સંતાનસુખ કે સંતાનસંતાપ?
સિંગાપોરના આ વિવાદ વિશે વાંચીને આપ સહુ જાતે જ નક્કી કરજો કે આવા સંતાનને સુખદાયક ગણવા કે સંતાપદાયક. સિંગાપોર ટાપુઓનો દેશ છે, અને વસ્તી આશરે પાંચ મિલિયન.
જોકે આ દેશ સ્વતંત્ર થયો ત્યારે તેની આર્થિક હાલત બહુ નબળી હતી. દેશ ગંદકીના ગંજ માટે બદનામ હતો. કોરિયા અને વિયેતનામ યુદ્ધ વેળા યુએસ આર્મીના જવાનો રિક્રિએશન માટે મોટી સંખ્યામાં સિંગાપોર જતા હતા. આથી અહીં બાર - રેસ્ટોરાં - વેશ્યાગૃહો ધમધમતા હતા, લોકોની આવકનું તે મોટું સાધન હતા.
તે વેળાએ 1966ની આસપાસ મલેશિયન ફેડરેશનમાંથી સિંગાપોર અલગ થયું અને લી ક્વાન યૂએ દેશની શાસનધૂરા સંભાળી. જોતજોતામાં તો તેમણે સિંગાપોરનો ચહેરોમહોરો બદલી નાંખ્યો. સિંગાપોરને એકદમ સ્વચ્છ બનાવ્યું. આર્થિક સદ્ધર બનાવ્યું અને દુનિયામાં આગવું સ્થાન અપાવ્યું. આજે દેશ લાંચ-રુશ્વતના દૂષણથી મુક્ત છે, કાયદો-વ્યવસ્થાના પાલનમાં અવ્વલ છે, અને સ્વચ્છતાના મામલે તો વિશ્વના ટોચના પાંચ શહેરોની યાદીમાં સ્થાન ધરાવે છે. લી ક્વાન યૂ એટલે અત્યંત કર્તવ્યનિષ્ઠ, પ્રમાણિક અને લોકશાહી મૂલ્યોને વરેલા નેતા. ત્રણ દસકા સુધી શાસનધૂરા સંભાળનાર આ નેતાને લોકો સ્વતંત્ર સિંગાપોરના સ્થાપક પિતા તરીકે ઓળખે છે. આવા નખશીખ સજ્જનના નામે દેશમાં વિવાદ ચાલ્યો છે, અને તે પણ તેમની નીતિરીતિના કારણે નહીં, તેમના સંતાનોના કારણે.
લી ક્વાન યૂ 1945થી તે 2015માં નિધન થયું ત્યાં સુધી કોલોનિયલ સમયમાં બનેલા નિવાસમાં (38 ઓક્સલી રોડ ખાતે) રહ્યા. હવે એક વર્ગ માગણી કરી રહ્યો છે કે આ મકાનને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવું જોઇએ. આ માગણી પાછળ કોનો દોરીસંચાર હશે એ વાત તમને આગળ વાંચતા સમજાઇ જશે. આપણે સહુ જાણીએ છીએ કે પાટનગર દિલ્હીમાં આવા કેટલાય મકાનો કે બંગલો છે જેમાં એક સમયે જે તે વડા પ્રધાન કે પ્રધાન રહી ચૂક્યા છે અને તેને સ્મારકના નામે પરિવારોએ પચાવી પાડ્યા છે.
બે પુત્રો અને એક પુત્રીના પિતા લી ક્વાન યૂ પણ આવા ‘સંભવિત જોખમ’થી વાકેફ હશે જ અને વળી તેઓ ભાઇભતીજાવાદના પણ સખત વિરોધી હતા. આથી તેમણે પોતાની હયાતીમાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે પોતાના નિવાસનું સ્મારક કે એવું કંઇ ન કરવું અને શક્ય હોય તો તેને તોડી જ પાડવું. જોકે હકીકત એ છે કે બ્રિટીશકાળના આ મકાનમાં આજે તેમનો સૌથી મોટો પુત્ર લી સીન લુંગ તેના પરિવાર સાથે રહે છે, જે 2004થી સરકારમાં પ્રધાન છે. આ ઉપરાંત લી વેઇ લીંગ નામની દીકરી પણ ત્યાં જ વસે છે, પણ તેમની તબિયત કથળી ગઇ છે. જ્યારે ત્રીજું સંતાન - નાનો પુત્ર લી સીન યાંગ નાસતો ફરે છે. કોર્ટકચેરીના મામલે કંઇક ગરબડ કરી હોવાથી લી સીન યાંગ કાનૂની કાર્યવાહીથી બચવા દેશ છોડીને ભાગી ગયો હોવાનું મનાય છે. હવે તમે સમજી શકો છો કે લી ક્વાન યૂના એક સમયના નિવાસસ્થાનને સ્મારક જાહેર કરવા પાછળ કોનો દોરીસંચાર હોઇ શકે છે.
જરા વિચાર તો કરો કે આધુનિક સિંગાપોરના નિર્માણ માટે દિવસરાત મહેનત કરનાર એક નખશીખ પ્રમાણિક - વિઝનરી - કર્તવ્યનિષ્ઠ લી ક્વૂન યૂનો આત્મા કેવો કકળતો હશે. આપણે તો બીજું શું કરી શકીએ? એટલું જ કહી શકીએ, પ્રભુ તેમના આત્માને શાંતિ આપે...
કોન્ટ્રાકટરો સાવધાન...
