યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીના હસ્તે ખુલ્લું મૂકાશે - લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ – આફ્રિકા કોલિંગ

યુગાન્ડાના કમ્પાલામાં મુન્યોન્યોના સ્પેકે રિસોર્ટ એન્ડ કોન્ફરન્સ સેન્ટર ખાતે 19થી 22 માર્ચ દરમિયાન યોજાનારી લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) 2023 – આફ્રિકા કોલિંગનો મુખ્ય ઉદ્દેશ છે લોહાણા એન્ટ્રેપ્રીન્યોર્સ વચ્ચે વેપારને વધારવાનો અને ગુણવત્તાપૂર્ણ ઈન્વેસ્ટમેન્ટ્સને ગતિશીલ બનાવવાનો. LIBF મજબૂત કોમ્યુનિટી બિઝનેસ, ઈન્વેસ્ટમેન્ટ અને વેપારી સંબંધોના નિર્માણ માટે લોહાણા બિઝનેસીસના હિસ્સેદારો દ્વારા પ્રતિબદ્ધતાના પુનરુચ્ચારને આગળ વધારશે.

Wednesday 22nd February 2023 06:46 EST
 
 

1. સતીશ વિઠલાણી
ઈન્ટરનેશનલ લોહાણા મહાપરિષદના પ્રેસિડેન્ટ

‘લોહાણા પ્રોફેશનલ્સ અને બિઝનેસમેન પોતાના ક્ષેત્રોમાં ઘણી સારી કામગીરી બજાવી રહ્યા છે પરંતુ, કમનસીબે તેઓ એકબીજાને જાણતા નથી. એક સફળ એન્ટ્રેપ્રીન્યોર તેમના જ ક્ષેત્રના અન્ય સફળ એન્ટ્રેપ્રીન્યોરને જાણતો નથી. આફ્રિકાના ડોક્ટર્સ મુંબઈ, અમદાવાદ અથવા વિશ્વના અન્ય સ્થળોના ડોક્ટર્સ સાથે જોડાયેલા નથી. આવું જ ચિત્ર IT ક્ષેત્રમાં છે. આથી, તેઓ એકબીજાને જાણે તેવું પ્લેટફોર્મ આપવું અત્યંત આવશ્યક હતું. વિજયભાઈ કારીઆ, સુભાષભાઈ ઠકરાર અને તમામ સભ્યો સાથે મારી શ્રેણીબદ્ધ ચર્ચાઓ થઈ હતી અને તેના પરિણામે લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમનો આરંભ થયો છે. દરેક જણ સાથે મળીને બિઝનેસ કરવાની શક્યતાઓ ચકાસી શકે છે. આપણે બ્રાન્ડ લોહાણા વિકસાવવા માગીએ છીએ જે તેની ક્વોલિટી માટે પ્રસિદ્ધ હશે. આફ્રિકા કોલિંગ આ બધાને એક છત તળે લાવશે. કોઈને ઈસ્ટ આફ્રિકામાં બિઝનેસ કરવાની ઈચ્છા હોય તો તેમને કોઈ પણ સાહસ માટે અપડેટ કરાશે, માર્ગદર્શન અને મદદ અપાશે. LIBF નું ઉદ્ઘાટન યુગાન્ડાના પ્રમુખ શ્રી યોવેરી મુસેવેનીના હસ્તે કરાશે અને તે આપણા બધા માટે બહુમાન બની રહેશે.’

2. લોર્ડ ડોલર પોપટ
યુગાન્ડા, રવાન્ડા અને ડીઆરસી માટે પ્રાઈમ મિનિસ્ટરના ટ્રેડ અને ઈન્વેસ્ટમેન્ટ રાજદૂત

‘હું તમામ લોહાણાને સતીશભાઈ વિઠલાણી દ્વારા સુઆયોજિત અને સુભાષભાઈ ઠકરાર દ્વારા સંકલિત આ અનોખા પ્રકારના ઈવેન્ટ માટે આમંત્રિત કરવા માગું છું. આપણે 3-4 દાયકાથી ગ્લોબલાઈઝેશન વિશે વાત કરતા આવ્યા છીએ. ગ્લોબલાઈઝેશનની પ્રથમ શરૂઆત લેક વિક્ટોરિયાના કિનારે કદમ મૂકવા સાથે થઈ અને માધવાણી અને મહેતા પરિવારો 1980ના દાયકાથી ત્યાં છે. આથી, આપણે લોહાણા તો ગ્લોબલ-વૈશ્વિક જ છીએ અને વિશ્વના કોઈ પણ ખૂણે તમને લોહાણા જોવા મળશે. આપણા માટે સારી બાબત એ છે કે આપણે વેપારીવર્ગના લોકો છીએ અને બિઝનેસમાં આપણે હંમેશાં શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરીએ છીએ.
આપણે એકબીજાને મળીએ અને કેવી રીતે એકબીજાના પૂરક બની રહીએ તે વિચારીએ તે સૌથી મહત્ત્વની વાત છે. બીજી વાત એ છે કે પાર્લામેન્ટમાં આફ્રિકા ખંડ મારા વિશેષ રસનો વિષય છે. એ ખંડને હું ચાહું છું, જ્યાં વિશ્વની વસ્તીના 17 ટકા એટલે 1.3 બિલિયન લોકો વસે છે. આ 1.3 બિલિયન લોકો આગામી 30 વર્ષમાં બમણા થઈ જશે અને વિશ્વની વસ્તીના 25 ટકા લોકો આફ્રિકામાં હશે. હાલ, આફ્રિકાનો GDP 3 ટકા છે. આગામી 30-40 વર્ષમાં બિઝનેસીસ માટે આફ્રિકાની ગર્ભિત ક્ષમતાની કલ્પના કરી શકો છો. હું માનું છું કે આફ્રિકા વેપાર અને રોકાણ માટેનો આગામી મોરચો છે. આફ્રિકાની જમીન ઘણી ફળદ્રૂપ છે. આ ખંડનું કદ 30 મિલિયન સ્ક્વેર કિલોમીટર છે. કામ કરવા, રહેવા અને વેપાર કરવા માટે આ ખંડ અદ્ભૂત છે. ભૂતકાળમાં લોહાણાઓએ આ મહાન આફ્રિકા ખંડમાં સફળ થવાનું સારું ઉદાહરણ પુરુ પાડ્યું છે. આથી, હું આપણે બધા આ મહત્ત્વપૂર્ણ કાર્યમાં સામેલ થઈએ તે નિહાળવા ઉત્સુક છું. આપણી કોમ્યુનિટી માટે આ સીમાચિહ્ન બની રહેશે. આપણે ખરેખર ગ્લોબલ છીએ અને આપણે તે વારસો આપણી આગલી પેઢીને આપવા ઈચ્છીએ છીએ.’

3. વિજય કારીઆઃ
LMP બિઝનેસ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન

‘લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમનો આ પ્રકારનો સૌથી અનોખો અને પ્રથમ પ્રયાસ છે. સ્પોન્સરશિપ અને એક્ઝિબિશનની વિપૂલ તક છે. વ્યૂહાત્મક અને વિશ્વાસપાત્ર સંબંધોના નિર્માણ અને મૂલ્યોના સર્જન માટે આ મજબૂત માધ્યમ બની રહેશે. આફ્રિકન અને અન્ય કંપનીઓ, ઈન્વેસ્ટર્સ અને અન્ય હિસ્સેદારો વચ્ચે આમનેસામને બેઠકોનું આયોજન કરાશે. કંપની અથવા સંસ્થાને અગ્રણી બિઝનેસીસ અને ચાવીરૂપ સરકારી અધિકારીઓ સમક્ષ પ્રદર્શિત કરવા શ્રેણીબદ્ધ નેટવર્કિંગ અને એક્ઝિબિશન સેન્ટર પ્રાપ્ય રહેશે. ઈન્વેસ્ટમેન્ટ્સ, આયાત અને નિકાસ માટેના બજારો માટે આશાજનક સેક્ટર્સની પરખ મેળવવા તેમજ બિઝનેસની તક, સરકારી નીતિઓ અને સફળતાની કથાઓ સાંભળવા વેપાર અને બિઝનેસ સંગઠનો અને સરકારી એજન્સીઓ સાથે આદાનપ્રદાન કરવા મળશે. સમર્પિત વર્કશોપ આફ્રિકા અને અન્ય બજારો સાથે કેવી રીતે વેપાર કરવો તેના પર કેન્દ્રિત હશે. આ ફોરમ નેટવર્કિંગ અને સોદાઓ કરવા માટે ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ પુરું પાડશે.’

4. સુભાષ ઠકરાર
લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમના કન્વીનર, LCCIના પૂર્વ ચેરમેન

‘અમે આ ઈવેન્ટ થકી લચકદાર અને ટકાઉ પાર્ટનરશિપ્સનું નિર્માણ કરતા રહેવા માગીએ છીએ. યુગાન્ડાના મિનિસ્ટર્સ અને અન્ય જાહેર અધિકારીઓ, એમ્બેસેડર્સ, ગ્લોબલ લોહાણા કોમ્યુનિટીના અગ્રણીઓ, આફ્રિકન કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો પાસેથી ઉચ્ચ ગુણવત્તાના ઈન્વેસ્ટમેન્ટ્સને ગતિશીલ બનાવવાની વ્યૂહરચના વિકસાવવા અને આગળ વધારવા તેમજ ગ્લોબલ લોહાણા એન્ટ્રેપ્રીન્યોર્સ માટે
ટકાઉ અને સમાવેશી વૃદ્ધિને સપોર્ટ કરવા વેપારવૃદ્ધિના માર્ગો વિશે સાંભળવા મળશે. આ ફોરમ આફ્રિકન દેશોમાં પ્રાપ્ય તકોને એક છત હેઠળ એકત્ર થયેલા સંભવિત ગ્લોબલ લોહાણા ઈન્વેસ્ટર્સ સમક્ષ રજૂ કરશે.’
આફ્રિકન અને અન્ય દેશોમાં બિઝનેસ અને રોકાણો કરવા વિશે સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી લોહાણા બિઝનેસ ઈવેન્ટની રૂપરેખા
ચાર દિવસના આ ઈવેન્ટમાં આ બાબતોનો સમાવેશ થાય છેઃ
• સેક્ટર કેન્દ્રિત ઉચ્ચસ્ચરીય પેનલ ચર્ચા
• ઈન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ્સ માટે હાકલ અને સંબંધિત ચર્ચાસત્રો
• વર્કશોપ્સ અને સાઈડ ઈવેન્ટ્સ
• B2B અને B2G નેટવર્કિંગ
• પ્રદર્શન કેન્દ્ર (સ્ટેન્ડ્સ)
• યુગાન્ડામાં ફોરમ પહેલા અને પછીની મુલાકાતો અને બેઠકો
• ઘણી વધુ બિઝનેસ તકો
અપેક્ષિત પરિણામો
• આફ્રિકા અને અન્ય દેશોમાંથી એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ (આયાત-નિકાસ)ની ક્ષમતાઓ રજૂ કરવી
• આફ્રિકા અને અન્ય દેશોમાં પ્રવર્તમાન બિઝનેસ વાતાવરણ અને ઈન્વેસ્ટમેન્ટની હવા સંદર્ભે રોકાણકારોને ઊંડી સમજ પૂરી પાડવી તેમજ આ વિસ્તારોમાં ઈન્વેસ્ટમેન્ટને સાનુકૂળ બનાવવામાં સંકળાયેલા કાનૂની, નિયમનકારી, વહીવટી અને માળખાકીય ફ્રેમવર્ક્સની સમજ • વૈશ્વિક લોહાણા કોમ્યુનિટી માટે ઉચ્ચસ્ચરીય પ્લેટફોર્મ તેમજ પબ્લિક-પ્રાઈવેટ સંવાદ અને માળખાગત નેટવર્કિંગ પૂરા પાડવા • ફોરમ દરમિયાન ઈન્વેસ્ટમેન્ટ અને બિઝનેસ રિલેશન્સ માટે 100થી વધુ વિકાસક્ષમ પ્રોજેક્ટ્સ દર્શાવવા • વિવિધ પ્રોજેક્ટ્સ ધરાવતા ગ્લોબલ લોહાણા એન્ટ્રેપ્રીન્યોર્સ અને સંભવિત રોકાણકારો વચ્ચે B2B અને B2G મીટિંગ્સનું આયોજન જેથી ટકાઉ અને સ્થાયી વેપારી સોદા અને સંબંધો પાંગરી શકે.

