નવી દિલ્હીના શાનદાર શાસ્ત્રી ભવનના ચોથા માળે મે મહિનાની અઢારમીના ગુરુવારે થોડીક હલચલ વધી ગઈ હતી. કાનૂન મંત્રી કિરણ રિજિજુ પાસેથી એ વિભાગ લઈ લેવાયો હતો અને તેમના સ્થાને અર્જુનસિહ મેઘવાળને મૂકાયા.
કેન્દ્ર સરકારમાં આવો ફેરફાર થાય અને તે પણ કાનૂન જેવા ખાતાંમાં, તો ચર્ચાના વમળ ના થાય એવું કેમ બને? રાજ્યકક્ષાના અર્જુનસિંહ મેઘવાળને બઢતી મળી અને કિરણ રિજિજુનું ખાતું સોંપીને સિનિયર બનાવી દેવામાં આવ્યા!
કિરણ રિજિજુને હવે પૃથ્વી વિજ્ઞાન સોંપવામાં આવ્યું તે જીતેન્દ્ર સિંહની પાસે હતું. ઘણી વાર પ્રધાનમંડળમાં જે તે વિભાગના નિષ્ણાત કે જાણકાર ના હોય તેમને પણ એ વિભાગ સોંપી દેવામાં આવે એવું બને છે. જોકે હોંશિયાર નેતાઓ જ્યાં, જે ખાતું મળ્યું હોય ત્યાં થોડા દિવસોમાં જાણકાર થઈ જાય છે. 19 મે, શુક્રવારે પોતાનો વિભાગ સંભાળ્યો ત્યારે પત્રકારોએ મહા-પ્રશ્ન પૂછયોઃ તમે કાનૂન મંત્રી તરીકે કઈ ભૂલ કરી કે હટાવાયા? રિજિજુએ કહ્યું કે કોઈ ભૂલ નહોતી. વડાપ્રધાનને એ અધિકાર છે કે જુદી જુદી જવાબદારી સોંપવી. એટલે મને આ ખાતું સોંપવામાં આવ્યું. વડા પ્રધાનના વિચારોનું આ પરિણામ છે.
કાનૂન મંત્રાલયનો સીધો સંબંધ ન્યાયતંત્ર સાથે છે. સંસદીય લોકશાહીમાં બંધારણના ઘડવૈયાઓએ ન્યાયતંત્રને મહત્વ આપ્યું તે બધા ધારાશાસ્ત્રીઓ હતા એટલા માટે નહિ પણ સંસદ, કારોબારીમાં ક્યાંય અતિરેક દેખાય કે અવરોધ જોવા મળે અને નાગરિક અધિકારોની સુરક્ષા જળવાય નહિ તો ન્યાયતંત્ર તેના મજબૂત ઉપાય તરીકે રહે એવી માન્યતા ધરાવતા હતા. બાબાસાહેબ આંબેડકર “નિષ્પક્ષપાતી ન્યાય”ના પુરસ્કર્તા હતા, પણ ઇન્દિરા ગાંધીએ સર્વોચ્ચ અદાલતના સિનિયરોને અવગણીને ન્યાયમૂર્તિઓને બઢતી આપી ત્યારે ઇન્દિરા-મંત્રીમંડલના પૂર્વ સામ્યવાદી મંત્રી પી. કુમારમંગલમે તેને “કમિટેડ જ્યુડિસિયરી” કહી હતી. કમિટમેંટ પણ કોનું, કોઈ એક પરિબળનું કે પ્રજા માટેના વિશ્વસ્ત ન્યાયનું? એ સવાલ વર્ષોથી લટકતો રહ્યો છે, વર્તમાન સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમુર્તિ છે ધનંજય યશવંત ચંદ્રચૂડ. એક વાર દલીલોના માહોલમાં તેમણે કાનૂન મંત્રી રિજિજુને કહ્યું હતું કે તે જન્મ્યા ત્યારે મારી વય બાર વર્ષની હતી! વય-વરિષ્ઠતા માટે આ મજાક કરી હોય, તે સમયે તો રિજિજુએ હળવાશમાં જ જવાબ આપ્યો હતો પણ એવા અનેક પ્રશ્નો હતા જેનો ખુલાસો ન્યાયતંત્રે આપવો જોઈએ એમ રિજિજુ માનતા હતા.
અદાલતોના પણ બે રૂપ છે. એક ન્યાય આપવાનું, બીજું ધારાશાસ્ત્રી, ન્યાયમુર્તિઓ, વડી અદાલત, હાઇ કોર્ટ, વકીલમંડળો, બેન્ચ, વિવાદી બાબતોની ટ્રિબ્યુનલો, સ્થાનિકથી સર્વોચ્ચ અદાલત, ન્યાયમૂર્તિઓની નિયુક્તિ, નિવૃત્તિ, કોલજીયમ પ્રથા, નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂકો.. આમાં ન્યાય પ્રાપ્ત કરવામાં વિલંબ, “નોટ બિફોર મી”નું વલણ, ચૂંટણીમાં ઉમેદવારી અને જીત-હાર પર સુનાવણી... છેક 1952 થી આ બધી વૃત્તિ-પ્રવૃત્તિને કારણે સંસદની સર્વોપરિતા કે ન્યાયતંત્રની - એ સવાલ વારંવાર ઊઠે છે. કેટલાક કાયદા અને કેટલાક રાજકીય મહાનુભાવોને પડકાર પણ ફેંકાયો છે.
આ કિસ્સાના પડછાયા જેવી બાબતો વર્તમાનમાં પણ હતી, રિજિજુ તેના પર બોલતા અને કહેતા કે સંસદ પ્રજાએ ચૂંટેલું બંધારણીય ગૃહ છે, ન્યાયાધીશોએ સીધા પ્રજાની વચ્ચે કામ કરવાનું હોતું નથી. કોલેજીયમ પર વધુ ઘર્ષણ રહ્યું. સાચી વાત એ છે કે કેટલાક વિવાદોથી રિજિજુ થાક્યા હતા, એટ્લે વડાપ્રધાને વિભાગ બદલાવ્યો. તેમની જગ્યાએ આવેલા અર્જુનસિંહ રાજસ્થાનથી આવે છે. 16 ટકા દલિતોમાં 60 ટકા મેઘવાળ છે. અર્જુન આઈએએસ અને સમાજસેવી છે, તેમની સરળતાને લીધે “સાઇકલ મંત્રી” તરીકે જાણીતા છે. રાજસ્થાનમાં વસુંધરા રાજે નહિ, પણ મેઘવાળ પણ આવી રહેલી ચૂટણીમાં વધુ પ્રભાવી રહે એટ્લે રાજ્યકક્ષાથી તેમણે કેન્દ્રીય મંત્રી બનાવ્યા છે. જોઈએ, હવે મંત્રી બદલાવમાં કોણ, ક્યાં પહોંચે છે.

