કંગાળ પાકિસ્તાનને ભારત તરફથી આશાઃ યુએઈને વાતચીતની મધ્યસ્થી કરવા કહ્યું

Wednesday 25th January 2023 06:38 EST
 
 

દુબઈઃ આર્થિક મંદીમાં દેશ-વિદેશમાં હવાતિયાં મારતા પાકિસ્તાને હવે ભારત તરફ આશાની મીટ માંડી છે. કાશ્મીરના વણસેલા સંબંધના પગલે ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈપણ જાતની વાતચીત અત્યારે થઈ રહી નથી, ત્યારે તેણે ભારત સાથે વાતચીત કરવા UAE નામના મધ્યસ્થી પાસે મદદ માગી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે ગત અઠવાડિયે UAEના રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે, તેઓ ભારતને પાકિસ્તાન સાથે વાતચીત કરવા સહમત કરે.
ભારતને વાતચીત માટે સમજાવોઃ શાહબાઝ
પાકિસ્તાની અખબારે પ્રકાશિત કરેલા અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે. અહેવાલ મુજબ પાકિસ્તાનના PMએ સંયુક્ત આરબ અમિરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાનને કહ્યું હતું કે, તમારા ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘણા સારા સંબંધ છે અને તમે અમારા મુસ્લિમ ભાઈ છો, તેથી ભારતને અમારી સાથે વાતચીત કરવા માટે તૈયાર કરો. તમે ઇચ્છો તો વડાપ્રધાન મોદી અને ભારતને અમારી સાથે વાતચીત માટે તૈયાર કરી શકો છે.
પાકિસ્તાન હવે શાંતિ ઇચ્છે છે
શાહબાઝે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, પાકિસ્તાન હવે શાંતિ ઇચ્છે છે અને આ માટે ગંભીરતાથી વાતચીત કરવી જરૂરી છે. મેં રાષ્ટ્રપતિ જાયેદને વચન પણ આપ્યું છે કે, પાકિસ્તાન હવે સંપૂર્ણ ઇમાનદારી સાથે અને પરિણામ મેળવવા વાતચીત કરવા ઇચ્છે છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના વડાપ્રધાને ભલે કોઈ વચન કે અપીલ કરી હોય, પરંતુ UAEએ શરીફની વાતને ગંભીરતાથી લીધી નથી. તેના દાખલા કે પુરાવા પણ સામે આવી ચૂક્યા છે.
ત્રાસવાદ બંધ ન સુધી પાક. સાથે વાતચીત નહીંઃ વિદેશ મંત્રાલય
જ્યાં સુધી સરહદ પારથી ત્રાસવાદ ખતમ થશે નહીં ત્યાં સુધી ભારત કોઇ વાતચીત કરશે નહીં. આ નિવેદન ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફની ટિપ્પણી બાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત હંમેશાં પાકિસ્તાનની સાથે સામાન્ય પડોશી દેશ જેવા સંબંધ ઇચ્છે છે. જો કે પાકિસ્તાને તેના માટે સાનુકૂળ માહોલ સર્જવાના પ્રયાસ કરવા જોઈએ. ત્રાસવાદ, હિંસાનો અંત લાવવા પાકિસ્તાને સતત પ્રયાસો કરવા જોઈએ. શાહબાઝે દુબઈમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ કાશ્મીર મુદ્દા અને પાકિસ્તાન તરફથી ઊભી થઈ રહેલી સ્થિતિના કારણે વણસ્યા છે. ભારત સાથે ત્રણ યુદ્ધ થઈ ચૂક્યાં છે. યુદ્ધના કારણે પાકિસ્તાનની સામે વધુ સમસ્યા ઊભી થઈ છે.


comments powered by Disqus