કાર્યક્રમનું સ્થળ

સ્પેકે રિસોર્ટ એન્ડ કોન્ફરન્સ સેન્ટર અને મુન્યોન્યો કોમનવેલ્થ રિસોર્ટ લેક વિક્ટોરિયાના કિનારા પર 100 એકરની પ્રાઈમ જમીન પર આવેલા છે. આ સહિયારી પ્રોપર્ટી એન્ટેબી ઈન્ટરનેશનલ એરપોર્ટથી માત્ર 30 મિનિટના અંતરે આવેલી હોવાથી વિવિધ પ્રકારની મીટિંગ્સ, સમિટ્સ, સેમિનાર્સ અને લગ્નપ્રસંગો માટે પસંદગીનું સ્થળ બની રહે છે. અસંખ્ય ઉચ્ચ સ્તરીય મીટિંગ્સ અને લગ્નપ્રસંગોના સફળ આયોજનો થયાં હોવાથી કસોટીની એરણ પર ખરું ઉતરેલું આ સ્થળ યુગાન્ડા દ્વારા ઓફર કરાતી સર્વશ્રેષ્ઠ પ્રોપર્ટી છે જે વિશ્વભરમાં પ્રતિષ્ઠા ધરાવે છે.
‘આફ્રિકા કોલિંગ’ હેઠળ આવરી લેવાયેલાં કેટલાંક સેક્ટર્સ
• એડવર્ટાઈઝિંગ અને સોશિયલ મીડિયા • એગ્રિકલ્ચર – કૃષિ ઉત્પાદનો • ઓટો સેક્ટર - 2, 3 અને 4 વ્હીલર્સ અને પૂર્જા-સામાન • બેન્કિંગ અને ફાઈનાન્સ • કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સ-ફર્ટિલાઈઝર્સ • એજ્યુકેશન – કૌશલ્યવિકાસ, ઈ-લર્નિંગ, વોકેશનલ ટ્રેનિંગ
• ઈલેક્ટ્રિકલ – કેબલ્સ, ટ્રાન્સફોર્મર્સ અને અન્ય ઈલેક્ટ્રિકલ સાધનો • ઈવેન્ટ મેનેજમેન્ટ • FMCG ઉત્પાદનો • ફૂડ અને ફાર્મિંગ – ઓર્ગેનિક ફૂડ અને ફાર્મિંગ, ફૂડ પ્રોસેસિંગ, સ્નેક્સ, વાંસના ઉત્પાદનો વગેરે. • ફર્નિચર – ઈન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ, રેસિડેન્શિયલ, હોસ્પિટલ, સ્કૂલ્સ • રત્નો અને જવેરાત • માઈનિંગ – મિનરલ્સ, ગ્લાસ અને સીરામિક્સ • હેન્ડીક્રાફ્ટ્સ • હેલ્થકેર – ડોક્ટર્સ, મેડિકલ પ્રોફેશનલ્સ, હોસ્પિટલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, સર્જિકલ ઈક્વિપમેન્ટ્સ, મેડિકલ ટુરિઝમ, લેબોરેટરીઝ, રિસર્ચ • હોસ્પિટાલિટી, ટ્રાવેલ અને ટુરિઝમ • આયાત અને નિકાસ - ટ્રેડિંગ • IT અને ડિજિટલ મીડિયા - સોફ્ટવેર, હાર્ડવેર, ITeS સર્વિસીસ, માર્કેટિંગ, ટ્રેનિંગ
• લોજિસ્ટિક્સ • પેપર અને સ્ટેશનરી • પ્લાસ્ટિક્સ

