અમેરિકા સતત યુક્રેનની સાથે જ રહી તમામ પ્રકારની સહાય કરશે: બાઈડેન

Wednesday 22nd February 2023 06:34 EST
 
 

કીવઃ રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેન અચાનક યુક્રેન પહોંચી ગયા. યુક્રેનમાં બાઇડેને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે મુલાકાત કરી તેમને બનતી તમામ મદદ કરવાની તૈયારી દર્શાવી છે. બાઇડેને જેલેન્સ્કીને કહ્યું કે, ‘અમેરિકા સતત યુક્રેનની સાથે ઊભું છે.’ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં છ, ત્યારે બાઇડેનની એકાએક યુક્રેન મુલાકાતને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
અનેક મોટાં એલાન થશે
અમેરિકન પ્રેસિડેન્સની અચાનક જ યુક્રેન મુલાકાત એક સરપ્રાઇઝ વિઝિટ હતી, કારણ કે આ પહેલાં આ અંગેનો કોઈ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નહોતો. હવે જ્યારે બાઇડેન કીવ પહોંચ્યા છે, ત્યારે યુક્રેનને નવેસરથી મદદ કરવામાં આવશે. જો કે આ અંગે બાઇડેને એક નિવેદન જાહેર કરી જણાવ્યું કે, અમેરિકા સતત યુક્રેનના સમર્થનમાં ઊભું છે અને તેને તમામ પ્રકારની સહાયતા આપવામાં આવશે.
બાઇડેનનો પુતિન માટે સંદેશ
જો બાઇડેને કહ્યું કે, એક વર્ષ પહેલાં વ્લાદિમીર પુતિનને લાગ્યું હતું કે, યુક્રેનને તે સરળતાથી હરાવી દેશે અને પશ્ચિમી દેશો તરફથી તેમને કોઈ પડકાર ફેંકી શકશે નહીં, પરંતુ તેઓ સદંતર ખોટા સાબિત થયા છે. બાઇડેને વધુમાં જણાવ્યું કે, તેઓ યુક્રેનની મદદ માટે અન્ય મહત્ત્વનાં એલાન પણ કરશે, જેમાં હથિયાર, જરૂરી સંસાધનો પણ સામેલ છે. રશિયા સામે પડકાર એટલા માટે પણ વધવાનો છે, કારણ કે બાઇડેને એલાન કર્યું છે કે અમેરિકા યુક્રેનને એર સર્વેલન્સ રડાર પણ આપશે, જેનાથી યુક્રેનની હવાઇ શક્તિમાં અનેકગણો વધારો થશે. બાઇડેને તે તમામ દેશોને પણ ચેતવણી આપી છે, જે પાછળથી રશિયાને યુદ્ધમાં મદદ કરી રહ્યા છે.
હવે યુક્રેનની બદલાશે પરિસ્થિતિ
અહીં એ જાણવું જરૂરી છે કે રશિયા દ્વારા સતત યુક્રેનના અનેક વિસ્તારોમાં હવાઇ હુમલા કરાઈ રહ્યા છે. આ હવાઈ હુમલાને પહોંચી વળવા માટે જેલેન્સ્કીએ અનેક દેશો પાસેથી મદદ માગી હતી. જેલેન્સ્કી વધારે આધુનિક હથિયાર ઇચ્છે છે. આ વલણથી જેલેન્સ્કી દ્વારા સાફ સંદેશ આપી દેવામાં આવ્યો છે કે કોઈપણ કિંમત પર તેઓ દ્વારા આત્મસમર્પણ કરવામાં નહીં આવે. આ સ્થિતિથી સાબિત થઈ ગયું છે કે યુક્રેનને અમેરિકા દ્વારા વધુ અને આધુનિક હથિયાર મળી રહે છે તો યુદ્ધ લાંબું ખેંચાશે અને રશિયા માટે મોટો પડકાર ઊભો થશે.


comments powered by Disqus