માનવી કરતાં ટેકનોલોજી પરના આંધળા વિશ્વાસે સેંકડો જિંદગીઓ બરબાદ કરી

Wednesday 24th May 2023 05:40 EDT
 

બ્રિટિશ ઇતિહાસમાં ન્યાયની સૌથી ગંભીર કસુવાવડ સમાન કથિત હોરાઇઝન કૌભાંડની પબ્લિક ઇન્કવાયરીમાં એક પછી એક પરતો ખુલી રહી છે તેમ તેમ ટોચના અધિકારીઓની નિંભર બેદરકારીના કારણે સેંકડો લોકોના જીવનો કાનૂની પ્રક્રિયામાં કેવી રીતે બરબાદ થઇ ગયાં તેનો આઘાતજનક ચિતાર સામે આવી રહ્યો છે. વર્ષ 2000થી 2014 વચ્ચે 736 જેટલાં સબ પોસ્ટમાસ્ટર અને પોસ્ટ મિસ્ટ્રેસની સામે ચોરી, છેતરપિંડી અને ખોટા હિસાબો રજૂ કરવાના આરોપસર કેસ ચલાવવામાં આવ્યા હતા. આમાં મોટી સંખ્યામાં ગુજરાતી સહિત ભારતીય મૂળના બ્રિટિશરો પણ સામેલ હતાં. કથિત કૌભાંડમાં કથિત આરોપીઓએ કોઇ ખોટું કામ કર્યું નહોતું પરંતુ વાંક તો જાપાનની કંપની ફુજિત્સુ દ્વારા નિર્મિત કોમ્પ્યુટર સિસ્ટમ હોરાઇઝન જ ખામીયુક્ત હતી જેને પોસ્ટ ઓફિસ મેનેજમેન્ટ દ્વારા થોપી દેવાઇ હતી. કહે છે ને કે એક ખોટો આરોપ પણ વ્યક્તિનું જીવન છિન્ન ભિન્ન કરવામાં કોઇ કસર બાકી રાખતો નથી. અદાલતી પ્રક્રિયામાં નિર્દોષ પૂરવાર થાવ ત્યાં સુધી તમે આરોપી જ ગણાવ છો. આવી જ સ્થિતિ આ નિર્દોષ લોકોની પણ રહી હતી. સત્ય બહાર ન આવ્યું ત્યાં સુધીમાં તો ઘણાને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયાં હતાં. દુર્ભાગ્યની વાત તો એ હતી કે માનવી કરતાં ટેકનોલોજી પર વધુ વિશ્વાસ કરાયો હતો. જો કે તપાસમાં સત્ય બહાર આવ્યું પરંતુ ત્યાં સુધીમાં તો 59 વ્યક્તિના મોત નિપજી ચૂક્યાં હતાં. અદાલત દ્વારા પીડિતોને વળતર ચૂકવવાનું ફરમાન કરાયું તેમાં પણ ધાંધિયા ચાલી રહ્યાં છે. હજુ ઘણા પીડિત વળતરથી વંચિત છે. વળતરમાં મળેલા પાઉન્ડ તેમને થોડી ઘણી રાહત આપશે પરંતુ અદાલતી કાર્યવાહીની વેદના અને ખોટા ચુકાદાઓના કારણે જે વર્ષો જેલમાં વીતાવ્યા તેની ભરપાઇ કોણ કરી આપશે તે એક મોટો સવાલ છે. ટેકનોલોજી પર આંધળો વિશ્વાસ મૂકીને પોસ્ટ ઓફિસ મેનેજમેન્ટે પોતાના જ કર્મચારીઓને નર્કની યાતનાઓમાં ધકેલી દીધાં તેની પુષ્ટિ હવે ધીરે ધીરે થઇ રહી છે. પોસ્ટ ઓફિસમાં અપરાધિક કાર્યવાહીના ઇનચાર્જે રોયલ મેઇલની ખામીયુક્ત હોરાઇઝન આઇટી સિસ્ટમની સંપુર્ણ તપાસને અટકાવી દીધી હતી. તેમણે ઇન્કવાયરીને જણાવ્યું હતું કે, આ પ્રકારની તપાસ ટ્રાયલમાં ટકી શકશે નહીં. હજુ આ કૌભાંડની ઘણી પરતો ખૂલવાની બાકી છે. શું આ પ્રકારની નિંભર બેદરકારી માટે પોસ્ટ ઓફિસ મેનેજમેન્ટ સામે કોઇ પગલાં લેવાશે ખરાં?


comments powered by Disqus