ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની સાથે સાથે અગ્રણી નિકાસકાર બનવાની દિશામાં પ્રયાણ કરી રહ્યો છે તેનો મોટો પુરાવો બેંગાલુરૂ ખાતે આયોજિત એરો ઇન્ડિયા 2023 છે. આત્મનિર્ભરતા એટલે ભારત હવે સંરક્ષણ ઉત્પાદનોના મામલે અન્ય દેશો પર આધારિત રહેવા માગતો નથી. ભારત તેની સંરક્ષણ જરૂરતો માટે વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદનમાં પ્રભુત્વ ધરાવતા ઓરિજિનલ ઇક્વિપમેન્ટ્સ મેન્યુફેક્ચરર્સ પર આધાર રાખ્યા વિના જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. છેલ્લા આઠ વર્ષમાં મોદી સરકારે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવા મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો સ્થાપિત કર્યાં છે જેથી ભારતને વિશ્વના સૌથી મોટા સંરક્ષણ ઉત્પાદક દેશોની હરોળમાં લાવી શકાય. મોદી સરકાર વાર્ષિક સંરક્ષણ ઉત્પાદનને રૂપિયા 1.75 લાખ કરોડ સુધી લઇ જવા માગે છે. હાલ ભારત 1.5 બિલિયન ડોલરના સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરે છે જેને 2024-25 સુધીમાં પાંચ બિલિયન ડોલર પર લઇ જવાનો લક્ષ્યાંક છે. મોદી સરકાર હાઇટેક અને જટિલ શસ્ત્ર પ્રણાલિઓની આયાતમાં ઉત્તરોતર ઘટાડો કરવાની સાથે ભારતીય ઇન્ડસ્ટ્રીની ક્ષમતાઓ વધારવાની દિશામાં કામ કરી રહી છે. આ માટે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સરકાર દ્વારા માતબર પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. ભારતની આ મક્કમતા એરો ઇન્ડિયા 2023માં ઉજાગર થતાં જોવા મળી હતી. આયોજનમાં 100 કરતાં વધુ દેશોની હાજરી અને વિશ્વભરના 700થી વધુ એક્ઝિબિટર્સે ભાગ લીધો.
આયોજન દર્શાવે છે કે સંરક્ષણ નિકાસ ક્ષેત્રમાં ભારતે નવી એન્ટ્રી કરી હોવા છતાં પાછલા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ભારત પોતાની સંરક્ષણ જરૂરીયાતો માટે આત્મનિર્ભર થવાની સાથે સાથે અન્ય દેશોની સંરક્ષણ જરૂરીયાતો પૂરી કરવા અગ્રણી નિકાસકાર દેશ બનવા માગે છે. 2017માં ભારતની સંરક્ષણ નિકાસ માત્ર 1520 કરોડ રૂપિયા હતી જે 2021-22માં વધીને 14000 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે અને 2024-25માં તે 41000 કરોડ રૂપિયા પર પહોંચે તેવી સંભાવના છે. હાલ ભારત પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ, ઓફશોર પેટ્રોલ વેસલ, કોસ્ટલ સર્વેલન્સ સિસ્ટમ, રડારના પાર્ટ્સ, હેલિકોપ્ટર જેવા સંરક્ષણ ઉત્પાદનોની નિકાસમાં આગળ વધી રહ્યો છે. જોકે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ જેવા એડવાન્સ યુદ્ધ સરંજામના ઉત્પાદનમાં ભારત કેટલાક અવરોધોનો સામનો કરી રહ્યો છે. હવે વિશ્વમાં યુદ્ધ લડવાની પદ્ધતિઓમાં મોટા બદલાવ આવ્યા છે. યુક્રેન યુદ્ધે પૂરવાર કરી દીધું છે કે ભાવી યુદ્ધો માનવરહિત ડ્રોનથી લડાશે. તેથી ભારતે હવે ડ્રોન ટેકનોલોજી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે. ભારતે તેના વ્યૂહાત્મક હિતોની સુરક્ષાઉપરાંત સંરક્ષણ નિકાસની સંભાવનાઓ વિસ્તારવા પર પણ પુરતું ધ્યાન આપવું પડશે. સંરક્ષણ નિકાસના મુશ્કેલ લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીના વિવિધ પાસા અને ખાસ કરીને પબ્લિક, પ્રાઇવેટ અને એકેડેમિક સેક્ટર વચ્ચે સુમેળ સાધીને આગળ વધવું પડશે.
