તાજેતરમાં ભારતીય મૂળના અમેરિકન ગાયિકા ફાલ્ગુની શાહ અને તેમના પતિ ગૌરવ શાહ દ્વારા તૈયાર કરાયેલ Abundance in Millets... ગીતને વર્ષ 2024ના ગ્રેમી એવોર્ડ્સમાં બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં નામાંકિત કરાયું. આ ગીતમાં માર્ચ 2023માં નવી દિલ્હી ખાતે આયોજિત ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સના ઉદ્દઘાટન સમયે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા સંબોધનના અંશ પણ સમાવવામાં આવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2023ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ જાહેર કર્યું છે. ભારત સરકારે આ માટે છેક 2019માં ભલામણ કરી હતી. સામાન્ય રીતે આપણે બાજરી સહિતના કેટલાંક અનાજને જાડાં ધાન કે અનાજ તરીકે ઓળખીએ છીએ. બાજરી ભારતીય થાળીમાં પરંપરાગત સ્થાન ધરાવે છે. તેમ છતાં મોટાભાગના લોકો હવે દેખાદેખી આ જાડાં અનાજનો ઉપયોગ ટાળી રહ્યાં છે. આપણી થાળીમાં ઘઉં અને ચોખા નિયમિત ખોરાક બની ગયાં છે. આવા સમયે જાડાં અનાજના લાભ અંગે જનતાને જાગૃત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે એક અભિયાન પણ શરૂ કર્યું છે. બાજરી, જુવાર, નાગલી, કોદરી, રાગી સહિતના જાડાં અનાજમાંથી પ્રાપ્ત થતાં ફાઇબર્સ ઝડપથી પચે છે અને તેના કારણે વ્યક્તિનું પાચન આરોગ્ય સુધરવાની સાથે શરીર તંદુરસ્ત બની શકે છે. જાડાં અનાજમાંથી પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, ગ્લૂટન ફ્રી તત્વો, વિટામીન એ, બી ઉપરાંત ફોસ્ફરસ, પોટેશિયમ, નિયાસિન, કેલ્સિયમ, આર્યન અને મોટા પ્રમાણમાં એન્ટીટોક્સિડેન્ટ્સ ઉપલબ્ધ છે. જેના કારણે હૃદયરોગ, સ્ટ્રોક, ડાયાબિટિસ અને હાઇ બીપી જેવા રોગોનું જોખમ પણ ઘટે છે. આ તો થઇ માનવીય તંદુરસ્તીની વાત. પરંતુ જાડાં અનાજનો ઉપયોગ દેશના અર્થતંત્રને પણ લાભકારી બની શકે છે. જાડાં અનાજની ખેતી ઘણી સસ્તી પડે છે. હાલ ક્લાઇમેટ ચેન્જના કારણે ઠેકઠેકાણે દુકાળ જોવા મળી રહ્યો છે ત્યારે જાડાં અનાજ ઓછા પાણીએ ઉગાડી શકાય છે તેથી તેના ઉત્પાદન માટે સિંચાઇ અને વીજળીની ઓછી જરૂર પડે છે. જાડાં અનાજની ખેતી સસ્તી હોવાના કારણે બજારમાં તેમની કિંમત ઓછી રહેવાથી જનતાના ખિસ્સા પર બોજો ઓછો પડે છે. સિંચાઇમાં વપરાતી વીજળીમાં બચત દેશના અર્થતંત્રને લાભ કરાવે છે. સસ્તાં અનાજના કારણે ફુગાવાના દરમાં પણ ઘટાડો થાય છે. આજે જ્યારે વિશ્વના ઘણા દેશો અન્ન કટોકટીનો સામનો કરી રહ્યાં છે ત્યારે જાડાં અનાજ આ કટોકટીને હળવી કરવામાં ઘણાં મદદરૂપ બની શકે છે.