---------------------

‘આફ્રિકા કોલિંગ’ વિશે તમે જે જાણવા ઇચ્છો છો...

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
1. આ કાર્યક્રમનો ઉદ્દેશ શું છે?
લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ લોહાણા બિઝનેસીસને સાંકળવાનો અને બજારની તકો વિશે સલાહ-મસલતો કરવા તેમજ બિઝનેસીસ ભાગ લેનારા દેશોના નિયંત્રક અને નાણાકીય વાતાવરણને સારી રીતે સમજી શકે તેવા હે્તુસરની પહેલ છે. વૈશ્વિક લોહાણા બિઝનેસીસ અને ઈન્ડસ્ટ્રીઝના વિકાસ અને મજબૂતાઈ માટે બિઝનેસ હિસ્સેદારો સહયોગ સાધી શકે તે માટેનું અનોખું પ્લેટફોર્મ પુરું પાડે છે.

2. આ કાર્યક્રમ ક્યારે અને ક્યાં યોજાવાનો છે?
લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) 19 માર્ચથી 22 માર્ચ 2023 દરમિયાન યોજાશે. કાર્યક્રમનું સ્થળ યુગાન્ડાના કમ્પાલામાં મુન્યોન્યોના પ્રસિદ્ધ સ્પેકે રિસોર્ટ એન્ડ કોન્ફરન્સ સેન્ટર રહેશે. આ 2023ના સમિટમાં મુખ્ય વિષય ‘આફ્રિકા કોલિંગ’ તેમજ ઈસ્ટ આફ્રિકામાં બિઝનેસની તકો તથા સરહદ પારના બિઝનેસ, ઈન્વેસ્ટમેન્ટ અને સર્વિસીસને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે.

3. આફ્રિકા જ શા માટે?
વિશ્વમાં સૌથી ઝડપે વિકસતા 20 અર્થતંત્રોમાં 10 અર્થતંત્ર આફ્રિકન છે. આ સૌથી ઝડપે વિકસતા અર્થતંત્રોમાં પણ ઈસ્ટ આફ્રિકાના દેશોનો સમાવેશ થાય છે. કેન્યા 5.5 ટકાના દરે વિકસે છે, યુગાન્ડાએ ભૂતકાળમાં 7 ટકાનો વૃદ્ધિદર હાંસલ કર્યો છે, ટાન્ઝાનિયાએ 4.9 ટકાનો વૃદ્ધિદર મેળવ્યો છે, DRCનો વિકાસદર 6.3 ટકા રહેવાની સંભાવના છે અને રવાન્ડાનો વૃદ્ધિદર 7.2 ટકાનો છે. વિશ્વની વસ્તીમાં આફ્રિકા સૌથી યુવાન વસ્તી ધરાવે છે. સબ-સહરાન આફ્રિકન દેશોની 70 ટકા વસ્તી 30 વર્ષથી ઓછી વયની છે. વિશ્વમાં આફ્રિકા પ્રાકૃતિક સંપદાનો સૌથી વિશાળ ભંડાર ધરાવે છે જેમાં કિંમતી ધાતુઓની વિપુલતા તેમજ ઓઈલ અને અન્ય ખનિજોની વધતી શોધ મુખ્ય છે.આ તમામ ગર્ભિત ક્ષમતાઓથી આગળ, આફ્રિકામાં ભારતીય ડાયસ્પોરાનો અભૂતપૂર્વ ફેલાવો છે જે વિકાસશીલ અને વિકસિત બિઝનેસીસ વચ્ચે જીવંત સેતુ બની શકે છે. આ ફોરમ ઈસ્ટ આફ્રિકામાં બિઝનેસ અને ઈન્વેસ્ટમેન્ટની તકો પ્રદર્શિત કરવા સાથે ડેલિગેટ્સ તેમની કંપનીઓને આફ્રિકન બિઝનેસીસ માટે પ્રમોટ કરવાનું પ્લેટફોર્મ પુરું પાડશે. આ ફોરમમાં અન્ય દેશો પણ ભાગ લેવાના હોવાથી અન્ય ઘણા દેશો સાથે બિઝનેસ નેટવર્કિંગની તક પણ પુરી પાડશે.

