ગેરકાયદેસર માઇગ્રન્ટ્સના મામલે વડાપ્રધાન રિશી સુનાક અગ્નિપરીક્ષાનો સામનો કરી રહ્યાં છે. ગયા સપ્તાહમાં સુપ્રીમ કોર્ટે રાજ્યાશ્રયની માગ કરી રહેલા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલી આપવાની યોજનાને ગેરકાયદેસર ઠેરવતા કોર્ટ ઓફ અપીલના ચુકાદા પર મહોર મારતાં સુનાકની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પોતાની પાંચ પ્રાથમિકતાઓમાં સુનાકે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની સમસ્યાનો ઉકેલ લાવવાને સ્થાન આપ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો સુનાક સરકાર માટે નવો અવરોધ લઇને આવ્યો છે. હાલમાં યુકે માટે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ માથાનો દુઃખાવો બન્યાં છે. છેલ્લાં કેટલાક વર્ષમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને નાની હોડીઓમાં આવી રહેલાં માઇગ્રન્ટ્સના ધાડાંએ યુકેની રાજ્યાશ્રય વ્યવસ્થાને જ ખોરવી નાખી છે. એકતરફ આંતરરાષ્ટ્રીય કાયદા અને કરારો સાથે સંકળાયેલ હોવાના કારણે સરકાર ગેરકાયેદસર રીતે આવી રહેલાં માઇગ્રન્ટ્સની સામે આકરાં પગલાં પણ લઇ શક્તી નથી. તેમના કારણે સરકારની તિજોરી પર મસમોટો એવો આર્થિક બોજો પણ પડી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદાના પગલે સુનાક સરકાર ફરી એકવાર ભીંસમાં આવી પડી છે. સરકારની રવાન્ડા યોજની અભેરાઇ પર ચડી ગઇ છે ત્યારે હવે પછીના સમયમાં સુનાક સરકાર ગેરકાયદેસર માઇગ્રન્ટ્સના મામલમાં કેવા પ્રકારના પગલાં ભરે છે તે જોવાનું રહ્યું. રવાન્ડા યોજનાના મામલે સુનાક સરકારમાં પણ ઊભા ફાડિયાં જોવા મળી રહ્યાં છે. ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિક રાજ્યાશ્રયના કેસોમાં આકરું વલણ અપનાવવા માટે તાકિદે નવો કાયદો ઘડવાની હિમાયત કરી રહ્યાં છે તો હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલી, એટર્ની જનરલ વિક્ટોરિયા પ્રેન્ટિસ અને જસ્ટિસ સેક્રેટરી એલેક્સ ચાક આકરું વલણ અપનાવવા સામે વાંધો ઉઠાવી રહ્યાં છે. જો સુનાક સરકાર યુરોપિયન સંઘ સાથેના માનવ અધિકાર કરાર સાથે છેડો ફાડવાનું વલણ અપનાવશે તો પણ વધુ કાયદાકીય પડકારો ઊભા થશે તેવું મંતવ્ય નિષ્ણાતો રજૂ કરી રહ્યાં છે. સૌથી મોટી અડચણ એ બની રહેશે કે આકરા વલણનો અમલ મુશ્કેલ થશે. સુનાક સરકાર સુપ્રીમ કોર્ટે ઉઠાવેલા સવાલોના જવાબરૂપે આગામી સપ્તાહમાં રવાન્ડા સાથે નવો કરાર કરવાની તૈયારી કરી રહી છે પરંતુ તેને સંસદની મંજૂરી મળવામાં પણ લાંબો સમય લાગી શકે છે. આમ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સના મામલામાં વડાપ્રધાન રિશી સુનાક માટે એક સાંધે ત્યાં તેર તૂટેનો ઘાટ સર્જાયો છે. આગામી સમય સુનાકની રાજનીતિ માટે અગ્નિપરીક્ષા સમાન બની રહેશે એ વાતમાં કોઇ શંકા નથી.
