ભારતમાતા: જવાહરલાલથી રાહુલ ગાંધી!

Wednesday 22nd November 2023 05:46 EST
 
 

રાજસ્થાનમાં ચૂટણી પ્રચારની એક સભામાં રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો. તેની ઓડિયો કેસેટમાં શબ્દશ; આ વાક્યો છે;”ભારતમાતા હૈ કૌન? ભારતમાતા હૈ ક્યા?” આનો અર્થ જુદો જુદો થાય. સામાન્ય નાગરિક તો એમ જ સમજે કે રાહુલ ભારતમાતા કી જય નારાને નાપસંદ કરીને તીર છોડે છે કે ભારતમાતા હૈ ક્યા? એટ્લે ટીકનું નિશાન નારાને બદલે ભારતમાતા તરફનું બની ગયું! આમાં રાહુલની વિચિત્ર હિન્દીનો દોષ છે કે પછી રાહુલ આ સૂત્ર પર પોતાની ચીડ કાઢે છે? રાજકીય પક્ષ-અને તે પણ કોંગ્રેસ- જેનો દાવો છે કે ભારતની આઝાદી તેમના પક્ષે લાવી છે, તેનો નેતા આવા વિધાનથી કહેવા શું માંગે છે?
રસપ્રદ તવારીખ તો એ પણ છે કે છેક 1936માં ગાંધી-નેહરૂ પરિવારના પૂર્વજ દિગ્ગજ નેતા પંડિત જવાહરલાલ નેહરૂએ આવીજ રીતે એક સભામાં ભાષણ કરતાં પુછ્યછયું હતું કે તમે જે આ નારો લગાવો છો તે ભારતમાતા કોણ છે? અને પછી લાક્ષણિક રીતે પોતેજ જવાબ આપતા કહ્યું કે પહાડ, નદી, વૃક્ષો, પ્રકૃતિ તો છે જ પણ ભારતના સમગ્ર લોકો યે છે, તે ભારતમાતા છે અને આ તેનો જયકાર છે. એ સમયે તો આ એક રાષ્ટ્રભક્ત નેતાની વાત સમજીને કોઈએ ખાસ વિવાદ કર્યો નહિ, પણ મૂળમાં “ભારત, ભારતમાતા, અને તેની જય” વિષે એક વર્ગ પોતાની વિરોધ લાગણીને વારંવાર વ્યક્ત કરવાની માનસિકતા દર્શાવે છે. કોંગ્રેસમાં છેક જમાનાથી આવું ચાલતું આવ્યું છે. રાષ્ટ્રીય કોંગ્રેસનાં 1825માં મુંબઈના તેજપાલ સભાગૃહમાં થયેલી પ્રથમ બેઠકમાં જ “લોંગ લિવ વિકટોરિયા” ગીતથી શરૂઆત થઈ તે વર્ષો સુધી ચાલ્યું, પછી તેમાથી મુક્તિ મળી તે લોકમાન્ય તિલક, લાલા લાજપતરાય, શ્રી અરવિંદ અને બિપીનચંદ્ર પાલના નેતૃત્વને લીધે રાષ્ટ્રીયતાનો રંગ ભળ્યો. તેની શરૂઆત તો ઓગણીસમી સદીના અંત ભાગે થઈ ચૂકી હતી. 1873માં કિરણ ચંદ્ર બેનર્જીએ એક નાટક લખ્યું,”ભારતમાતા”.1882માં એક નવલકથા બંગાળી ભાષામાં આવી તે “આનંદમઠ” તેનાથી જંગલમાં આગની જેમ વંદે માતરમનો જયઘોષ ચારેતરફ ઉઠ્યો. બંકિમ ચંદ્રની એ કથામાં આ ગીત આવે છે, અને કહેવામા આવ્યું છે કે લેખકને બાળપણમાં ગામના પાદરેથી નીકળતા સાધુઓના કાફલામા “માતા કી જય! માતા કી જય!” નો લલકાર સાંભળીને આ ગીતની પ્રેરણા થઈ હતી. 1905માં બંગાળના ભાગલાથી આ રાષ્ટ્રીય ભાવનાનો યુગ શરૂ થયો. વડોદરાથી (ગુજરાત અને ગુજરાતીઓએ આનું ગૌરવ અનુભવવું જોઈએ) અધ્યાપક અરવિંદ ઘોષે “ભવાની મંદીર” પુસ્તિકા લખી. ભગિની નિવેદિતાએ “કાલી-ધ મધર” લખ્યું, શાંતિનિકેતનમાં અવનીન્દ્રનાથ ટાગોરે એક ચિત્ર બનાવ્યું, તેમાં ભારતમાતાનો સાક્ષાત્કાર થાય છે. 1904માં આ ચિત્ર આવતાંવેત દેશને ભારતમાતાની તસવીર આત્મસાત થઈ ગઈ અને રણઘોષ જેવુ સૂત્ર મળ્યું :ભારત માતા કી જય !”
