અમદાવાદઃ આપણા સહુના લોકલાડીલા સી.બી. પટેલ પત્રકાર હોવાની સાથોસાથ એવા કર્મશીલ છે જેઓ સમાજમાં પ્રવર્તમાન દૂષણોને નાબુદ કરવા માટે લોકોની સાથે રહીને સતત કામ કરતા રહ્યા છે. મારા મતે તો તેઓ સાચા સામાજિક કાર્યકર છે, જેઓ હંમેશા લોકોની પડખે ઉભા રહ્યા છે. આ શબ્દો છે વ્યવસાયે સીએ અને બ્રિટનની અગ્રણી સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ (NCGO)ના ટ્રેઝરર દીપકભાઇ પટેલના. સી.બી. પટેલના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં યોજાયેલા મીટ એન્ડ ગ્રીટ સમારંભમાં દીપકભાઇએ આ શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમણે પ્રવાસી ભારતીય દિવસ સન્માન તેમજ ગુજરાત સમાચારની સુવર્ણ જયંતીની ઉજવણી બદલ સી.બી. પટેલને અભિનંદન આપતાં તેમને બ્રિટનવાસી ભારતીય સમુદાયના બ્રાન્ડ એમ્બેસેડર ગણાવ્યા હતા.
વ્યવસાયે સીએ અને યુકેની નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO) ના ટ્રેઝરર દીપકભાઈ પટેલે સી.બી. પટેલને લંડનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઓળખાવી કહ્યું હતું કે તેઓ પત્રકાર હોવાની સાથોસાથ સમાજમાંથી સામાજિક દૂષણો નાબૂદ કરવા લોકોની સાથે રહી કામ કરતા કર્મશીલ છે. મારા મતે તેઓ સાચા સામાજિક કાર્યકર છે જેઓ લોકોની સાથે ઉભા રહ્યા છે. દીપકભાઈએ સીબીને પ્રવાસી ભારતીય દિવસ (PBD) એવોર્ડ એનાયત કરાયા બદલ અને ગુજરાત સમાચારની સુવર્ણ જયંતીની ઉજવણી બદલ અભિનંદન પાઠવ્યા હતા.
એબીપીએલ ગ્રૂપની અમદાવાદ ઓફિસ દ્વારા ગુજરાત સમાચારની સુવર્ણ જયંતી તેમજ ગુજરાતની મુલાકાતે આવેલા સી.બી. પટેલને સહુ સ્વજનો-પરિચિતો મળી શકે તે માટે મીટ એન્ડ ગ્રીટ સમારોહ યોજાયો હતો. શહેરની શાનદાર હોટેલ ક્રાઉન પ્લાઝામાં પહેલી માર્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અમદાવાદ ઓફિસના ઓપરેશન્સ મેનેજર શ્રીજીત રાજને કર્યું હતું તો જાણીતા ગાયિકા માયાબહેને તેમના સૂરિલા કંઠે ‘હમ કો મન કી શક્તિ દેના, મન વિજય કરે...’ પ્રાર્થના રજૂ કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
સી.બી. પટેલે પોતાની લાક્ષણિક મુદ્રામાં સર્વ મહેમાનોને આવકારતું સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાત સમાચારને 50 વર્ષ પૂરા થયા છે તે નિમિત્તે લંડનમાં પણ હાઉસ ઓફ લોર્ડ્સમાં કાર્યક્રમો થઈ રહ્યા છે. મારા જીવનની સફળતામાં ઘણા લોકોએ યોગદાન આપ્યું છે તે સહુનો હું આભારી છું. આદરણીય મંગળાબહેન, જસ્ટિસ સુબોધભાઈ શાહ, વિષ્ણુ ભગવાનના અવતાર સમાન વિષ્ણુભાઈ પંડ્યા સહિત આપ મહેમાનોના પ્રતાપે આ સી.બી. પટેલ હરીફરી રહ્યા છે.