4. આ ઈવેન્ટમાં કયા દેશો ભાગ લેવાના છે?
આ સાથે જણાવેલા દેશોમાં વસતા બિઝનેસમેન અને પ્રોફેશનલ્સને LIBF 2023 ‘આફ્રિકા કોલિંગ’માં ભાગ લેવા આમંત્રિત કરાયા છે અને મોટા ભાગના આમંત્રિતો ભાગ લઈ રહ્યા છે. યુગાન્ડા, ટાન્ઝાનિયા, કેન્યા, DR કોન્ગો, રવાન્ડા, બુરુન્ડી, બેનિન, માલાવી, સાઉથ આફ્રિકા, સાઉથ સુદાન, નામિબિઆ, મોઝામ્બિક, માડાગાસ્કર, ઘાના, અન્ય આફ્રિકન દેશો, GCC (ગલ્ફ), UAE, કતાર, કુવૈત, ઓમાન, બહેરિન, જર્મની, પોર્ટુગલ, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, જાપાન, હોન્ગ કોન્ગ, સિંગાપોર, ફાર ઈસ્ટના દેશો, યુનાઈટેડ કિંગ્ડમ, યુએસએ, કેનેડા અને ભારત.

5. આ ઈવેન્ટના આયોજકો કોણ છે?
આપણી માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ (LMPના નેજા હેઠળ બિઝનેસીસ સાથે સંકળાયેલા લોહાણા મહાનુભાવો દ્વારા આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

6. આ ઈવેન્ટમાં ભાગ કેવીરીતે લઈ શકાય?
આ સાથે આપેલી વેબ લિન્ક પર રજિસ્ટ્રેશન કરાવી તમે ભાગ લઈ શકો છો. ડેલિગેટ, ફેમિલી મેમ્બર, બિઝનેસ એસોસિયેટ, રજિસ્ટ્રેશન અને એક્ઝિબિઝન સ્ટેન્ડના બૂકિંગ માટે જૂઓ વેબસાઇટ https://business.lohanamahaparishad.org/registration

7. બિન-લોહાણા પાર્ટનર્સ અને સપોર્ટિંગ સ્ટાફ માટે કોઈ જોગવાઈ છે ખરી?
હા, તેઓ ડેલિગેટ્સ તરીકે ગણાશે અને તેથી તેમની ડેલિગેટ ફી પણ 250 યુએસ ડોલરની છે.

