સિંગાપોરઃ કોવિડ-19 દરમિયાન ગુજરાતી મૂળની મહિલાને લાત મારનારા ચીની યુવકને હવે સજા મળનારી છે. સિંગાપોરમાં ચીની મૂળના એક યુવકે કોવિડ-19 મહામારી દરમિયાન યોગ્ય રીતે માસ્ક ન પહેરવા બદલ ભારતીય મહિલાને અપશબ્દો કહ્યા હતા અને લાત મારી હતી. મહિલા જ્યારે ઓફિસ જઈ રહી હતી ત્યારે તેની સાથે આ ઘટના બની હતી.
આ વ્યક્તિને મંગળવારે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 32 વર્ષીય વોંગ જિંગ ફોંગે મે 2021માં ચો ચુ કાંગમાં નોર્થવેલ પરિસરની પાસે 57 વર્ષીય નીતા હિંડોચાની સાથે મારપીટ કરી દુર્વ્યવહાર કર્યો હતો.
એક અગ્રણી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર વોંગને આગામી 31 જુલાઈએ સજા સંભળાવવામાં આવી શકે છે. સુનાવણી દરમિયાન નીતાએ કોર્ટમાં જુબાની આપી હતી કે તે ઝડપથી ચો ચુ કાંગ સ્ટેડિયમ જઈ રહી હતી તે સમયે તેનું માસ્ક નાકની નીચે હતું.
તે સમયે વોંગ અને તેની પ્રેમિકાએ નીતાને પાછળથી અવાજ આપી રોકી માસ્ક યોગ્ય રીતે પહેરવા જણાવ્યું હતું. તે સમયે સિંગાપોરના નિયમ અનુસાર ઝડપથી ચાલતી વખતે નાક અને મોંને માસ્કથી ઢાંકવામાંથી મુક્તિ મળી હતી.
નીતાએ વોંગ અને તેની પ્રેમિકાને સમજાવ્યાં હતાં કે તે ઝડપથી ચાલી રહી હોવાથી શ્વાસ ફૂલી જતાં તેને માસ્કથી મોં અને નાકને ઢાંક્યું નહોતું.