સંસ્મરણોને તાજા કરવાનો આ સિલસિલો આગળ ધપાવતા ગુજરાત સમાચારના વર્ષોજૂના શુભેચ્છક-સમર્થક સુરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે સીબીએ બધાને આમંત્રિત કર્યા છે અને આપણે બધા જ તેમને દિલથી એડમાયર કરીએ છીએ. સીબીએ યુકેમાં આવી લંડનમાં વેપારથી શરૂઆત કરી, તેમણે ઘણી દુકાનો પણ કરી અને છેવટે પ્રકાશન ક્ષેત્રમાં જઈને જોખમી સાહસ પણ કર્યું. તેમણે ઘણા જોખમી સાહસો કર્યા છે. આજે આપણે જોયું કે સીબી બધાને નામથી બોલાવે છે. આપણા વડા પ્રધાન નરેન્દ્રભાઈ સહિત સારા નેતાઓ બધાને સાંભળે છે, નામથી ઓળખે છે, તેમને યાદ રાખે છે. સીબીનું પણ આવું જ છે. તેમના કાર્યો લોકોપયોગી રહ્યા છે. તેમણે અમદાવાદથી લંડનની ડાયરેક્ટ ફ્લાઈટની જોરદાર ઝૂંબેશ પણ ચલાવી છે. તેમણે ઈસ્કોન મંદિરની ઝૂંબેશ પણ ચલાવી હતી. સ્વામી પ્રભુપાદ દ્વારા ઈસ્કોનની સ્થાપના કરવામાં આવી હતી. ઈસ્કોનમાં દર્શનાર્થીઓ, હિન્દુ ભક્તોનો ફેલાવો ઘણો વધ્યો હતો. ત્યારે ત્યાં ભારે દખલ થતી હોવાની કોઈની ફરિયાદથી ત્યાંના સત્તાવાળાઓએ મંદિર બંધ કરી દેવાની નોટિસ આપી. સ્વાભાવિક રીતે જ કેસ કોર્ટમાં જતા મંદિરનો કોર્ટમાં પરાજય થયો, યુરોપિયન કોર્ટમાં પણ પરાજય થયો. આખરે સીબી દ્વારા લોકોને જાગૃત કરી હિન્દુઓના મંદિરને સુરક્ષિત રાખવાનું અભિયાન છેડવામાં આવ્યું હતું અને આજે ઈસ્કોન હિન્દુઓની આસ્થાનું વિશાળ વટવૃક્ષ બની રહ્યું છે.
સી.બી. પટેલ એવું નિરાળું વ્યક્તિત્વ છે જેમનો ઉલ્લેખ વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં મારા મિત્ર સીબી પટેલ તરીકે કર્યો હતો અને અમદાવાદથી લંડનની ડાયરેક્ટ ફ્લાઈટના અભિયાનની વાત છેડી હતી. આમ સીબીના હાથે સારા કાર્યો થતા જ રહે છે પરંતુ, સીબી કદી તેની જાહેરાત કરતા નથી.
સીબીએ જાણીતા પત્રકાર ડો. હરિ દેસાઈ સાથે પોતાના પરિચય અને મિત્રતાની વાત કરી હતી. આ વખતે સીબીએ કહ્યું હતું કે સૌથી પહેલા પત્રકાર નારદજી હતા જેઓ નારાયણ-નારાયણ કહેતા સર્વત્ર ફરતા રહેતા હતા. તેઓ રાજાને રંક બનાવે અને રંકને રાજા બનાવી દેતા પત્રકાર હતા.
પ્રતિભાવ આપતા હરિભાઈએ કહ્યું હતું કે આપણે બધા જ સીબીના પ્રેમી છીએ. આ માટેના ઘણા કારણો છે. સીબી માણસ જ એવા છે, કોઈ તેમનાથી દૂર રહી ન શકે. હું બંને સાપ્તાહિકો કોલમો લખતો રહ્યો છું પરંતુ, કોઈ લેખમાં એડિટિંગ થયું જ નથી. તેમણે પત્રકાર-લેખકોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી રાખી હતી. પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીથી માંડી નરેન્દ્રભાઈ સુધી બધાએ સીબીને બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ગુજરાત તરીકે બિરદાવ્યા છે. કોઈ પણ ન્યૂઝ પેપર ચલાવવું કપરું કાર્ય છે અને સીબી આ કામ 50 વર્ષથી કરતા આવ્યા છે. આજે પણ ગાંઠનું ગોપીચંદન કરીને તેઓ ન્યૂઝપેપર્સ ચલાવે છે.
