નરેન્દ્ર મોદી પરની બીબીસી ડોક્યુમેન્ટરી ‘કમનસીબ, કવેળાની અને ખોટી માહિતી ધરાવનારી’ઃ લોર્ડ રેમી રેન્જર

વડા પ્રધાન મોદી જે કરી રહ્યા છે તે 100 જ્યોર્જ સોરોસ પણ કદી કરી શકશે નહિ

Wednesday 22nd February 2023 05:54 EST
 
 

નવી દિલ્હી, લંડનઃ યુકે પાર્લામેન્ટના હાઉસ ઓફ લોર્ડ્સના અગ્રણી સભ્ય લોર્ડ રેમી રેન્જરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરની બીબીસી ડોક્યુમેન્ટરીની આકરી ટીકા કરતા તેને ગણ્યાગાંઠ્યા લોકોના ખોટા વર્ણનો પર આધારિત ‘કમનસીબ, કવેળાની અને ખોટી માહિતી ધરાવનારી’ ગણાવી છે. લોર્ડ રેન્જરે જણાવ્યું હતું કે બીબીસીએ ભારત અને યુકે વચ્ચે વધી રહેલા સંબંધોમાં ફાચર મારવાનું કામ કરવું ન જોઈએ. ANI સાથેના ઈન્ટરવ્યૂમાં લોર્ડ રેન્જરે હિન્ડેનબર્ગ-અદાણી વિવાદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંદર્ભે બિલિયોનેર હંગેરિયન-અમેરિકન ઈન્વેસ્ટર જ્યોર્જ સોરોસને ઝાટકી કાઢતા સોરોસને ‘એટેન્શન સીકર’ ગણાવ્યા હતા.
ગુજરાતમાં 2002ના ગોધરા રમખાણોના કેસમાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા અપાયેલી ક્લીન ચિટને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખી હોવાનો ઉલ્લેખ કરતા લોર્ડ રેમી રેન્જર CBE, બેરોન ઓફ મેફેર, હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા જણાવાયું હતું કે તેમણે આ ડોક્યુમેન્ટરી વિશે બીબીસીને અગાઉ લખીને તેને ગણ્યાગાંઠ્યા મોદીવિરોધી લોકોના વર્ણનો પર આધારિત ‘કમનસીબ, કવેળાની અને ખોટી માહિતી ધરાવનારી’ ડોક્યુમેન્ટરી ગણાવી હતી. તેઓએ મોદીને ખરાબ ચીતરવા કદી ભારત કે મોદી અને સરકારની તરફેણ મનહિ કરનારા અરુંધતી રોય જેવાં લોકોનો અભિપ્રાય મેળવ્યો હતો. વડા પ્રધાન મોદીને જ્યારે નિર્દોષ ઠરાવાયા છે ત્યારે આવા મખોટા દસ્તાવેજો બહાર લાવવાનો બીબીસીને કોઈ અધિકાર નહિ હોવાનું પણ લોર્ડ રેન્જરે લખ્યું હતું.
લોર્ડ રેન્જરે જણાવ્યું હતું કે, ‘સુપ્રીમ કોર્ટ સહિત તમામ અદાલતોએ તેમને નિર્દોષ ઠરાવ્યા હતા અને તે પછી તેમણે બે ચૂંટણીઓમાં વિજય હાંસલ કર્યો હતો જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે. પરંતુ, કમનસીબે મોદીની સફળતા, ભારતની સફળતા ઘણા લોકોને પચતી નથી. તમે જાણો છો તેમ બીબીસી હંમેશાં ઘરઆંગણાના ઓડિયન્સને સારું લગાડવા માટે વિદેશના સમાચારો લાવે છે. પરંતુ, આ વખતે ભારત તેમ ચલાવી લેશે નહિ.’ તેમણે આશા વ્યક્ત કરી હતી કે બીબીસી બોધપાઠ લેશે અને ભારત-યુનાઈટેડ કિંગ્ડમ વચ્ચે દ્વિપક્ષી સંબંધોને અસર કરે તેવી દિશામાં કામ નહિ કરે.
લોર્ડ રેમી રેન્જરે મ્યુનિખ સિક્યુરિટી કોન્ફરન્સમાં બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણીના સ્ટોકમાં પીછેહઠથી વડા પ્રધાન મોદી નબળા પડશે તેવું નિવેદન કરવા બદલ બિલિયોનેર ઈન્વેસ્ટર જ્યોર્જ સોરોસની ઝાટકણી કાઢી હતી. સોરોસે ‘લોકશાહીના પુનર્જન્મ’ વિશે પણ વાત કરી હતી. લોર્ડ રેન્જરે કહ્યું હતું કે ‘ભારત આર્થિક પ્રગતિ સાધી રહ્યું છે ત્યારે ઈર્ષા અને દુશ્મનીની શક્યતા વધી છે. વિશ્વભરમાં વડા પ્રધાન મોદીની પ્રશંસા થઈ રહી છે, સન્માન મળી રહ્યું છે ત્યારે તેમની ક્યાંક ટીકા પણ થવાની છે. આ અપેક્ષિત જ છે. આ એક ધ્યાન ખેંચવાનો માર્ગ છે અને સોરોસ શરૂઆતથી આમ કરી રહ્યા છે. વડા પ્રધાન મોદી જે કરી રહ્યા છે તે 100 જ્યોર્જ સોરોસ પણ કરી શકશે નહિ. ખુરશીમાં બેસીને આગાહીઓ કે ટીપ્પણીઓ કરવી સહેલી છે પરંતુ, 1.4 બિલિયનની વસ્તી, અનેક ધર્મો અને સંસ્કૃતિઓ, જાતિઓ સાથેના ભારત દેશનો વહીવટ કરવો ઘણો મુશ્કેલ છે.’ લોર્ડ રેન્જરે ઉમેર્યું હતું કે કોવિડ-19 સામેની લડાઈમાં ભારતના યોગદાન અને વેક્સિનનો પૂરવઠો પહોંચાડવામાં તેની ભૂમિકાને વિશ્વ ભૂલી શકે નહિ.


comments powered by Disqus