એરો ઇન્ડિયામાં રૂ. 80,000 કરોડના કરારઃ 266 ભાગીદારીની જાહેરાત

Friday 24th February 2023 05:33 EST
 
 

બેંગલૂરુ: મહાનગરના આંગણે યોજાયેલા એશિયાના સૌથી મોટા એર શો એરો ઇન્ડિયામાં આશરે રૂ. 80,000 કરોડની કુલ 266 ભાગીદારીઓ થઈ છે. તેમાં 201 એમઓયુ (સમજૂતી કરાર), 53 મોટી જાહેરાતો અને નવ નવી પ્રોડક્ટ્સના લોન્ચિંગનો સમાવેશ થાય છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ (એચએએલ) અને ફ્રાન્સની સેફ્રન હેલિકોપ્ટર એન્જિન વચ્ચે સમજૂતીપત્ર થયા છે. બંને કંપનીઓ હેલિકોપ્ટર એન્જિનના ડિઝાઇન, ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ માટે સંયુક્ત સાહસની સ્થાપના કરશે. ‘બંધન’ નામના સમારંભમાં કરારો અને એમઓયુ પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરાયા હતા. આ કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભારતીય સંરક્ષણ ઉદ્યોગોના ટોચના નેતાઓ અને વરિષ્ઠ લશ્કરી અધિકારીઓએ હાજરી આપી હતી.
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘બંધન’ સમારોહમાં 201 એમઓયુ, 53 ભાગીદારીની ઘોષણા, નવ પ્રોડક્ટ લોન્ચ અને ત્રણ ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી (ટીઓટી) સહિત 266 ભાગીદારીનું નિર્માણ થયું હતું. આ ભાગીદારી કુલ રૂ. 80,000 કરોડની છે. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (બીઇએલ) અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (એડીએ)એ પણ એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (એએમસીએ) માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
એરો ઈન્ડિયામાં લોન્ચ કરાયેલ પ્રોડક્ટમાં શોર્ટ રેન્જની જમીન પરથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ (ભારત ડાયનેમિક્સ લિમિટેડ)નો સમાવેશ થાય છે. તે નેક્સ્ટ જનરેશન, જહાજ-આધારિત, ઓલ વેધર એર ડિફેન્સ મિસાઇલ છે, જેનો ઉપયોગ વિમાનો અને માનવરહિત એરિયલ વ્હિકલ જેવા સુપરસોનિક ટાર્ગેટ સામે નૌકાદળ કરી શકે છે. આ મિસાઇલથી ત્વરિત પ્રતિક્રિયા આપી શકાય છે. આ મિસાઈલમાં ધુમાડારહિત પ્રોપલ્શન સિસ્ટમ છે, જે દરેક હવામાનમાં કાર્યક્ષમ છે.
700થી વધુ કંપની, 100 દેશના ડેલિગેટ્સ
ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા વિકસિત સેમી એક્ટિવ લેસર સીકર આધારિત એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલને પણ લોન્ચ કરાઈ હતી. તે લોન્ચિંગ ટ્યુબ સાથે 23 કિગ્રાની છે. આ મિસાઇલ ટેન્ક અને ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હિકલ જેવા ટાર્ગેટને નષ્ટ કરી શકે છે. એરો ઈન્ડિયાની 14મી આવૃત્તિનું 13 ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું અને તેમાં 700થી વધુ સંરક્ષણ કંપનીઓ અને લગભગ 100 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
ન્યૂ ઇંડિયાનું ન્યૂ ડિફેન્સ સેક્ટર
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહેએ કહ્યું કે એરો ઈન્ડિયાએ વિશ્વને ‘ન્યૂ ઈન્ડિયા’નું ‘ન્યૂ ડિફેન્સ સેક્ટર’ દર્શાવ્યું છે. દેશનું સંરક્ષણ ક્ષેત્ર વિશ્વના અગ્રણી દેશોના સંરક્ષણ ક્ષેત્રો સાથે સંપૂર્ણપણે તાલ મિલાવવા માટે સજ્જ બન્યું છે. એરો ઇન્ડિયાએ ભારતીય સંરક્ષણ ઉદ્યોગને મજબૂત કરવાનો માર્ગ મોકળો કર્યો હોવાનું જણાવતાં તેમણે તેને ‘આત્મનિર્ભરતા’ના નવા યુગની શરૂઆત ગણાવી હતી. રાજનાથ સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ક્ષેત્ર નવી ઉર્જા અને સંકલ્પ સાથે પ્રગતિના પંથે મજબૂત રીતે આગળ વધશે. એરો ઇન્ડિયામાં થયેલા એમઓયુ અને ટેકનોલોજી ટ્રાન્સફર એગ્રીમેન્ટ્સ ભારતમાં સંરક્ષણ ઉત્પાદન માટે નવી શરૂઆત થશે.


    comments powered by Disqus