8. અમારે આ ફોરમમાં શા માટે હાજરી આપવી જોઈએ?
જો તમે
• વેપાર, ઈન્વેસ્ટમેન્ટ અને બિઝનેસને ઉત્તેજન આપવાની આફ્રિકન દેશોની નીતિઓ અને ઈનિશિયેટિવ્ઝ વિશે જાણવામાં રસ ધરાવો છો?
• આફ્રિકા અને તેના વિસ્તારોમાં રોકાણ કરવા માગો છો?
• આફ્રિકન માર્કેટમાં પ્રવેશ માટે તત્પર છો પરંતુ, શરૂઆત ક્યાંથી કરવી વિશે ચોક્કસ નથી?
• વિશ્વ બજારમાં પ્રવેશની તક શોધતા આફ્રિકન બિઝનેસ છો અને પાર્ટનર્સ શોધી રહ્યા છો?
• તમારા બિઝનેસને આગળ લઈ જવા ડિસીઝન- મેકર્સ સાથે મળવા ઉત્સુક છો?
• નવા પ્રોજેક્ટ્સ અને ઈન્વેસ્ટમેન્ટ્સ તકો શોધતા બિઝનેસ કે ફાઈનાન્સિયલ સંસ્થા છો?
• તમારા બિઝનેસને આગળ વધારવા ભાગીદારીના નિર્માણમાં રસ ધરાવો છો?
• બિઝનેસના શુભારંભ માટે યોગ્ય ઈન્વેસ્ટર અથવા ભાગીદારની રાહ જોતા એન્ટ્રેપ્રીન્યોર છો?
• તમારી સમક્ષ બિઝનેસની તક તેમજ પડકારોની તમારા ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરવા ઉત્સુક છો?
• આફ્રિકન બિઝનેસ અને ઈન્વેસ્ટમેન્ટ માર્કેટક્ષેત્રમાં તમારી કંપનીના પ્રદર્શન અને તમારી બ્રાન્ડને વિસ્તારવા માગો છો?
... તો તમારે આ ઈવેન્ટમાં હાજરી આપવી જોઈએ.

9. વિઝા - VISA અને અન્ય દસ્તાવેજો વિશે શું?

સંબંધિત દેશની વેબસાઈટ પરથી ઈ-વિઝા ઓનલાઈન મેળવી શકાય છે. યુગાન્ડા વિઝા માટે 50 યુએસ ડોલરનો ચાર્જ છે જે એક એન્ટ્રી વિઝા છે. યુગાન્ડા, કેન્યા અને રવાન્ડાના ત્રણ દેશો માટે 3 મહિનાના સંયુક્ત મલ્ટિ-એન્ટ્રી વિઝાનો ચાર્જ 100 યુએસ ડોલર છે. તમે જાતે અથવા એજન્ટ મારફત આ કરી શકો છો. જરૂર પડે ત્યાં કમિટી પણ તમને માર્ગદર્શન પુરું પાડશે.
તમારે માન્ય પાસપોર્ટ અને યુગાન્ડા તરફથી ઈન્વિટેશન લેટરની જરૂર રહેશે.

10. કોઈ વેક્સિનેશન આવશ્યક છે?
હા, તમારા માટે COVID , યલો ફીવર અને પોલીઓ વેક્સિન આવશ્યક છે. સામાન્ય રીતે દરેક પાસે કોવિડ સર્ટિફિકેટ હોય છે, જેને પાસે રાખવું જોઈએ. યલો ફીવર અને પોલીઓ વેક્સિન્સ થોડા ચાર્જ સાથે તમારી નજીકના સિવિલ હોસ્પિટલ અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે મળી જાય છે. તેઓ તેના માટે સર્ટિફિકેટ્સ પણ આપે છે. તમારે આ બધા સર્ટિફિકેટ્સ સાથે રાખવા જોઈએ.

11. ઈન્વેસ્ટમેન્ટ અને જીવનની સુરક્ષા સંદર્ભે સલામતીની ચિંતાઓ છે?
સલામતીની આવી કોઈ જ ચિંતા નથી. મોટા ભાગના લોકો સહકાર આપવા તત્પર રહે છે. જિંદગી સરળ અને સુરક્ષિત છે. રોકાણનું જોખમ ભારતની સમકક્ષ જ છે.

12. વાતચીતની ભાષા કઈ રહેશે?
સરળ ઈંગ્લિશ અને ગુજરાતી ભાષા રહેશે. જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમારા સ્થાનિક પાર્ટનર્સ પાસે દુભાષિયા તરીકેની સેવા મેળવી શકાશે.


comments powered by Disqus