સેન્ટ્રલ લંડનની એક કોર્ટમાં એક ખટલો ચાલી ગયો. અને પટેલને 22500 પાઉન્ડનો ‘ચાંદલો’ કરી ગયો. કેસની વાત કંઇક એમ છે કે લોર્ડ રોસર નામના એક લેબર પિઅરના નિવાસસ્થાન નજીક મહમ્મદ હદીશ તન્વીરની દુકાનની બહાર કંઇક બિલ્ડીંગ વર્ક ચાલતું હતું. કોન્ટ્રેક્ટર હતા હરીશચંદ્ર પટેલ. 11 સપ્ટેમ્બર 2017ના રોજ રાત્રે સવા નવ વાગ્યાના અરસામાં લોર્ડ રોસર તેમના ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે તન્વીરની દુકાન બહાર પડેલું પાટિયું તેમના પગ સાથે અથડાયું અને તેઓ પડી ગયા. ઇજાગ્રસ્ત લોર્ડના બે દાંત પણ પડી ગયા. તેમણે તો કોર્ટમાં દાવો ઠોકી દીધો. કોન્ટ્રાક્ટર પટેલ અને દુકાનદાર તન્વીર એકબીજાના માથે દોષનો ટોપલો ઢોળવા લાગ્યા. લાપરવાહી દાખવીને રસ્તામાં પાટિયું મૂકી દેવાનો મામલે કોઇ જવાબદારી લેવા તૈયાર નહોતું. હવે છ વર્ષ બાદ કેસનો ચુકાદો આવ્યો છે. કોર્ટે ઠરાવ્યું છે કે કોન્ટ્રાક્ટર પટેલના કર્મચારીએ રસ્તામાં નડતરરૂપ બને તેમ પાટિયું મૂકી રાખ્યું હોવાથી તેમણે 22500 પાઉન્ડ લોર્ડ રોસરને વળતર પેટે ચૂકવવાના રહેશે.
જો જો હવે કોઇને જાડાપાડા કહેતાં...
કાણાને કાણો કહેવાય નહીં એ વાત તો આપણે સહુ જાણીએ છીએ, પરંતુ હવે ભારે ભરખમ કાયા ધરાવતી વ્યક્તિને જાડાપાડા કહેવા સામે પણ વાંધોવિરોધ ઉઠી રહ્યા છે. બ્રિટિશ ડાયાબિટીક એસોસિએશનનું કહેવું છે કે સ્થૂળ શરીર ધરાવતી વ્યક્તિને ‘જાડાપાડાં’ કહેવું તે માનહાનિકારક છે, દુઃખદાયક છે. આવું બોલનાર સામે ક્રિમિનલ ઓફેન્સ મતલબ ફોજદારી કેસ દાખલ થવો જોઇએ. તો હવે ચેતતા રહેજો. કોઇકને હંસીમજાકમાં પણ ‘જાડાપાડાં’ કહેતાં પહેલાં બે વખત વિચારી લેજો. ક્યાંક હસવામાંથી ખસવું ના થઇ જાય.
સેનેટરી પ્રોડક્ટ ટેમ્પોન્સના વળતાં પાણી
એક સમયે સ્ત્રીઓ માટે સેનેટરી ઉત્પાદન તરીકે 1931માં યુએસમાં શોધાયેલા ટેમ્પોનને હવે સ્ત્રીઓ જ ફગાવી રહી છે કારણકે તેમના શરીર અને પર્યાવરણને માફક આવે તેવા વિકલ્પોને પસંદ કરી રહી છે. પ્રાચીન ગ્રીકની સ્ત્રીઓ તેમના માસિકધર્મ સમયે કાપડમાં વીંટાળેલા લાકડાના ટુકડાનો અને ઈજિપ્તની સ્ત્રીઓ પેપિરસનો ઉપયોગ કરતી હતી તો જાપાનમાં વાળેલા કાગળનો ઉપયોગ કરાતો હતો. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા ખરીદારોની પસંદગી કે આદતોમાં ફેરફારનો સર્વે કર્યો હતો. તેના ઈન્ફ્લેશન બાસ્કેટમાંથી સીડી, આલ્કોપોપ્સ અને ટેમ્પોન જેવી ચીજો બહાર ફેંકાઈ છે જ્યારે ઈ-બાઈક્સ, ફ્રોઝન બેરીઝ અને સેનેટરી ટોવેલ્સનો ઉમેરો થયો છે.
ONS ના જણાવ્યા મુજબ 2018થી યુકેમાં ટેમ્પોનના વેચાણમાં 12 ટકાનો ઘટાડો થયો છે. 90 વર્ષથી તેની ડિઝાઈનમાં પણ કોઈ ફેરફાર થયો નથી. સ્ત્રીઓ માટે સ્વીકાર્ય હાઈજિન પ્રોડક્ટ તરીકે સેનેટરી ટોવેલ્સ પાછળનો ખર્ચ વધી રહ્યો છે.
ભારત, બાંગલાદેશી અને પાકિસ્તાની મૂળની મહિલાઓ પણ ટોવેલ્સ પસંદ કરે છે જ્યારે ચીનમાં માત્ર 2 ટકા સ્ત્રીઓ ટેમ્પોનનો ઉપયોગ કરે છે.
યુરોપિયન કમિશન કહે છે કે સમુદ્રમાંથી વધુ મળતી સેનેટરી પ્રોડક્ટ્સમાં ટેમ્પોન્સ અને પેડ્સ પાંચમા ક્રમની સૌથી સામાન્ય વસ્તુઓ છે. હવે વધુ પ્રમાણમાં સ્ત્રીઓ માસિક ધર્મ ન આવે તેમજ સુવિધા અને દુઃખાવો સહન કરવો પડે નહિ તે માટે પિલ્સ અને હોર્મોનલ IUD નો ઉપયોગ કરતી થઈ છે.

