ધ ભવન દ્વારા ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સંગીતનો અનોખો ‘ત્રિવેણી’ યુવા ઉત્સવ

Wednesday 22nd February 2023 04:57 EST
 
 

ધ ભવન, લંડન દ્વારા ફેબ્રુઆરી 2023ના બે વીકેન્ડના ગાળામાં હાલ સંસ્થામાં તાલીમ મેળવી રહેલા યુવા કળાકારો પર કેન્દ્ર્રિત અનોખા ઉત્સવના પ્રથમ ભાગનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ ભવનના વિવિધ વિષયોના નિવાસી શિક્ષકોએ તેમના શિષ્યોએ ભારતીય શાસ્ત્રીય કળાશૈલીઓમાં મેળવેલી સઘન તાલીમનું પ્રદર્શન કરાવ્યું હતું. આ ઉત્સવ 11, 12 અને 19 ફેબ્રુઆરીએ યોજાયો હતો.

ઉત્સવના પ્રથમ દિવસે હિન્દુસ્તાની કંઠ્ય, તબલા અને સિતારની તાલીમ લેતા શિષ્યોએ રજૂઆત કરી હતી જ્યારે બીજા દિવસે કર્ણાટકી કંઠ્ય, વીણા અને કર્ણાટકી વાયોલિનની તાલીમ લેતા શિષ્યોએ તેમની કળા દર્શાવી હતી. ઉત્સવના આખરી દિવસે ઉભરતી પ્રતિભાઓ દ્વારા ઓડિસી, કથક અને ભરતનાટ્યમ નૃત્યો રજૂ કરાયાં હતાં.

ઉત્સવના ત્રણે દિવસ ભારે સફળ પુરવાર થયા હતા અને ગુણવત્તાપૂર્ણ પરફોર્મન્સીસ નિહાળી ઓડિયન્સ ઝૂમી ઉઠ્યું હતું. પોતાના માટે જ ખાસ તૈયાર કરાયેલા ઉત્સવમાં પોતાની પ્રતિભાને રજી કરવાની અમૂલ્ય તક મળવાથી શિષ્યોએ પણ કૃતકૃત્યતા અનુભવી હતી.

આ ઉત્સવ દ્વારા ધ ભવન ચોક્કસ સ્તરનું કૌશલ્ય પ્રાપ્ત કરનારા અને મજબૂત કળાકાર તરીકે કળાવિશ્વમાં પોતાનું સ્થાન હાંસલ કરવા તત્પર વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ આપવાનો હેતુ ધરાવે છે. ભવન દર વર્ષે આવો ઉત્સવ યોજવા અને ભારતીય શાસ્ત્રીય કળાશૈલીની ઉભરતી પ્રતિભાઓને પ્રદર્શિત કરી પ્રોત્સાહિત કરવાની આશા ધરાવે છે. સંસ્થા આ શિષ્યોને આપણી કળાઓના ભાવિ પથપ્રદર્શક તરીકે નિહાળવાનું ગૌરવ દર્શાવે છે.


    comments powered by Disqus