વિશ્વભરમાં આર્થિક અસમાનતા વિકરાળ બની, મહત્તમ સંપત્તિ પર એક ટકા અમીરોનો કબજો

Wednesday 25th January 2023 05:04 EST
 

વિશ્વમાં આર્થિક અસમાનતા વિકરાળ બની રહી છે. 2020માં કોરોના મહામારી શરૂ થયા છતાં પણ વિશ્વના એક ટકા અમીરોએ 2020થી છેલ્લા બે વર્ષમાં વિશ્વમાં સર્જન થયેલી નવી સંપત્તિ પૈકીની 21 ટ્રિલિયન પાઉન્ડની સંપત્તિ પોતાના ખિસ્સામાં સેરવી લીધી હતી. જે વિશ્વની કુલ વસતીના 99 ટકા વસતીએ મેળવેલી સંપત્તિ કરતાં બમણી છે. છેલ્લા 25 વર્ષમાં પહેલીવાર અમીરી અને ગરીબી વચ્ચેની ખાઇ વિકરાળ બની છે. આંકડા દર્શાવે છે કે વિશ્વના એક ટકા અમીર લોકો વૈશ્વિક સ્ત્રોતોનો મહત્તમ હિસ્સો ખાટી રહ્યાં છે. છેલ્લા એક દાયકામાં વિશ્વમાં સૃજાયેલી નવી સંપત્તિમાંથી 50 ટકા સંપત્તિ એક ટકા અમીરોની તિજોરીમાં કેદ થઇ છે. ડિસેમ્બર 2021 પહેલાંના બે વર્ષમાં વિશ્વમાં સર્જિત 34 ટ્રિલિયન પાઉન્ડની કુલ નવી સંપત્તિના 63 ટકા સંપત્તિ પર એક ટકા અમીરોએ કબજો જમાવ્યો હતો. દાવોસ ખાતે આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વકરી રહેલી આર્થિક અસમાનતા ચર્ચાનો મુખ્ય વિષય બની રહેવાની સંભાવના છે. વિશ્વ બેન્કના જણાવ્યા અનુસાર દારૂણ ગરીબી ઘટાડવાની પ્રક્રિયા સ્થગિત થઇ ગઇ છે. બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલીવાર વૈશ્વિક આર્થિક અસમાનતામાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર છેલ્લા બે વર્ષમાં વિશ્વમાં જે કાંઇ નવી સંપત્તિનું સર્જન થયું તેમાંથી તળિયામાં રહેલા 90 ટકા ગરીબોના હિસ્સામાં ફક્ત એક ડોલર આવ્યો હતો જેની સામે વિશ્વના દરેક અબજોપતિના હિસ્સામાં સરેરાશ 1.7 મિલિયન ડોલર આવ્યા હતા. અબજોપતિઓની સંયુક્ત સંપત્તિમાં પ્રતિ દિવસ 2 બિલિયન પાઉન્ડનો વધારો જોવા મળ્યો હતો. છેલ્લા 10 વર્ષમાં અબજોપતિઓની સંપત્તિમાં બમણો વધારો થયો છે. આવા કપરા સમયમાં વિશ્વભરમાં મોંઘવારીના કારણે 1.7 બિલિયન શ્રમિકો અથવા તો 820 મિલિયન લોકો ભૂખમરાનો શિકાર બની રહ્યાં છે. હાલની આર્થિક વાસ્તવિકતા પાયાના માનવીય મૂલ્યોની વિરુદ્ધ છે. છેલ્લા 25 વર્ષમાં પહેલીવાર દારૂણ ગરીબીમાં વધારો જોવા મળી રહ્યો છે. 100 કરોડ લોકો ભૂખમરામાં ધકેલાઇ ગયાં છે જ્યારે અબજોપતિઓ સંપત્તિના જોરે જલસા કરી રહ્યાં છે. આવી સ્થિતિ છતાં સરકારો ગરીબો પાસેથી સૌથી વધુ ટેક્સની વસૂલાત કરી રહી છે. યુગાન્ડામાં લોટનું વેચાણ કરતો એક નાનો દુકાનદાર 40 ટકા ટેક્સ ચૂકવે છે જેની સામે કેટલાક અબજોપતિઓ ફક્ત 3 ટકા ટેક્સ ચૂકવી રહ્યાં છે. સમગ્ર વિશ્વ પર નજર નાખીએ તો ટેક્સ પેટે વસૂલાતા પ્રત્યેક ડોલરમાં અમીરો દ્વારા ચૂકવાતો ટેક્સ ફક્ત 4 ટકા છે. વિશ્વના 50 ટકા અબજોપતિઓ તેમના વારસો માટે ઇનહેરિટન્સ ટેક્સ ન હોય તેવા દેશોમાં વસવાટ કરવાનું પસંદ કરે છે જેથી તેઓ 5 ટ્રિલિયન ડોલરની ટેક્સ મુક્ત સંપત્તિ તેમના વારસને સોંપી શકે. આ રકમ સમગ્ર આફ્રિકા ખંડના જીડીપી કરતાં પણ વધુ છે. બ્રિટનમાં પણ અમીરો અને ગરીબો વચ્ચેની ખાઇ વધુ પહોળી બની છે. ફક્ત 1 ટકા અમીર બ્રિટિશરો 70 ટકા બ્રિટિશરો કરતાં વધુ સંપત્તિ ધરાવે છે. દેશના ટોચના ચાર અબજોપતિ બે કરોડ બ્રિટિશરો કરતાં વધુ સંપત્તિ ધરાવે છે. જો વિશ્વના અબજોપતિઓ પર વેલ્થ ટેક્સ વધારીને પાંચ ટકા કરવામાં આવે તો દર વર્ષે 1.7 ટ્રિલિયન ડોલરની આવક થઇ શકે જે વિશ્વભરના 200 કરોડની ગરીબી દૂર કરી શકવામાં સક્ષમ છે.


comments powered by Disqus