ભારત સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવા બ્રિટન આતુર છે અને આ માટે માર્ચ 2021માં જ બ્રિટિશ સરકાર દ્વારા વિદેશ નીતિની વ્યાપક સમીક્ષાનો પ્રારંભ કરી દેવાયો હતો. બ્રિટન હાલ વિશ્વમાં સૌથી મહત્વના બની રહેલા ઇન્ડો-પેસિફિક રિજિયન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે અને આ રિજિયનમાં ભારત સાથેના મજબૂત દ્વિપક્ષીય સંબંધો વિના બ્રિટન તેની સ્થિતિ મજબૂત બનાવી શકવાની સ્થિતિમાં નથી. બ્રેક્ઝિટ બાદ આર્થિક પીછેહઠનો સામનો કરી રહેલા બ્રિટિશ અર્થતંત્ર માટે ઇન્ડો-પેસિફિક રિજિયન અત્યંત મહત્વનો છે. બ્રિટન સારી રીતે જાણે છે કે તમામ પ્રકારના હિતોની જાળવણી માટે ભારત સાથે સહકાર સાધ્યા વિના છૂટકો નથી. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા મહત્વની બની રહી છે. તેથી ભારત સાથે વેપાર, મૂડીરોકાણ, સંરક્ષણ અને સુરક્ષામાં સહકાર બ્રિટન માટે અત્યંત મહત્વના છે. ભારત આજે વિશ્વમાં ત્રીજા ક્રમની સૌથી મોટી આર્થિક સત્તા બનીને ઉભરી રહ્યો છે ત્યારે બ્રિટન માટે ભારત સાથેના વેપાર સંબંધો અત્યંત મહત્વના છે. હાલ ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર કામ ચાલી રહ્યું છે અને બંને દેશ ઝડપથી આ કરારમાં પ્રવેશે તેવી સંભાવના છે. આ કરાર અંતર્ગત બ્રિટન 2030 સુધીમાં ભારત સાથેનો વેપાર બમણો કરવા માગે છે. બ્રિટનને તેના ઉત્પાદનો માટે ભારત જેવા વિશાળ બજારની તાકિદે જરૂર છે. તે ઉપરાંત ભારતીય કૌશલ્યની પણ બ્રિટનને તાતી જરૂર છે. તાજેતરમાં જ બંને દેશ વચ્ચે થયેલી સમજૂતિ અનુસાર બંને દેશે યંગ પ્રોફેશનલ સ્કીમ અંતર્ગત પ્રતિ વર્ષ 3000 કુશળ કર્મચારીઓને બે વર્ષના વિઝા આપવાની શરૂઆત કરી છે. બ્રિટનમાં ખસ્તાહાલ બનેલી નેશનલ હેલ્થ સર્વિસની સ્થિતિ સુધારવા માટે ભારતીય મેડિકલ કુશળતાની પણ તાતી જરૂર છે. તે ઉપરાંત બ્રિટનની મોટાભાગની યુનિવર્સિટીઓ ભારતીય વિદ્યાર્થીઓ પર નભી રહી છે. ગયા નાણાકીય વર્ષમાં બ્રિટને સૌથી વધુ સ્ટુડન્ટ વિઝા ભારતીય વિદ્યાર્થીઓને જારી કર્યાં હતાં. બ્રિટનને ડિફેન્સ અને સિક્યુરિટી સેક્ટરમાં પણ ભારતના સહકારની અત્યંત આવશ્યકતા છે. બ્રિટન ભારત સાથે સાયબર સિક્યુરિટી, સ્પેસ, ક્રાઇમ અને ટેરરિસ્ટ ધમકીઓ સામે વ્યૂહાત્મક સંબંધો ઇચ્છી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના વધી રહેલા કદને કારણે બ્રિટન આંતરરાષ્ટ્રીય સુરક્ષાના મામલે પણ ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે. ચીન અને રશિયાની ધરી અમેરિકા સહિતના પશ્ચિમના દેશોને ચિંતિત કરી રહી છે ત્યારે ઇન્ડો-પેસિફિક રિજિયનમાં બ્રિટનને પણ પોતાના હિતોની જાળવણી માટે ભારત જેવા એક સશક્ત સાથીની જરૂર છે. આગામી વર્ષોમાં ભારત અને બ્રિટનના દ્વિપક્ષીય સંબંધો નવી ઊંચાઇ પર પહોંચવાની પ્રબળ સંભાવના સાથે બ્રિટિશ સરકાર કામ કરી રહી છે. આજે ભારતને બ્રિટનની જરૂર નથી એટલી બ્રિટનને ભારતની જરૂર છે.
