મેલબર્નઃ ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં 15 દિવસમાં ત્રીજા મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાની સાથે મંદિરની દીવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યાં છે. આ પહેલાં 12 જાન્યુઆરી અને 17 જાન્યુઆરીએ પણ ભારતીય મંદિરો પર હુમલો અને તેની દીવાલ પર ભારતવિરોધી સૂત્રો લખવાના બનાવ બની ચૂક્યા છે. આ વખતે મેલબર્નના ઇસ્કોન મંદિરની દીવાલો પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારત વિરોધી નારા લખવામાં આવ્યા છે.
હુમલા અંગે હિન્દુ સમુદાયની માગ
ખાલિસ્તાન સમર્થકો દ્વારા મંદિરની દીવાલો પર ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ લખવાની સાથે ભારત વિરોધી લખાણ લખવામાં આવ્યું છે. સાથે જ ‘ભિંડરાવાલે શહીદ હૈ’નું લખાણ પણ લખાયું છે. આ ઘટનાને લઈને ઓસ્ટ્રેલિયાના હિન્દુ સમુદાયે સ્થાનિક સરકાર પાસે કાર્યવાહીની માગ કરી છે. સાથે જ આરોપ લગાવવામાં આવ્યો છે કે છેલ્લી ઘટનાઓ પર કોઈ કાર્યવાહી ન થતાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ખાલિસ્તાન જૂથે એક ભારતીય આતંકવાદી જરનૈલસિંહ ભિંડરાનવાલેની પ્રશંસા કરી છે તે ખાલિસ્તાની શીખ રાજ્યના સમર્થક હતા અને ઓપરેશન બ્લૂ સ્ટારમાં તેઓ માર્યા ગયા હતા.
ભારત દ્વારા ઘટનાની કરાઈ નિંદા
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી છે. સાથે જ નિંદા કરતાં ઓસ્ટ્રેલિયા સરકારને આ વિષય પર તાત્કાલિક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે. ભારતે આ સાથે જ કેનબરા અને નવી દિલ્હી ખાતે પોતાની નારાજગી દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં મેલબર્નમાં શ્રી શિવ-વિષ્ણુ મંદિર અને સ્વામિનારાયણ મંદિર બહાર આ પ્રકારનાં લખાણ લખવામાં આવ્યાં હતાં.
BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રતિક્રિયા
BAPS દ્વારા આ ઘટના અંગે કહેવામાં આવ્યું છે કે, અમે આ ઘટનાથી ખૂબ દુઃખી અને આઘાતમાં છીએ. અમે શાંતિ અને સૌહાર્દની પ્રાર્થના કરીએ છીએ.

