જી-7 મીટિંગમાં બાઈડેન-મોદીની મિત્રતાનાં દૃશ્યો

Wednesday 24th May 2023 07:18 EDT
 
 

ટોકિયોઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે G-7 મીટિંગમાં હાજરી આપવા માટે જાપાનના હિરોશિમા પહોંચ્યા હતા. આ દરમિયાન G-7 સમિટમાં ભારત અને અમેરિકાની મિત્રતા દેખાઈ હતી. જી-7 મીટિંગમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન પહોંચતાં જ પીએમ મોદીની પાસે પહોંચી ગયા અને તેમને ગળે લગાવ્યા. પીએમ પણ તેમને એટલી જ ઉષ્મા સાથે ભેટી પડ્યા હતા. ભલે તેમની મુલાકાત થોડા સમય માટે હતી, પરંતુ તેનાથી ચીનની ચિંતા વધી ગઈ છે.
જી-7 મીટિંગમાં જાપાન અને અમેરિકા ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ, જર્મની, કેનેડા અને ઈટાલી તેમજ યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ડિજિટલાઇઝેશન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ઉપરાંત કનેક્ટિવિટી, સુરક્ષા, પરમાણુ નિઃશસ્ત્રીકરણ, આર્થિક સુરક્ષા, પ્રાદેશિક મુદ્દાઓ, ક્લાઇમેટ ચેન્જ, ખાદ્ય અને સ્વાસ્થ્ય અને વિકાસ જેવા મુદ્દા પર ચર્ચા થઈ.
હિરોશિમામાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ
જી-7 સમિટમાં ભાગ લેતા પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પછી પીએમ મોદીએ કહ્યું કે, હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમા અહિંસાના વિચારને આગળ વધારશે. મોદીએ કહ્યું કે, મારા માટે એ જાણવું આનંદની ક્ષણ છે કે, મેં જાપાનના પીએમને ભેટમાં આપેલું બોધિવૃક્ષ અહીં હિરોશિમામાં વાવવામાં આવ્યું છે, જેથી લોકો અહીં આવે ત્યારે શાંતિનું મહત્ત્વ સમજી શકે. મહાત્મા ગાંધીની 42 ઇંચ લાંબો કાંસ્ય પ્રતિમા પદ્મભૂષણ એવોર્ડ વિજેતા રામવનજી સુથાર દ્વારા બનાવવામાં આવી છે.
પ્રખ્યાત ભાષાશાસ્ત્રી ટોમિયોને મળ્યા પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંત્રી મોદીએ શનિવારે જાણીતા ભાષાશાસ્ત્રી પદ્મ પુરસ્કારથી સન્માનિત પ્રોફેસર ટોમિયો મિઝોકામી સાથે પણ મુલાકાત કરી હતી. ટોમિયો એક પ્રખ્યાત હિન્દી અને પંજાબી ભાષાશાસ્ત્રી છે. બેઠક બાદ પીએમએ કહ્યું કે, તેઓ હિરોશિમામાં ટોમિયો મિઝોકામી સાથે વાત કરીને ખુશ છે. તેમણે જાપાનના લોકોમાં ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યને લોકપ્રિય બનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા.


comments powered by Disqus