કોઈ એક સૂત્ર દેશની જાગૃતિનો મંત્ર બની જાય ત્યારે કેવી ચેતના જાગે છે તેનો અંદાજ મેળવવા આ સૂત્ર પૂરતું છે. ભલે તેનું શબ્દસ્વરૂપ વીસમી સદીના પ્રારંભે મળતું હોય પણ તેની ભાવના તો હજારો વર્ષ જૂની છે. ભારત અને પૃથ્વીને માતા તરીકેની વંદના તો છેક વેદકાળની છે. “માતા ભૂમિ, પુત્રો અહમ પૃથ્વીયા“ આવું અથર્વ વેદ સુકતમાં વર્ણન છે. એટ્લે ભારતીય પરંપરામાં માતૃશક્તિ શિખર પર છે. વિવિધ પ્રદેશોમાં આ એકસૂત્રતા છે. મહારાષ્ટ્રમાં તો ભગવદગીતને પણ ગીતાઈ કહે છે! ભારતીય પૌરાણિક કથાઓમાં માતૃશક્તિના અનેક સ્વરૂપો છે, તે મહાકાળીથી ચામુંડા, દુર્ગા, ભવાની, ગૌરી, અંબા, કામાખ્યા.. કેવકેવા સ્વરૂપે વિરાજિત છે. એટ્લે ભારતને માતાના સ્વરૂપે વંદના કરવી એ તો છેક વેદકાળથી ચાલી આવતી પરંપરા છે. તેની પૃથ્વી સ્તુતિ છે, તેને વસુધા કહેવામા આવી છે અને તેમાથી જ આપણી સંસ્કૃતિમાં “વસુધૈવ કુટુંબકમ”ની ફિલસૂફી આવી. પછીથી આમાં અલગાવ આવ્યો તે ભારતીય રાજકારણ અને સમાજને કલુષિત કરી ગયો. ભારત દેશ છે અને તેને માતા કહેવી, દુર્ગા માનવી એ અમારા ધર્મની વિરુદ્ધ છે એવી દલીલો કોંગ્રેસ અને મુસ્લિમ લીગના મંચ પરથી શરૂ થઈ. 1950માં ભારતીય બંધારણના ઘડવૈયાઓને આ જ મુશ્કેલી પડી એટ્લે જનગણ મન રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવ્યું, ખરેખર તો ભારતીય સ્વાતંત્ર્યજંગ સંપૂર્ણ રીતે વંદે માતરમના જયઘોષ સાથે ખેલાયો હતો, 6 લાખ ક્રાંતિકારો આ સૂત્રના ઘોષ સાથે ફાંસી, તોપ અને આંદામાનની યાતનાઓથી શહીદ થયા, મહત્વની વાત એ છે કે તેમાં બહાદુરશાહ ઝફર, અઝીમુલ્લાખાન, અશફાકઉલ્લા ખાન જેવા મુસ્લિમ દેશભકતો પણ માદરે વતન, વંદેમાતરમ અને ભારતમાતાના આદર્શની સાથે જોડાયા હતા. મોહમ્મદ અલી ઝીન્ના પણ શરૂઆતમાં હોમ રૂલ આંદોલનના પ્રમુખ નેતા તરીકે વંદે માતરમ ગીત ઊભા થઈને અદબપૂર્વક ગાતા. ખરી વાત એ છે કે હિન્દુ-મુસ્લિમ વૈમનસ્ય અને અલગાવને લીધે અને આજના તકલાદી “મોડરેટ્સ” તેમજ માર્કસવાદી ઈતિહાસકારોના વલણ અને પ્રચારને લીધે ભારતમાતા અને તેની જયને “કોમવાદી” “ધાર્મિક” ગણી લેવામાં આવે છે. કોંગ્રેસનાં એક નેતા અવની બંસલે તો લેખ પણ લખ્યો કે આ તો સ્ત્રી-પુરુષનો મામલો છે. દેશ સ્ત્રી હોય કે પુરુષ. આમાં તો ધાર્મિક માનસિકતા છે. ઘણી જગ્યાએ દેશ અને સમુદાયને ફાધરલેન્ડ માનવામાં આવે છે. જેમ કે જર્મની પુરુષવાચક દેશ છે, યહૂદીઓ પોતાના હોમલેન્ડ માટે લડ્યા, પણ આ દલીલો ભારતને લાગુ પડતી નથી. રશિયા વિશ્વયુદ્ધ પહેલા માત્ર પુરુષવાચક દેશ હતો, પણ આક્રમણને ખાળવા સ્તાલિને રશિયા માતૃભૂમિ તરીકેની ભાવના ઊભી કરવી પડી.ઈંગ્લેન્ડ પોતાના માટે “શી” શબ્દનો ઉપયોગ કરે છે. અને આપણે બંધારણ અનુસાર ઈન્ડિયા ધેટ ઇઝ ભારત એવી વ્યાખ્યા કરી છે. ચાલાક મોડરેટ્સ તેના આધારે એવી દલીલો કરે છે કે બંધારણમાં માત્ર ભારત કહેવામા આવ્યું છે, ભરતમાતા નહિ!
સ્વાધી ભારતમાં લોકશાહીને મતમતાંતરનો મંચ બનાવવામાં આવ્યો એટ્લે સેક્યુલર હોવાના બહાના હેઠળ ભારતમાતા કી જય નો ઇનકાર કરવામાં આવે છે. બીજું લક્ષણ તદ્દન રાજકીય છે. સત્તા પક્ષ ભાજપાનો કાર્યકર્તા ભારતમાતા કી જય નું સૂત્ર પ્રયોજે છે, તેનાથી પ્રજાનો-અર્થાત મતદારનો- મોટો વર્ગ ભાવાત્મક રીતે તેની સાથે થઈ જાય છે. અરે ભાઈ, ભરતવર્ષ કહેવામા પણ કોઈ વાંધો ક્યારેય નહોતો, ભારત શબ્દ અનેક પક્ષોની સાથે જોડાયેલો જ છે, જેમ કે ભારતીય જનસંઘ, ભારતીય જનતા પક્ષ, ભારતીય કોંગ્રેસ.વગેરે. અને સ્વાતંત્ર્ય સૂત્રો પણ કેટલા બધા પ્રચલિત હતા, લંડનમાં ઈન્ડિયા હાઉસના ક્રાંતિકારોનું, વીર સાવરકરે આપેલું સૂત્ર હતું “સ્વાતંત્ર્ય લક્ષ્મીની જય !”,સરદાર ભગતસિંહ ભારતમાતા કી જયની સાથે પોકારતા “ઇંકલાબ ઝિંદાબાદ..” નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજે સ્વીકાર્યું હતું “જય હિન્દ!”.આવું જ મહત્વ ભારત માતા કી જય અને જય ભારતનું છે. આમાં રાહુલને ભારતમાતા ની વ્યાખ્યા કરવાની જરૂરત કેમ પડી? જવાબ એક જ છે, ઇતિહાસ અને સંસ્કૃતિના અધૂરા જ્ઞાન સાથે, રાજકીય પ્રતિસ્પર્ધીની સામે આવું કોઈ તિકડમ કરવું, જેથી મતદાર ફંટાઇ જાય!


comments powered by Disqus