યુકેનું અર્થતંત્ર સંઘર્ષ કરી રહ્યું છે. વેતન અને આવક મોંઘવારી સામે અપુરતી પૂરવાર થઇ રહી હોવાથી જનતાના ખિસ્સા પર અસર પડી રહી છે. આઇએમએફના અનુમાન પ્રમાણે અન્ય મોટા અર્થતંત્રો નવા નાણાકીય વર્ષમાં વિકાસ સાધશે જ્યારે યુકેનું અર્થતંત્ર પીછેહઠ કરશે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે પણ જણાવ્યું છે કે 2023માં યુકેના અર્થતંત્રને મંદીનો સામનો કરવો પડશે. સવાલ એ છે કે અમેરિકા, જર્મની, ફ્રાન્સ જેવા દેશોના અર્થતંત્ર વિકાસ કરી રહ્યાં છે ત્યારે યુકે કેમ નિષ્ફળ જઇ રહ્યો છે. એવું નથી કે તમામ અંદાજ સાચા જ હોય છે. તેમાં ઘણા પરિબળ કામ કરતાં હોય છે તેથી એક પરિબળની ખોટી ધારણા અંદાજને ખોટો ઠેરવી શકે છે. કોરોના મહામારીના પ્રારંભે યુકેના અર્થતંત્રને અન્ય દેશો કરતાં વધુ નુકસાન થયું. કોરોના મહામારી બાદ પણ યુકેના અર્થતંત્રે અન્ય દેશો કરતાં વધુ ઝડપથી પ્રગતિ કરી નથી. યુકે અને અન્ય દેશોના અર્થતંત્રના વિકાસદરમાં એટલો મોટો તફાવત દેખાઇ રહ્યો નથી. તેમ છતાં આઇએમએફ અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડ એમ માને છે કે યુકેનું અર્થતંત્ર ધાર્યા કરતાં ઓછો વિકાસ કરશે. જોકે કેટલાંક આર્થિક નિષ્ણાતો આઇએમએફના અનુમાનો સાથે સહમત પણ થતાં નથી.
ચર્ચાનો વિષય એ છે કે શું બ્રેક્ઝિટ આ માટે જવાબદાર છે.
બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે બ્રેક્ઝિટના કારણે યુકેના અર્થતંત્રને પ્રતિ વર્ષ 100 બિલિયન પાઉન્ડનું નુકસાન થશે અને ઇકોનોમીમાં 4 ટકાનો ઘટાડો નોંધાશે. 2016માં બ્રેક્ઝિટ પર જનમત સંગ્રહ કરાયા બાદ બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ લગભગ સ્થગિત થઇ ગયું છે. જેના કારણે યુકેના આર્થિક વિકાસ પર બ્રેક વાગી ગઇ છે. બ્રેક્ઝિટના કારણે યુકેમાં આવનારું 29 બિલિયન પાઉન્ડનું મૂડીરોકાણ અટકી ગયું છે. બ્રેક્ઝિટ બાદ યુકેમાં કામ કરવા આવતા યુરોપિયન સંઘના કામદારો અટકી ગયાં છે જેની સીધી અસર હોસ્પિટાલિટી, એગ્રિકલ્ચર અને કેર સેક્ટરો પર પડી છે. બ્રેક્ઝિટના લાંબા ગાળાના લાભો માટે હાલ યુકે આર્થિક કિંમત ચૂકવી રહ્યો છે. હાલ ટ્રાન્ઝિશન પીરિયડ ચાલી રહ્યો છે અને નકારાત્મક પરિબળો હાવી થઇ રહ્યાં છે. જોકે આ નકારાત્મક પરિબળો હંગામી પૂરવાર થઇ શકે છે. બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે એનર્જી કિંમતોમાં વધારો થયો છે પરંતુ તેની અસરો અલગ અલગ દેશ પર અલગ અલગ રહી છે. અમેરિકા પાસે ઇંધણો માટે ઘરેલુ સ્ત્રોત ઉપલબ્ધ છે તો અન્ય યુરોપિયન દેશો પાસે એનર્જીના વૈકલ્પિક સ્ત્રોત છે. ફ્રાન્સ પાસે વ્યાપક ન્યુક્લિયર નેટવર્ક છે જ્યારે નોર્વે પુરતા પ્રમાણમાં હાઇડ્રોપાવર ધરાવે છે. જ્યારે યુકેમાં વીજળીની કિંમત ગેસની કિંમત સાથે સીધી સંકળાયેલી છે. ગેસની વધેલી કિંમતે યુકેમાં ફુગાવાને ગંભીર બનાવી દીધો છે. કોરોના મહામારીમાં ઘણા દેશોને વર્કફોર્સની અછતનો સામનો કરવો પડ્યો પરંતુ કોરોના મહામારી બાદ યુકેમાં હજુ એટલા લોકો કામ પર પરત ફર્યાં નથી જેટલાં અન્ય દેશોમાં. કેટલાક નિષ્ણાતો યુકેની આર્થિક સમસ્યાઓ માટે લાંબાગાળાથી ચાલી આવતી સમસ્યાઓને જવાબદાર ગણાવી રહ્યાં છે. 1990ના દાયકાથી યુકેમાં મૂડીરોકાણ ઘટી રહ્યું છે. કોવિડ, બ્રેક્ઝિટ અને યુક્રેન યુદ્ધે યુકેના અર્થતંત્ર સામેની સમસ્યાઓને ત્રણ ગણી વધારી દીધી છે.
