હિરોશીમાઃ જાપાનના હિરોશીમામાં ક્વોડ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં ભારતના પ્રધાનમંત્રી મોદી સહિત અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એલ્બેનીઝી અને જાપાનના પ્રધાનમંત્રી કિશિદા જોડાયા હતા.
ક્વોડ સમિટમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, ક્વોડ ગ્રૂપે સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિ માટેનાં મહત્વના મંચ તરીકે પોતાની સ્થાપના કરી છે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર વૈશ્વિક વ્યાપાર, નવીનતા અને વિકાસનું એક એન્જિન છે. ઇન્ડો-પેસિફિકની સુરક્ષા અને સફળતા એ સમગ્ર વિશ્વ માટે મહત્ત્વની છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે સૌના સહકારથી માનવ કલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિ માટે કામ કરતા રહીશું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, સ્ટ્રેટેજિક ટેક્નોલોજી, હેલ્થ સિક્યોરિટી, મેરિટાઇમ સિક્યોરિટી, કાઉન્ટર ટેરેરિઝમ જેવાં ક્ષેત્રોમાં અમારો સહયોગ વધી રહ્યો છે. અનેક દેશ અને સમૂહ પોતાની ઇન્ડો-પેસિફિક રણનીતિની ઘોષણા કરી રહ્યા છે.
ક્વોડનું આયોજન ભારતમાં કરતાં અમને આનંદ થશેઃ મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજની આપણી આ બેઠકમાં લોકકેન્દ્રિત વિકાસ સાથે સંકળાયેલા વિષયો પર ચર્ચા કરવાનો અવસર મળ્યો છે. પ્રધાનમંત્રી અલ્બેનીઝને આ સમિતિની અધ્યક્ષતા માટે અભિનંદન આપું છું. 2024માં ક્વોડ લીડર સમિટનું આયોજન ભારતમાં કરવા અંગે અમને આનંદ થશે.

