દુનિયાના ત્રણ-ત્રણ ખંડોમાં ફરી જીવનનું ભાથું ભેગું કરનાર વંદનાબહેને વિપરીત સંજોગોને હરાવી જીવનને રંગોથી ભરી દેવાની કળા હસ્તગત કરી લીધી જેથી કારમા ઘા જીરવવાની શક્તિ મેળવી. જીવનના આઠ દાયકા વટાવી ચૂકેલ વંદનાબહેન હાલ વડોદરામાં શેષજીવન અલકાપુરીના બંગલામાં વીતાવી રહ્યાં છે.
આ વંદનાબહેન ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી બાબુભાઇ જશભાઇ પટેલના લઘુબંધુ મધુભાઇના દિકરી. એમનો જન્મ નડિયાદમાં ૨૬-૯-૧૯૩૨ના રોજ નંદબાળાબહેનની કૂખે થયો હતો. પાંચ ભાઇ-બહેનોમાં સૌથી મોટા વંદનાબહેન. એમણે અમદાવાદની સી.એન. વિધાલયમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું.
એસએસસી બાદ ૧૬ વર્ષની વયે ૧૯૫૩માં ભાદરણના શ્રી મગનભાઇ પટેલના સુપુત્ર હર્ષદભાઇ પટેલ સાથે લગ્નગ્રંથીથી જોડાયાં. એ વખતે એમના સસરા ટીબીનો ભોગ બન્યા હોવાથી યુગાન્ડાથી ભારત આવી ગયા હતા. બે વર્ષ બાદ ૧૯૫૫માં પટેલ દંપતિ સહકુટુંબ યુગાન્ડા જઇ જીન્જામાં સ્થાયી થયું. ત્યાં પતિશ્રી હર્ષદભાઇએ નોરવીચ ઇન્સ્યુરન્સ કંપનીમાં જોબ કરી. ૧૯૫૬માં દિકરા ભૂપેન્દ્રનો અને ૧૯૫૬માં દિકરી રાગિણીનો જન્મ થયો. એ જમાનામાં જીન્જામાં દરજી ન હોવાને કારણે ભારત આવે ત્યારે જ કપડાં શીવડાવી શકાય! આ સમસ્યાને અવસરમાં બદલી જાતે કપડાં શીવવાનું કામ શીખી લીધું. દિકરીને જાતે સરસ મજાના નવા-નવા ફ્રોક શીવીને પહેરાવે. ઘરના કપડાં ઉપરાંત ઓશીકાના કવર જેવા નાના મોટા સિલાઇકામ જાતે જ કરી લેતાં જેથી એ પ્રશ્નનું નિરાકરણ થઇ ગયું. એટલું જ નહિ એમના નણંદ સ્કુલમાં ટીચર હતાં એથી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગરબા કરવાના હોય તો એના કોસ્ચ્યુમ્સ પણ વંદનાબહેન શીવી આપતાં. આ એમની વોલંટીયર સેવા હતી. શીવણકામને એમણે ધંધો ન બનાવ્યો. વંદનાબહેનને ગાવાનો પણ શોખ જેથી જીન્જામાં વસુબહેન સોઢા તથા સુસ્મિતાબહેનની ત્રિપુટીએ અન્ય બે ભાઇઓ સહિત ગરબા ગૃપ બનાવ્યું. નવરાત્રીમાં નવ દિવસ તેમજ કલબોમાં એમનું ગૃપ ગરબા ગવડાવવા જતું. એ પણ એમની વોલંટીયર સેવા જ હતી. આમ જીવનની ગાડી પાટા પર હતી ત્યાં સસરાને કેન્સર થયું. જેથી જીન્જામાં ઘર વેચી સહકુટુંબ ૧૯૬૮માં પુન: ભારત આવી ગયા. સસરાના સ્વર્ગવાસ બાદ ૧૯૭૨માં લંડનમાં સ્થળાંતર કર્યુ, સાઉથ લંડનના સરેમાં પ્રોપર્ટી ખરીદી ત્યાં સ્થાયી થયાં. શરૂઆતના વર્ષોમાં ગ્રીક કંપનીમાં હર્ષદભાઇએ જોબ કર્યા બાદ શોપ લીધી. લંડનમાં પાટીદાર સમાજ અને ભાદરણ બંધુ સમાજની સ્થાપનામાં શ્રી હર્ષદભાઇનો ફાળો મહત્વનો હતો. દિકરો ઉંમરલાયક થતા શોપનો કાર્યભાર એ સંભાળતો થયો. ત્યારબાદ ૧૯૮૬થી વંદનાબહેન અને હર્ષદભાઇએ વર્ષના છ મહિના ગુજરાતમાં અને છ મહિના લંડનમાં રહેવાનું શરૂ કર્યું. સપ્ટેમ્બર ૨૦૧૧માં હર્ષદભાઇએ ફાની દુનિયા છોડી અને વંદનાબહેનના જીવનમાં શૂન્યાવકાશ છવાયો. વંદનાબહેનના માથે જાણે આભ પડ્યું. ક્યારેય ઘર બહારના બેન્કિંગ જેવા કોઇ કામ કર્યા ન હતા. ચેક લખતાં ય ન આવડે! ગેસ બીલ, ઇલેકટ્રીક બીલ, પ્રોપર્ટી વગેરેમાં નામ બદલવા જેવા કામો એક ગૃહિણી માટે કેટલા કપરાં બની જાય? હજી માંડ-સ્વસ્થતા કેળવી ત્યાં તો જુવાનજોધ દીકરાનું અસ્થમાના એટેકથી જાન્યુઆરી ૨૦૧૨માં અવસાન થયું. એક જ વર્ષના ગાળામાં માથે બે-બે આઘાતો ભલભલાને ઢીલાં કરી દે અને હતાશા જન્માવે. પરંતુ વંદનાબહેન માટે પોતાની જાતને આ આઘાત જીરવવા તૈયાર કર્યા સિવાય છૂટકો ન હતો. સમય બળવાન છે. સમય સામે માનવી લાચાર બની જાય છે. દિકરી રાગિણી મુંબઇમાં રહેતી હોવાથી એણે સમજાવ્યું કે કઇ રીતે ચેક લખવો? બહારના કામો માટે ક્યાં સુધી બીજા પર આધાર રખાય? સમય અને સંજોગો માણસને બધું શીખવાડી દે છે. સમય પસાર કરવો કપરો હતો ત્યારે એમના ડોકટર ભાઇની શીખ માની એકલા એકલા ગાવાનું શરૂ કરી નિજાનંદમાં મસ્ત બનવાનું શીખી લીધું. એક વખત ક્રિસમસ પાર્ટીમાં દિકરીની દિકરીએ ગીફ્ટમાં કલરીંગ બુક આપી. પછી એમાં કલર પૂરવાનું કામ શરૂ કર્યું. કલરીંગના આ શોખથી સમય પસાર થવા લાગ્યો. એક દોહિત્ર અને દિહિત્રી ઉપરાંત ત્રણ ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રન નાનીમાની છત્રછાયાનો લાભ મેળવે છે.
એમની સાથે વડોદરામાં એક બહેન ફુલ ટાઇમ રહે છે અને ઘરના નાના-મોટા કામમાં મદદ કરવા ઉપરાંત કંપની આપે છે. વંદનાબહેને ગીતાનો સંદેશ પચાવી સ્થિતપ્રજ્ઞતા કેળવી શાંતિપૂર્વક જીવન વીતાવી રહ્યા છે. રોદણાં રડવાથી કે હતાશ થવાથી સમસ્યાનું સમાધાન નથી થતું. એના વિકલ્પ શોધવા મનને તૈયાર કરવું પડે છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. બાબુભાઇ જશભાઇ પટેલના સંસ્મરણોની મીઠી સુવાસ
વંદનાબહેને એમના મોટા કાકા ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વેળાના સંસ્મરણો વાગોળતાં સગર્વ જણાવ્યું કે, ૨૬ વર્ષની ઉમરથી મોટાકાકા રાજકારણમાં સક્રિય હતા પરંતુ સરકારી લાભનો દુરૂપયોગ તો શું, ઉપયોગ પણ કર્યો નથી. સરકારી ગાડી ઘરના આંગણામાં હોવા છતાં વિધાનસભા ચાલતા જતા. એના કારણમાં કહેતા કે, સરકારનો પેટ્રોલનો ખર્ચો બચે. મને ડાયાબિટીસ છે તો ચાલવું સારૂં. તેઓ માત્ર બે જ કપડાં રાખતાં. એક વખત પેરિસ એક મીટીંગમાં હાજરી આપી લંડન પરત આવતા હતા તે વખતે વંદનાબહેનને ફોન કરી જણાવ્યું કે મારા માટે એક જોડી કપડાં લઇને આવો નહિ તો કપડાં વિના હું નાહી નહિ શકું. સ્વાતંત્રય સેનાની હોવાના નાતે પેન્શન મળે તો તે ય ન લીધું. નિવૃત્તિ બાદનું પેન્શન કે ભથ્થું પણ સ્વીકાર્યું નહિ. વંદનાબહેને પૂછયું કે, તમે તમારા હક્કનું પણ જવા દો છો. તમારી પાસે પૈસા નહિ હોય તો શું કરશો? તો કહેતાં કે, તમારો ભાઇ મને રાખે છે. મારે કોઇ જરૂર નથી પછી શું કામ સરકારી નાણાં વેડફું? જરૂર પડશે તો લઇશ. કોઇ એમને એવોર્ડ આપે અને રોકડ રકમ હોય તો જે તે સંસ્થાને દાનમાં આપી દેતા. સાદગી-સરળતા અને પારદર્શક જીવન, કર્તવ્ય પરાયણતા, કરકસર વગેરે ગુણોની ખાણ સમા મુખ્યમંત્રી કે રાજકારણી આજના સમયમાં શોધ્યા જડે નહિ!
વંદનાબહેનની જીવનશૈલીનો સંદેશ છે કે પ્રતિકૂળ સમય-સંજોગોને અનુકૂળ બનાવી જીવનને જીવવા યોગ્ય બનાવવું.