આ પછી, સીબીએ ગુજરાત સમાચારના માનદ તંત્રી અને જાણીતા ઈતિહાસકાર પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વિષ્ણુ પંડ્યાની વાત જ અલગ છે. ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે તેમના પુસ્તકમાં ‘ગુજરાતના ક્રાંતિતીર્થો’ની વાત થઈ છે. જે સમાજ ઈતિહાસ યાદ કરતો નથી તે સમાજ ઈતિહાસ બનાવતો નથી. સીબીએ વિષ્ણુભાઈના આશીર્વાદ માગ્યા ત્યારે પંડ્યાજીએ કહ્યું હતું કે બ્રાહ્મણ પાસે આશીર્વાદ સિવાય કશું હોતું નથી. આજે સીબી કાર્યક્રમના યજમાન છે કે મહેમાન, ગમે તેમ તેઓ આપણી વચ્ચે છે. સીબી દરેકના નામ સાથે તેમનો ઈતિહાસ પણ કહે છે. સીબી માત્ર ગુજરાતના જ નહિ, સમગ્ર દેશના યુકે ખાતેના સાંસ્કૃતિક રાજદૂત - કલ્ચરલ એમ્બેસેડર છે.
લંડનમાં બેસીને ગુજરાત વિશે ચિંતા કરવી અઘરી છે. ત્યાં તેમના લીધે જ ‘ગુજરાતની અસ્મિતા’ કાર્યક્રમ યોજાયો હતો. સીબીએ ગુજરાત સમાચાર ચલાવ્યું છે તેમાં સત્યનું આરોહણ જ કર્યું છે. સીબીનો અવાજ મુખરિત છે જે બધાએ સાંભળવો પડે છે. તેમનો ચહેરો સર્વપ્રિય બની ગયો છે. નર્મદથી માંડી કરસનદાસ મૂળજી જેવા ગુજરાતી પત્રકારોના ઈતિહાસમાં સીધી કડીરૂપે સીબી પટેલને અચૂક સ્થાન આપવું જ પડે. સીબીપુરાણ એ વિષ્ણુપુરાણ જેટલું જ લાંબુ છે. તેમણે સીબીનો શતાબ્દી ઉત્સવ ઉજવીએ તેવી શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી.
ગુજરાત હાઈ કોર્ટના પૂર્વ જસ્ટિસ સુબોધચંદ્ર શાહે સીબી સાથે પોતાના નાતાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણે બધા સીબીના પરિચયમાં છીએ, તેમને બરાબર જાણીએ છીએ ત્યારે તેમના વખાણ કરીએ તેમાં કશું નવું નથી પરંતુ, યુકેમાં પ્રતિસ્પર્ધી પ્રકાશન ગરવી ગુજરાતના એક કોલમિસ્ટ સીબીના વખાણ કરે તેનાથી વિશેષ કાંઈ નથી.
અમદાવાદના પૂર્વ મેયર ગૌતમભાઈ શાહે કહ્યું હતું કે આમ તો મારો પરિચય હમણાનો છે પરંતુ, અહીં બધાને સીબી વિશે કહેતા સાંભળ્યા તેનાથી મને તેમના વ્યક્તિત્વનો ખ્યાલ આવ્યો છે. તેમણે ગુજરાત સમાચારને લંડનમાં સતત 50 વર્ષ ગુજરાત સમાચારને ચલાવ્યું છે. આ પછી પૂર્વ મેયરે આપણા અમદાવાદ નગરનો ઈતિહાસ રજૂ કર્યો હતો. સૌરાષ્ટ્રથી ખંભાત જવાના માર્ગે આશા ભીલનું આશાપલ્લી હતું જ્યાં લોકો વિસામા તરીકે રોકાતા હતા. સોલંકી રાજા કર્ણદેવ અને તે પછી સુલતાન અહમદશાહે આશાપલ્લીની સિકલ બદલી નાખી જે આજે અમદાવાદમાં તબદિલ થઈ છે. આમ, અમદાવાદ ધાર્મિક, પૌરાણિક અને સાંસ્કૃતિક નગર છે.
