મહિને યોજાતા "મીટ એન્ડ ગ્રીટ" કાર્યક્રમમાં ફ્રી લંચ મળે એવું જાહેર કર્યું હતું. એ ઉપરાંત પ્રફુલાબહેનની દુબઇસ્થિત દિકરી ફાલ્ગુની સંજયભાઇ પટેલની ૨૯ વર્ષની દિકરી મમતા જેને ૨૩ વર્ષની વયે જીવલેણ હાર્ટએટેક આવ્યો ત્યારે ૨૦ મિનિટ બંધ પડેલા હ્દયને ડોકટરોએ ફરી ધબકતું કર્યું હતું પણ એ વખતે મમતા ત્રણેક મહિના કોમામાં સરી ગઇ હતી અને ફરી ભાનમાં આવી હતી પરંતુ એની કિડની, મગજ અને શરીર પર એની અસર થઇ જતાં એની કેરર દ્વારા સારસંભાળ કરવી પડે છે. ગત બુધવારે દુબઇમાં મમતાની ૨૯મી બર્થ ડે ઉજવાઇ એ વખતે સત્તાવીશ સેન્ટરમાં માસી પરિતા પટેલે છ ફૂટ લાંબી ફ્રેશ ક્રીમની કેક કાપી ત્યારે ઉપસ્થિત સૌએ લાગણીસભર બની મમતા જલ્દી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં વીરૂભાઇ વાકાણીના સંગીત ગ્રુપે જૂના-નવા હિન્દી ફિલ્મ ગીતો દ્વારા સૌને આનંદ કરાવ્યો હતો.
કાર્યક્રમના અંતે "મીટ એન્ડ ગ્રીટ"નું આયોજન કરનાર દશરથભાઇ પટેલે સહકાર આપનાર બેનાબેન, નીરંજનાબેન, ટીલુબેન, જ્યોત્સનાબેન, ત્રણ દક્ષાબેન પટેલ, કોકિલાબેન, હર્ષદભાઇ, પ્રફૂલભાઇ, વિનોદભાઇ, સુભાષભાઇ સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus