અમારા માતૃસમાન વહાલા બેનની ચિરવિદાય

સુભાષ વી. ઠકરાર, B com FCA FRSA Thursday 23rd February 2023 01:30 EST
 
 

અમે જેમને વહાલથી બેન નામે બોલાવતા હતા, તેમણે લ્યુકેમીઆથી સર્જાયેલી ટુંકી બીમારી પછી સ્વર્ગધામે પ્રયાણ કર્યું છે. તેમનો આત્મા હવે આ મુશ્કેલ સમયમાંથી મુક્ત થઈ ગયો છે.
અમારા બેન, ચંદ્રિકા ઉનડકટનો જન્મ 2/4/46 ના દિવસે યુગાન્ડાના જિન્જા ખાતે થયો હતો. શરૂઆતમાં તેમનો ઉછેર કાકિરામાં થયો હતો. આરંભથી જ બેને કળા, ક્રાફ્ટ અને નોંધપાત્ર સર્જનાત્મક કૌશલ્ય દર્શાવ્યા હતાં. તેઓ ઘણી વખત ચિત્રો દોરતાં અને હાથબનાવટની વસ્તુઓ બનાવતાં હતાં. મને યાદ છે કે તેમણે પોતાના લગ્ન માટે એક લગ્નસાડી પણ ડિઝાઈન કરી હતી અને ઘણા લોકોએ તેની પ્રશંસા પણ કરી હતી.
અમારા સાત ભાઈબહેનોમાં બેન સૌથી મોટાં હતાં અને તેમણે અમારી બીજી માતાની ભૂમિકા ભજવી હતી. તેમણે અમારા બધાના ઉછેરમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી જેના અમે વિશેષ ઋણી છીએ.
બેન અમારી પડોશમાં જ રહેતા યુવાન સાથે પ્રેમમાં પડ્યાં હતા! જેઓ અમારા સુરેશભાઈ હતા અને તેમણે 26/6/66ના રોજ લગ્ન કર્યા હતા. આ લગ્નજીવન 56 વર્ષનું રહ્યું હતું! તેમના લગ્ન વખતે મારી ઉંમર માત્ર 11 વર્ષની હતી અને મેં તેમના લગ્નમાં ભાઈ તરીકે આશીર્વાદ આપ્યા હતા. આજે બે અદ્ભૂત સુંદર દીકરીઓ શિલ્પા અને અંજલિના માતાપિતા, બે મદદગાર જમાઈઓ પરેશ અને રાજ અને નિશ્ચિતપણે તેમના ગૌરવપૂર્ણ પૌત્રો શાન અને આર્યન સાથે પરિવાર સોહે છે.
તાજેતરમાં જ સુરેશભાઈ, શિલ્પા, અંજલિ, પરેશ અને રાજ તેમજ પૌત્રોએ અમારા બેનની સુશ્રુષા અને સારસંભાળ માટે અન્ય તમામ કામકાજ છોડી દીધું હતું. આ માટે અમે તેમના સદાકાળ ઋણી બની રહીશું. મને ખાતરી છે કે બેનના આશીર્વાદ તેમના માટે હંમેશાં વરસતા રહેશે.
અમારા બેનને ડાયાલિસિસ કરાવવું પડતું હોવાથી આરોગ્યની થોડી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. કિડની ટ્રાન્સપ્લાન્ટની શક્યતાની વાત આવી ત્યારે તેમના ભાઈબહેન તરીકે અમે બધા કિડનીદાન આપવા તૈયાર થઈ ગયા હતા પરંતુ, અમારો ભાઈ સંજય તેમાં પ્રથમ આવી ગયો. સંજયે પોતાની કિડની બેનને આપી અને તેમની તબિયતમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો. આ દિવસ 18 નવેમ્બર 2018નો હતો અને બેને પાછળના થોડા મહિનાઓ બાદ કરતા સુંદર અને આનંદિત જીવન પસાર કર્યું હતું. તેમને લ્યુકેમીઆનું નિદાન ખરેખર આશ્ચર્યજનક હતું અને તેમણે તદ્દન ખરાબ હાલતમાંથી ફરી ત્રણ મહિના તો સામાન્ય જીવન જેવી પરિસ્થિતિ પસાર કરી હતી. પરંતુ, કમનસીબે આ પછી તેમનું સ્વાસ્થ્ય ફરી બગડતું જ રહ્યું.
અમને અસંખ્ય મિત્રો અને સગાંસંબંધીઓ તરફથી સંદેશાઓ મળતા રહ્યા છે જેનો સૂર એક જ રહ્યો છે કે બેન તેમની સાથે સંપર્કમાં રહેતાં હતાં, તેમની સાથે વાતચીત કરતાં કે તેમંને સંદેશા પાઠવતાં હતાં. અમારા બેને સારાં બીજ વાવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે વધુ સારવાર નહિ કરાવવાનો પણ મક્કમ નિર્ધાર કર્યો હતો. તેમની પ્રાર્થનાસભામાં પણ અસંખ્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા અને છેવટ સુધી રોકાયા હતા. આ જ દર્શાવે છે કે અમારા બેન કેટકેટલાં હૃદયને સ્પર્શી શક્યાં હતાં.
અમારા ઘણા પારિવારિક મિત્રો બેનનાં ચહેરાં પર સતત રમતાં સ્નેહાળ સ્મિત અને પ્રેમ અને કાળજી દર્શાવવાની ઈચ્છાને યાદ કરતા રહ્યા છે.
અમારા માટે તો બેને આશરે 10 વર્ષ પહેલાં બાનું સ્થાન મેળવી લીધું હતું. તેઓ અમારી માતા સમાન જ હતાં જેમણે અમને ઊંડાણપૂર્વક ચાહવા સાથે દેખભાળ કરી હતી. તેઓ એક સુંદર અને પવિત્ર આત્મા હતા જેમની સમક્ષ અમે હંમેશાં નતમસ્તક વંદન કરતા રહીશું.


comments powered by Disqus