ગુજરાતના દૈનિક નવગુજરાત સમયના તંત્રી અજયભાઈ ઉમટે ગુજરાત સમાચારને 50 વર્ષની સુવર્ણજયંતી ઉજવણી નિમિત્તે સીબી પટેલને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સીબી માટે અખબાર ચલાવવું એ પેશન છે, પ્રોફેશન નથી. તેઓએ પોતાના કામની જાહેરાતો કરતા નથી. તેઓ સાયલન્ટ સોશિયલ વર્કર છે.
ગુજરાતી રંગમંચ અને ફિલ્મોનાં જાણીતા અભિનેત્રી ભાવિની જાનીએ તેમના કોમેડી શો અને પરફોર્મન્સ માટે લંડન અને સીબી સાથેની મુલાકાતની વિસ્તારે વાત કરી હતી. તેમણે કહ્યું કે સીબી હવે મારાં માટે પરિવારનો હિસ્સો બની ગયા છે. તેમણે મને લંડન ઓફિસનો ટેલીફોન નંબર આપ્યો અને કહ્યું હતું કે તમારે લંડનમાં મૂવી રીલિઝ કરવાની હોય કે નાટકના પરફોર્મન્સ માટે આવવાનું થાય ત્યારે તેની વિગતો અમારા સાપ્તાહિકમાં પ્રસિદ્ધ કરીશું. તેઓ આજે પણ મને મદદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સીબી સાહેબ 100 વર્ષથી વધુ જીવશે પરંતુ, હું કહું છું કે તેઓ અમર છે. ભાવિનીબહેને સીબીને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી. અમદાવાદમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનમાં પૂર્વ પોલિટિકલ સલાહકાર અને ન્યૂ યોર્કથી પ્રકાશિત થતા ગુજરાત ટાઇમ્સના તંત્રી દિગંત સોમપુરાએ સીબી પટેલ સાથેના સ્મરણો વાગોળ્યા હતા અને કહ્યું હતું કે સીબી સાથે નાતો એટલો ઘનિષ્ઠ થયો છે કે હવે સોમપુરાના બદલે પટેલ અટક લખવાનું જ બાકી રહ્યું છે. તેમણે સીબીને સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની શુભકામના પાઠવી હતી.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના અમદાવાદસ્થિત ઓફિસના બ્યૂરો ચીફ નીલેશ પરમારે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં અમદાવાદ ઓફિસના તમામ સહયોગીઓનો પરિચય કરાવ્યો હતો.
તમામ ફોટોસૌજન્યઃ જાટકિયા ફોટો સ્ટુડિયો - અમદાવાદ
www.jhatakiastudio.com
[email protected]
-----------------
ગેટ-ટુગેધરમાં ઉપસ્થિત માનવંતા મહેમાનો...
• જસ્ટિસ (રિટા.) શ્રી સુબોધચંદ્ર શાહ અને આશાબહેન • પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા (લેખક - પત્રકાર) • પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ (લેખક - પત્રકાર) • સુરેન્દ્રભાઇ અને ભાવિનીબહેન પટેલ (લંડન) • દીપકભાઇ પટેલ - મફતભાઇ અને સરલાબહેન પટેલ (લંડન) • કલ્પનાબહેન અને સુભાષભાઇ પટેલ (લંડન) • મયંકભાઇ પટેલ (લંડન) • જાણીતાં ગાયિકા માયાબહેન - દીપકભાઇ પંચાલ અને મંગળાબહેન • અજય ઉમટ (સ્થાપક તંત્રી - નવગુજરાત સમય) • ડો. હરિ દેસાઇ (ડાયરેક્ટર - ચીમનભાઇ પટેલ ઇન્સ્ટિ. ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન) • ડો. ટીનાબહેન દોશી (પત્રકાર - લેખક) • કૃષ્ણકાંત ઉનડકટ (એક્ઝિ. એડિટર - સંદેશ) • જ્યોતિબહેન ઉનડકટ (પત્રકાર-લેખક) • ગૌતમભાઇ શાહ (ભૂતપૂર્વ મેયર - અમદાવાદ) અને પાર્થ શાહ • ઉદયભાઇ પટેલ (સરપંચ - ભાદરણ ગ્રામ પંચાયત) • ભાવિનીબહેન જાની (અભિનેત્રી) • દિગંત સોમપુરા (ગુજરાત ટાઇમ્સ - અમદાવાદ) • માહિતી વિભાગ (અમદાવાદ)ઃ હિમાંશુ ઉપાધ્યાય (જોઇન્ટ ડાયરેક્ટર), દિવ્યેશ વ્યાસ (આસિ. ડાયરેક્ટર), વિવેક ગોહિલ, ગૌતમ મહેતા • માહિતી વિભાગ (ગાંધીનગર)ઃ જયેશ દવે - ડેપ્યુટી ડાયરેક્ટર
• શીતલભાઇ પટેલ અને પરિવાર (અમદાવાદ) • કૃણાલ ઠક્કર અને બીનાબહેન ઠક્કર (દાસ ખમણ) • વિરેન ગણાત્રા અને કાજલ ગણાત્રા (કાજલ્સ કિચન - વડોદરા) • નિહિર શાહ • સુજલબહેન અને ક્રિશિતા • હસમુખભાઇ પટેલ (છ ગામ પાટીદાર સમાજ) અને મહેન્દ્રભાઇ • પ્રતીક ભટ્ટ (રોયલ ટેર્ન હોલિડે મેકર) - વડોદરા • પૂર્વી અપૂર્વ શાહ (પત્રકાર) • મનિષાબહેન તુષારભાઇ જોષી પરિવાર • કલ્પિતભાઇ ભચેચ, નિતિક્ષાબહેન દેસાઈ અને મમતાબહેન ત્રિવેદી
-----------------------
આદરણીય મંગુબાની નિઃસ્વાર્થ સેવાભાવનાઃ જીવનમૂડીમાંથી રૂ. 15 લાખનું દાન આપ્યું
સીબી પટેલે કાર્યક્રમના આરંભમાં આદરણીય મંગળાબહેનનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો. ‘ગુજરાત સમાચાર’ પરિવારનાં સ્વજન અને જાણીતાં ગાયિકા માયાબહેન પંચાલનાં માતા મંગુબા (મંગળાબહેન) માત્ર વયની દૃષ્ટિએ આદરણીય નથી, તેમણે સામાજિક ક્ષેત્રે જે પ્રદાન આપ્યું છે તે દૃષ્ટિએ પણ આદરણીય છે. હાલમાં જ એટલે કે 27 ફેબ્રુઆરીએ 86મી વર્ષગાંઠ ઉજવી છે તેવાં મંગળાબહેને તેમના પતિ સ્વર્ગસ્થ શ્રી વિનોદભાઈ પટેલના સરકારી પેન્શનની 30 વર્ષથી બાકી નીકળતી રકમમાંથી 15 લાખ રૂપિયાનું માતબર દાન તેમના લાંઘણજ ગામમાં લગ્નનો હોલ બાંધવા માટે આપ્યું છે જેના મુખ્ય દાતા તરીકેનું નામ વિનોદભાઈ પટેલનું છે. હોલ જેવી વ્યવસ્થાના અભાવે ગામની દીકરીઓનાં લગ્ન કરાવવાં બહાર જવું ન પડે અને ગ્રામજનોને ખર્ચ ઓછો થાય તેવી તેવી ભાવના ધરાવતાં મંગળાબહેન હજુ પણ વિનોદભાઈ પટેલના પેન્શનની બાકીની રકમમાંથી ગામમાં શાળા સહિત અન્ય વિકાસકાર્યોમાં દાન આપવાની ઈચ્છા ધરાવે છે. સીબી પટેલનું કહેવું સાચું જ છે કે અત્યારના જમાનામાં 50 રૂપિયા આપવાનો કોઈનો જીવ ચાલતો ન હોય ત્યારે આટલી માતબર રકમનું દાન નિઃસ્વાર્થભાવે લોકોપયોગી કાર્યમાં કોઈ વિરલ વ્યક્તિત્વ જ કરી શકે.

