19 નવેમ્બર 2023ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઇસીસી વન ડે મેન્સ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો. સમગ્ર ટુર્નામેન્ટમાં એકપણ મેચમાં પરાજિત નહીં થયેલી ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયન ટીમની વ્યૂહરચના સામે ધરાશાયી થઇ ગઇ જેના કારણે ભારતના કરોડો ક્રિકેટ રસિયાઓમાં નિરાશાની સુનામી આવી ગઇ હતી. જોકે આ મેચમાં સૌથી મહત્વની વાત આંખે ઊડીને વળગી અને એ હતી ભારતીય દર્શકોની ખેલદિલી. બરાબર યાદ છે 1996માં કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે ક્રિકેટ વર્લ્ડ કપની સેમી ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ ત્યારે ભારતીય ટીમની 120 રનમાં આઠ વિકેટ પડી ત્યારે સ્ટેડિયમમાં હાજર 1,10,000 જેટલા પ્રેક્ષકો ભારતીય ટીમના ધબડકાને પચાવી શક્યાં નહોતાં. હિંસક બનેલા પ્રેક્ષકોએ મેદાન પર બાટલીઓનો વરસાદ વરસાવીને સ્ટેડિયમમાં વ્યાપક આગજની કરી હતી. જેના પગલે મેચ રેફરી ક્લાઇવ લોઇડને શ્રીલંકન ટીમને વિજેતા જાહેર કરવાની ફરજ પડી હતી. આ ઘટનાએ પૂરવાર કરી દીધું હતું કે ભારતીય દર્શકોમાં ટીમ ઇન્ડિયાના પરાજયને પચાવવાની જરાપણ તાકાત નથી. ખેલદિલીને તાક પર મૂકીને હિંસક બનેલા દર્શકોએ સમગ્ર વિશ્વમાં ભારતને નીચાજોણું કરાવ્યું હતું. પરંતુ 2023ની વર્લ્ડ કપ ફાઇનલની મેચમાં અમદાવાદના દર્શકોએ પુખ્ત ખેલદિલીનો પરચો આપ્યો હતો. ભારતીય ટીમના હાથમાંથી બાજી સરકી રહી હોવાનું નજર સામે હોવા છતાં સમગ્ર સ્ટેડિયમમાં આખી મેચ દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ બન્યો નહોતો. ઉલટાનું અમદાવાદના ક્રિકેટપ્રેમીઓએ ઓસ્ટ્રેલિયાના વિજયને ખેલદિલી સાથે વધાવી લીધો હતો. હા, ભારતીય ટીમના ધબડકાએ સ્ટેડિયમમાં નિરાશાનું મોજું ફેરવી દીધું હતું પરંતુ દર્શકોએ આ પરાજયને ખેલદિલીપુર્વક સ્વીકારી લીધો એ બાબત દર્શાવે છે કે ભારતીય ક્રિકેટ પ્રેમી પુખ્ત ખેલદિલ બની ગયો છે અને હવે રમતના વિજય અને પરાજયને પચાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી ચૂક્યો છે.
